Comments

જેવો ધંધો તેવો પ્રેમપત્ર

પ્રેમ પણ વાયરસ જેવો છે યાર..? છોકરાને કપડાં ઈસ્ત્રી કરવા મોકલ્યો હોય તો ત્યાંથી પણ પ્રેમ વળગાડીને આવે..! ભરોસો નહિ..! દિલને છૂટું પાડીને પાંપણ ઉપર લટકાવી રાખ્યું હોય એમ, હૃદય પલાળીને જ આવે. કહેવત છે ને, ‘જ્યાં મળી લાડી, ત્યાં છૂટી ગાડી…!’ પછી તો દિલ લગા દિલ્લીસે, તો ડુંગરી ક્યા ચીજ હૈ..! આંખ મળી એટલે પાંખ ફૂટી..! આકાશના તારા પણ રસ્તા ઉપર પલકતા દેખાય ને ચાંદો માશુકાના મોંઢા ઉપર દેખાવા માંડે. એમાં બાપાના ઘરમાં બંધાવા માંડે..! બાપા વિચારમાં પડી જાય કે, મારો શેર જેવો દીકરો શાયર કેમ બની ગયો..?
પ્રેમની કોઈ સંહિતા નહિ, દર્દ થાય તો ચિંતા નહીં
પ્રેમ તો પ્રભુનો પ્રસાદ છે રણમાં કોઈ સરિતા નહિ.

એના કપાળમાં કાંદા ફોડું, વાહ વાહ તો બોલો..? ક્યાંથી બોલે..? એક વાર હસી તો ફંસી ને આંખથી આંખ મળી ને આંખમાં મોતિયો હોય તો એ પણ કોહીનુર લાગવા માંડે. પ્રેમના ઉભરા તો ઘઈડાને પણ આવે ને ? પ્રેમ થવો જોઈએ, ઉંમરની બાધ પણ નહિ નડે..! પ્રેમ એટલે પ્રેમ..! બગસરાના દાગીનામાં એક વાર સોના જેવી અસ્સલ છાંટ દેખાય તો, ઘઈડા પણ ગોઠણ કાઢવા માંડે ..! પ્રેમ એટલે મૂડી અને ટેક્ષ વગરનો ધંધો..!

‘બિઝનેસ’ હોય એમ, ઠેર ઠેર પ્રેમની હાટડીઓ હોય..! એટલે તો અત્ર-તત્ર-સર્વત્ર પ્રેમલા-પ્રેમલીની બોલબાલા છે મામૂ..! પ્રેમ એટલે ચાઈનાની પ્રોડક્ટ હોય એમ, પ્રેમ ક્યારે ગીલીટ છોડી દે એ નક્કી નહિ. ચલી તો ચલી, નહિ તો હો ગયા શેખચલ્લી..! બાકી, પ્રેમ ધારે એટલો ખરાબ નથી. પણ મા દીકરાને જેટલો સારો સમજે એટલો સારો પણ નથી. કારણ કે, પ્રેમના ટકાઉપણાનો આધાર, પ્રેમ કરનારના જુગાડ ઉપર છે. ઘણા વિશ્વસુંદરીની કલ્પના કરે અને પરણ્યા પછી ઘરકામ તો શાંતાબાઈ જેવું જ કરાવે..!

સંસારનો પણ સાલો એક નિયમ બની ગયો, જે ગમે છે એ મળતું નથી, ને જે મળે છે એ ગમતું નથી. પ્રેમમાં વિચારોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ કે ઊંડાઈ જોવા ગયા તો, ખલ્લાસ, રોઝ-ડે ના દિવસે ધંતુરા જ મળે..! મારો ઈરાદો કોઈનો ઉત્સાહ-ભંગ કરવાનો નથી, પણ આ તો એક વાત..! બાકી, પાનકાર્ડ કે આધારકાર્ડના ફોટામાં દેખાય એટલો માણસ ખરાબ હોતો નથી..! છતાં ઘણી વાર મને એવું થાય કે, લગનની માફક પ્રેમમાં પડવા પહેલાં પણ એકબીજાની કુંડળી મેળવવાની પ્રથા હોવી જોઈએ..! શું કહો છો રતનજી..? સાચું પૂછો તો પ્રેમમાં સફળ થનાર કરતાં નિષ્ફળ થનારનો તોટો નથી. આજનો પ્રેમ તો ‘ઈન્સ્ટન્ટ લવ’ જેવો. લયલા-મજનુ-શેણી વીજાણદ જેવો ઉત્કૃષ્ટ પ્રેમ આજે છે જ ક્યાં..? સાવ તકલાદી..! એના ઈતિહાસ નહિ લખાય, પોલીસના ચોપડા જ લખાય..! કથા કરતાં, વ્યથા વધારે..!

આજકાલના પ્રેમની હાલત પોસ્ટકાર્ડ જેવી. ચલણમાં ખરો, પણ દેખાય નહિ, ત્યારે પ્રેમ દેખાય ખરો પણ એના ફાધરથી પણ પકડાય નહિ. વાયરસ જેવો..! સવારે પ્રેમ થાય, બપોરે વિવાહ થાય, સાંજે લગન અને રાત પડે એટલે પોલીસ એ પંખીડાને શોધતી ઘરે આવે..! ઠેર ઠેર ખાતાં ખોલાવ્યાં હોય એટલે, આવું જ થાય. છેડા આપોઆપ છૂટવા માંડે..! આપણો ગમતો ઉમેદવાર હારી જાય ને વોટ માથે પડે એમ, આપણા તો વ્યવહારના ચાંલ્લા માથે પડે..! ‘લયલા-મજનુ’ ભલે ઈતિહાસનાં પાનાં બની ગયાં પણ એમનો પ્રેમ હજી આજે પણ ફૂંફાડા મારે..! એને ‘બ્રાન્ડેડ લવ’ કહેવાય..! આજે તો પ્રેમમાં પડે તો પણ તોફાન, લગન કરે તો પણ તોફાન, હનીમૂનમાં જાય તો પણ તોફાન ને નહિ કરે તો પણ તોફાન..! વાંઢેરાને લોકો જીવવા જ નહિ દે..!

સાલું અજબ સવાલોના ગજબ જવાબો જેવું છે. બાકી, વિદેશની તો વાત જ અલગ. શરૂ શરૂમાં એટલો પ્રેમ કરે કે, આપણને અદેખાઈ આવે. પણ થોડોક સમય જાય ને પ્રેમનો સ્ટોક ઓછો થવા માંડે એટલે, ‘તું નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી ઉપર આવી જાય..! અખંડ સૌભાગ્યવતી કરતાં ‘અખંડ બદલાવતી’ થઇ જાય..! ત્યારે આપણે ત્યાં એવું નહિ. પ્રેમ વાપરવામાં કરકસર કરીએ. સવારે પ્રેમ કર્યો, તો બપોરે ઝઘડીએ, સાંજે મનાવીએ. પછી ફરી ઝઘડો કરીએ..! એમાં પ્રેમ ઓછો ખપે. ચૂંદડીથી સફેદ સાડલા કે લેંઘા સુધી સંસાર ગબડે..! આપણામાં વિદેશવાળા જેવું નહિ કે, પહેલાં પ્રેમ કરે, પછી લગન કરવા હોય તો કરે..! આપણે પહેલાં લગન કરીએ ને પછી પ્રેમ કરવો હોય તો કરે, નહિ તો જય દ્વારકાધીશ માંગુ વીસ ને આપે ત્રીસ..!

મને એક દિવસ રેલવેના પ્લેટફોર્મ ઉપરથી રસ્તે રઝળતો એક પત્ર મળ્યો. કોઈનો પત્ર વંચાય નહિ પણ નવરો હતો એટલે વાંચી નાંખ્યો. વાંચ્યા પછી ખબર પડી કે, આ તો કોઈ રેલવે કર્મચારીનો પ્રેમપત્ર છે. જેવો ધંધો એવો જ પ્રેમપત્ર..! કુદરતનો નિયમ છે કે, માણસ જેવી પ્રકૃતિમાં રહે એ પ્રમાણે જ એના શબ્દો ઘડાય, એવું પત્ર વાંચતાં લાગ્યું. આ રહ્યો એનો પ્રેમપત્ર…..
વ્હાલી સેવન-ડાઉન..!

તને ‘સેવન ડાઉન’ થી સંબોધી તેથી આશ્ચર્ય નહિ પામતી. તારું નામ ભલે સુલોચના હોય, પણ તારા લોચનનો નકશો ‘ડીફેકટેડ’ હોવાથી, તને ‘સેવન-ડાઉન’ થી સંબોધી. મને પણ પોતીકી ફીલિંગ્સ આવવી જોઈએ ને..? જો કે તને ‘સીલ્લુ’ થી પણ સંબોધન કરી શક્યો હોત, પણ તું પછી મને ‘ઉલ્લુ’ થી સંબોધે. કારણ કે મારું નામ ઉલ્લાસ છે. What is there in a name? તને ડાઉન શબ્દ અરુચિકર લાગે તો, ‘સેવન-અપ’ સમજવાની છૂટ છે. મને કોઈ ખોટું નહિ લાગે. વ્હાલી..! તું મળી નથી ત્યારથી, મારા ગ્રહો અચોક્કસ દોડતી ટ્રેન જેવા થઇ ગયા છે.

તારો પત્ર નહિ આવે ત્યારે રેલવેવાળાએ આખા મહિનાનો પગાર કાપી લીધો હોય એટલું માઠું લાગે. તને ખબર નહિ હોય, મારા પિતાજી મારું ચોગઠું ‘સાત સમંદર પાર’ની કન્યા જોડે ગોઠવવાની પેરવીમાં છે. પણ હું રહ્યો ‘વેસ્ટર્ન-લાઈન’ નો માણસ, એટલે સમંદર લાઈનમાં જવાની મારી સહેજ પણ ઈચ્છા નથી. માટે જલ્દીથી આપણી ટ્રેન પાટા ઉપર દોડતી થઇ જાય એવી આશા રાખું છું. તારા ભરોસે મારી ટ્રેનને પાટા ઉપરથી ઉતરવા દીધી નથી. માટે તું મને લગન માટે જલ્દી ‘ગ્રીન સિગ્નલ’ આપે તો સારું..! ટ્રેનનું એન્જીન ઇલેક્ટ્રિક છે, ડીઝલવાળું છે કે કોલસાવાળું, એવી શંકા રાખતી નહિ. હું પ્રેમમાં માનું છું. મતભેદમાં માનતો નથી. આપણા બંનેની લાઈન નેરોગેજની નથી એ જ આપણો સંતોષ છે.

બ્રોડ ગેજ જેવું દિલ રાખીને આપણે આપણી ટ્રેન નિર્વિધ્ને સ્ટેશન ઉપર લાવીશું એવો વિશ્વાસ છે. હું કેટલો પ્રેમાળ છું એ તો સમયસર ગાડી પ્લેટફોર્મ ઉપર આવશે એટલે સમજાઈ જશે. મારે હવે ‘વેઈટીંગ’ રૂમ જેવી નિરાંત જોઈએ છે. તારા ભાઈને કહેજે કે આપણા પ્રશ્ન માટે વારેઘડી ફાટક બંધ નહિ કરે, ફાટક ખુલ્લા રાખે..! વધુ લખતો નથી. તને જોવાની ખૂબ ઈચ્છા થાય છે. આ તરફ નીકળે ત્યારે, મને જોવા માટે ટ્રેનની બારીમાંથી ડોકું બહાર કાઢીશ નહિ. ટ્રેનની બારીનો કોઈ ભરોસો હોતો નથી અને પાસ હોલ્ડરવાળાની અડફટમાં તો આવતી જ નહિ. આમ તો બિચારા ભલા હોય છે, પણ કહેવાય નહિ..! લિ. તારો ફર્સ્ટ ક્લાસના ડબ્બા જેવો ઉલ્લાસ..!

લાસ્ટ બોલ
ચમનિયો, એક હિંદી કન્યા સાથે પ્રેમમાં ભેરવાયો. ચમનિયો ગુજરાતીમાં ફેંકે ને પેલી હિંદીમાં છોલે ..! હિંદીભાષી છોકરીની વર્ષગાંઠ આવી અને ચમનિયાને હિંદીમાં મેસેજ કર્યો કે, ‘ મેરી વર્ષગાંઠ પે, સોનેકી ચીજ લેકે આના..!
ચમનિયો પાક્કો ગુજરાતી, “ઓશીકું લઈને ગયો..!”
ચમનિયો ચાર દિવસથી હોસ્પીટલમાં છે..!
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top