SURAT

તમે ડોગ પાળી શકો કે નહીં તે તમારો પાડોશી નક્કી કરશે, સુરત મનપાએ બનાવ્યા નવા નિયમ

સુરતઃ ડોગ બાઈટના વધતા કિસ્સા વચ્ચે સુરત મનપાએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. અમદાવાદમાં પાલતુ શ્વાનના કરડયા બાદ બાળકનું મોત નિપજતા હવે સુરત મનપાનું તંત્ર પણ એલર્ટ થયું છે અને સુરત મનપાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. તે અંગેના ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 1000થી વધુ પાલતુ શ્વાનના માલિકોને નોટિસો પણ ફટાકરવામાં આવી છે. નોટિસના અનાદર બદલ ડોગના માલિકોને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

  • સુરત મનપાએ શ્વાન પાળવા માટે લાયસન્સ ફરજિયાત બનાવ્યું
  • મનપાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા નિયમ બનાવાયા, ફોર્મ પણ બહાર પાડ્યું
  • મનપાના માર્કેટ ડિપાર્ટમેન્ટે 1000 શ્વાન માલિકોને નોટિસ ફટકારી, નોટીસનો અનાદર કરનારાઓને કોર્ટમાં રજૂ કરાશે
  • સોસાયટીના પ્રમુખ સહિત 10 પડોશીઓનો બાંયધરી પત્ર ફરજિયાત બનાવાયો

માર્કેટ સુપરિટેન્ડેન્ટ દિગ્વિજયરામના જણાવ્યા મુજબ શહેરમાં હવે કોઈ પણ નાગરિક ડોગ પાળવા માંગતા હોય તો તેમને ફરજિયાતપણે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવું પડશે. આ નિયમનો ઉદ્દેશ ડોગ બાઈટના બનાવોને અટકાવવાનો છે. ડોગ બાઈટના કિસ્સામાં પાલતુ પ્રાણીઓના માલિકોની જવાબદારી નક્કી પણ કરી શકાશે.

ડોગ પાળવા ઈચ્છતા નાગરિકોએ તેમની આસપાસ રહેતા 10 પાડોશીઓનો બાંયધરી પત્ર મેળવવો પડશે. તે ઉપરાંત સોસાયટી, એપાર્ટમેન્ટના ચેરમેન-પ્રમુખની બાયંધરી પણ ફરજિયાત છે.

નોંધનીય છે કે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા નિયમો લાગુ કરતા પહેલાં જ 1000થી વધુ પાલતુ શ્વાનના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેઓને નવા નિયમો અંગે જાણ કરાઈ છે. લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સમજાવાઈ છે.

માર્કેટ વિભાગના સૂત્રોએ કહ્યું કે, નવા નિયમો લાગુ કરાયા બાદ કુલ 256 અરજી લાયસન્સ માટે આવી છે. 150 અરજીઓને મંજૂરી આપી લાયસન્સ ઈશ્યુ કરાયું છે. જોકે, 109 અરજીઓ તપાસ બાદ રદ્દ કરવામાં આવી છે.

માર્કેટ સુપરિટેન્ડેન્ટ દિગ્વિજયરામે વધુમાં કહ્યું કે, લાયસન્સ વિના શ્વાન પાળતા હોવાનો કિસ્સો બહાર આવશે તો માલિક સામે કોર્ટ કાર્યવાહી કરાશે. કસૂરવારને મોબાઈલ કોર્ટમાં રજૂ કરાશે. જર્જ દ્વારા સજાનો નિર્ણય લેવામાં આવશે.

આ રીતે લાયન્સ માટે અરજી કરી શકાશે
સુરત મનપાની સત્તાવાર વેબસાઈટ www.suratmunicipal.gov.in પરથી ડાઉનલોડ્સ અથવા ઓનલાઈન્સ ફોર્મસ વિભાગમાંથી કુતળા પાળવા બાબત એમ લખેલું ફોર્મ મળશે, જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કરવું. ત્યાર બાદ ફોર્મમાં માલિક તથા શ્વાનની માહિતી ભરવી. આ સાથે 10 પાડોશી અને સોસાયટીના પ્રમુખનું એનઓસી મેળવવું. માલિકની ઓળખ-સરનામા પુરાવા તરીકે આધારકાર્ડની નકલ અને મ્યુ. ટેક્સ બિલ અથવા ભાડા કરારની નકલ સામેલ કરવી.

શ્વાનની વિગત તરીકે રસીકરણના પુરાવા ખાસ કરીને હડકવાની રસી મુકાવી હોવાના પુરાવા સબમીટ કરવા પડશે. ડોગનો ફોટો પણ મુકવો પડશે. તેની જાતિની વિગતો લખવાની રહેશે.

ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત વોર્ડ ઓફિસમાં જમા કરાવવાના રહેશે. તેની ફોટોકોપી પોતાની પાસે રાખવાની રહેશે.

Most Popular

To Top