આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ અને કોલેજોની સંખ્યા સતત વધતી જાય છે. નવી નવી અંગ્રેજી મીડીયમની શૈક્ષણિક સંસ્થાઓ એટલા માટે વધતી જાય છે કે વાલીઓ પણ પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરાવવા માંગે છે. રિક્ષાવાળા કે શાકભાજીવાળાના સંતાનો પણ અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે તે એક હકીકત છે. સાચી વાત તો એ છે કે આપણા દેશના નેતાઓ અને અધિકારીઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવે છે એટલું જ નહીં વિદેશ પણ વધુ અભ્યાસ માટે મોકલે છે. માતૃભાષા ગુજરાતી બચાવોની બૂમરાણ વચ્ચે જે કડવી વાસ્તવિકતા છે તેનો પણ આપણે સ્વીકાર કરવો જ પડે છે. કેટલીક અંગ્રેજી માધ્યમની શાળામાં તો વિદ્યાર્થીઓ પરસ્પર ગુજરાતીમાં વાત પણ નથી કરી શકતા.
આપણા દેશના ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે “આ દેશમાં આવનારા સમયમાં અંગ્રેજી બોલવામાં શરમ અનુભવાશે.” ગુજરાતી માધ્યમની શાળાઓ ક્રમશઃ બંધ પડી રહી છે. હું પોતે પણ માતૃભાષામાં શિક્ષણનો હિમાયતી હોવા છતાં વર્તમાન વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે આંખમીંચામણાં કરીએ તે પણ બરાબર નથી. આપણા ગુજરાત રાજ્યની શાળાઓમાં અપાતા શિક્ષણના માધ્યમ અંગે છેલ્લા 20 થી 25 વર્ષનો સર્વે કરવામાં આવે તો અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં જે મોટો ઉછાળો આવ્યો છે તેની આંકડાકીય માહિતી મળી જશે. આપણે જ્યારે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારતા હોઈએ ત્યારે અંગ્રેજીની ઉપયોગીતા સ્વીકાર્યા વિના છૂટકો નથી. ગ્લોબલ વર્લ્ડ આજે ગ્લોબલ વિલેજમાં પરિવર્તિત થઈ ગયું છે ત્યારે એ સંદર્ભે આપણે વિચારવું જ રહ્યું.
નવસારી- ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.