દંડ નહીં ભરનાર સામે રેરાની કાર્યવાહીમાં વડોદરાની પાંચ સરકારી સ્કીમો પર પણ દંડ બાકી
રેરાએ બાકી દંડ વસૂલાત માટે VMC અને વુડાને અલગ અલગ નોટિસ ફટકારી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) હવે દંડ નહીં ભરનાર બિલ્ડરો સામે કડક પગલાં લેવા જઈ રહી છે. રેરા અધિનિયમ, 2016ની જોગવાઈઓ અનુસાર, જેટલા બિલ્ડરો ઉપર નિયમો ભંગ માટે દંડ ફટકારાયો છે પણ હજુ સુધી તે દંડ ભર્યો નથી, તેમના સામે હવે જમીન મહેસૂલ કાયદા હેઠળ સરકારના લેણાં તરીકે મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ થશે. ગુજરેરા દ્વારા તાકીદ કરીને જણાવવામાં આવ્યું છે કે, જેમણે દંડ ભરી દીધો હોય, તે તમામે દંડ ભર્યાનો પુરાવો રેરાની કચેરીમાં રજૂ કરવો જોઈએ જેથી બાકીદારોની યાદીમાંથી તેમનું નામ દૂર થઈ શકે. જો દંડ નહીં ભરાય તો, બિલ્ડરના નામ જાહેર કરવામાં આવશે અને તેમની મિલકત કબજે કરવામાં આવશે. તાજેતરમાં રેરાએ દંડ બાકીદારોની જે યાદી જાહેર કરી છે તેમાં વડોદરા શહેરના 200થી વધુ બિલ્ડરોના નામ સામેલ છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ યાદીમાં ખાનગી બિલ્ડરો ઉપરાંત સરકારી એજન્સીઓ જેમ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) હસ્તકની સ્કીમો પણ સામેલ છે.
કુલ પાંચ સરકારી સ્કીમો સામે રેરાએ દંડ ફટકાર્યો છે. જેમાં VMC દ્વારા વિકસાવવામાં આવેલી સ્કીમોમાં MIG સ્કીમ, ટી.પી. નં. 1, એફ.પી. નં. 56 – MMGY ને 25,000નો દંડ, LIG સ્કીમ, ટી.પી. નં. 2, એફ.પી. નં. 53ને 1,00,000 નો દંડ ફટકાર્યો છે. તેમજ, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) હસ્તકની PMAY સેવાસી ટાઉનશિપ અંતર્ગત ત્રણ સ્કીમો માટે દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ટી.પી. નં. 2, એફ.પી. નં. 160ને 25,000 નો દંડ ફટકારાયો હતો જે વુડા દ્વારા ભરવામાં આવ્યો છે. જ્યારે એફ.પી. નં. 119નો રૂ.10,000 નો દંડ અને ટી.પી. નં. 2, એફ.પી. નં. 159ના રૂ.15,000 નો દંડ હજુ ભર્યો નથી. ટી.પી. નં. 2, એફ.પી. નં. 159 અને ટી.પી. નં. 2, એફ.પી. નં. 160 નું કામ ઇજારદાર ડી એચ પટેલને સોંપવામાં આવ્યું હતું. જ્યારે એફ.પી. નં. 119નું કામ કતીરા કન્સ્ટ્રક્શનને સોંપાયું હતું. આ પ્રમાણે કુલ રૂ.1.75 લાખનો દંડ આ પાંચ સ્કીમો પર વસૂલવાનો છે, જેમાં વુડા દ્વારા માત્ર રૂપિયા 25 હજાર ભરાયા છે અને અને રૂ. 25 હજાર દંડ હજુ બાકી છે. આ મામલે વુડાએ જણાવ્યું છે કે, બાકી બે દંડ ભરવાના જવાબદાર બાંધકામના ઇજારદારો છે. બંને ઇજારદારોને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવશે. તદઅનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) પણ તેના પોતાના બંને પ્રોજેક્ટ્સ માટે જવાબદાર ઇજારદારોને નોટિસ ફટકારશે. આમ પોતાની જવાબદારીમાંથી છટકી હવે વુડા અને કોર્પોરેશન સમગ્ર મામલે ઈજારદારોના માથે ઠીકરું ફોડી રહ્યા છે. વુડા અને કોર્પોરેશન નીચે કામ કરતા ઇજરાદરો બેદરકારી ન દાખવે એની જવાબદારી વુડા અને કોર્પોરેશનની હતી તેમ છતાં તેમને પણ બેદરકારી દાખવી જે તે સમયે ઇજારદાર વિરુદ્ધ કાર્યવાહી ન કરી. પણ હવે રેરાએ લિસ્ટ જાહેર કરતા કાર્યવાહીની વાતો કરવામાં આવી છે.
મહત્વનું એ છે કે, રેરા દ્વારા અગાઉથી અનેક વખત દંડ ભરવા તાકીદ કરવામાં આવી હતી છતાં ન તો દંડ ભરાયો કે ન તો જવાબદારી નક્કી થઈ. હવે “ગુજરાતમિત્ર”માં આ બાબતે અહેવાલ પ્રકાશિત થયા બાદ વુડા અને VMC હરકતમાં આવી છે અને જવાબદાર ઇજારદારોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે.