તમિલનાડુના શિવકાશી જિલ્લામાં સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. શિવકાશીમાં મંગળવારે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ કામદારોના મોત થયા છે. પોલીસે ઘટના અંગે માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો. આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ ભીષણ આગને સમગ્ર યુનિટ પર અસર થઈ છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટ પછી ફેક્ટરીમાંથી ધુમાડો નીકળતો હતો અને ફટાકડા ફુટવાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટના બાદ પોલીસ અને ફાયર તેમજ બચાવ સેવાઓના કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
અગ્નિ અને બચાવ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં વિસ્ફોટ પછી લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થળ પરથી કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ખાતે સ્થિત આ ખાનગી ફટાકડા ઉત્પાદન એકમ પર મહેસૂલ અધિકારીઓ પણ પહોંચી ગયા છે. આ ઉપરાંત પોલીસ ટીમે પણ આ બાબતની તપાસ શરૂ કરી છે.
અગાઉ સોમવારે તેલંગાણાના પાસમિલારમમાં સિગાચી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ એક ભયંકર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. પાસમિલારમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્મા પ્લાન્ટમાં આ જીવલેણ અકસ્માત રાસાયણિક પ્રતિક્રિયાને કારણે થયો હોવાની શંકા છે. રાજ્યના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે પ્લાન્ટમાં લગભગ 90 લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ઘટના શંકાસ્પદ રાસાયણિક પ્રતિક્રિયાને કારણે હોવાનું કહેવાય છે જેના કારણે આગ પણ લાગી હતી.