Godhra

શહેરાના ડેમલી ગામ પાસે ટ્રેલર પલટી ગયું, બેફામ ટ્રકો પર તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે?


અનેકો રજુઆત બાદ પણ તંત્રના આંખ આડા કાન


ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામ પાસે કાંકણપુર તરફ જતા માર્ગ પર અનેકો અકસ્માતો થાય થાય છે ત્યારે ફરી એક ટ્રેલર પલટી મારી જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કાંકણપુર-છકડીયા રોડ પર ટ્રકોની બેફામ ગતિને કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, અને આ અકસ્માત બાદ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમલી ગામ નજીક કાંકણપુર તરફ જતા રસ્તા પરથી પસાર થઈ રહેલું એક ટ્રેલર કોઈ કારણસર પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અકસ્માતે ફરી એકવાર આ માર્ગ પર બેફામ દોડતી ટ્રકોના ભયને ઉજાગર કર્યો છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાંકણપુર-છકડીયા રોડ પર ટ્રક ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી, અતિશય ઝડપે વાહનો હંકારે છે. જાણે કે તેમને કોઈની પરવા જ ન હોય તેમ તેઓ બેફામ રીતે ટ્રકો ચલાવે છે. આ માર્ગ પર અવારનનવાર આવા નાના-મોટા અકસ્માતો બનતા રહે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને આ અંગે રજૂઆતો કરવામાં આવી છે. ટ્રકોની બેફામ ગતિને નિયંત્રિત કરવા અને કાયદાનું પાલન કરાવવા માટે અનેક વખત અપીલો કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોકોમાં એવી ભીતિ છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ શકે છે.

આ ઘટના બાદ, સ્થાનિક લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? ઝડપ નિયંત્રણ અને કાયદાનું કડક પાલન કરાવવું એ સમયની તાતી જરૂરિયાત છે. જો આ જ પ્રકારે પરિસ્થિતિ ચાલતી રહેશે, તો આ માર્ગ પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થતો રહેશે અને નિર્દોષ નાગરિકો ભોગ બનતા રહેશે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ગંભીરતા દાખવી, બેફામ ટ્રક ચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Most Popular

To Top