સંખેડાના ગુંડેર પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકના અભાવે શિક્ષણથી વંચિત : કામગીરી અર્થે દરરોજ શિક્ષક બદલાઇને આવતા બાળકોની શિક્ષણ ખાડામાં : ગ્રામજનોની તાળાબંધીની ચીમકી
પ્રતિનિધિ સંખેડા
સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં છેલ્લા છ મહિનાથી શાળામાં એકપણ શિક્ષક ન હોવાના કારણે દરરોજ નવા શિક્ષક શાળામાં આવીને શિક્ષણ કરી કરાવતા બાળકોનું શિક્ષણ ખાડામાં ગયું છે.
છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ ચાલે છે.જેમાં લગભગ 30 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.આ બાળકોને શિક્ષણ આપવા માટે શાળામાં કાયમી કોઈ શિક્ષક નથી. શિક્ષકની બદલી થઈ જતાં શિક્ષક છૂટા થઈને જતા રહ્યા હતા.ત્યારથી અહીંયા કાયમી શિક્ષક નથી.છેલ્લા છ મહિનાથી શાળાના બાળકોને માટે દરરોજ બીજી શાળામાંથી કામગીરી માટે શિક્ષક મૂકવામાં આવે છે.જે બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે.દરરોજ બદલાતા શિક્ષકને કારણે બાળકોનું શિક્ષણ ખાડામાં ગયું છે.
ગુંડેરના ગ્રામજનો બાળકોનાં શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃત છે અને કાયમી શીખવાની માંગ કરી રહ્યાં છે. શાળામાં કાયમી શિક્ષક નહીં મૂકાતા ગ્રામજનોએ પ્રવેશોત્સવનો બહિષ્કાર પણ કર્યો હતો. આગામી દિવસોમાં કાયમી શિક્ષક નહીં મુકાય તો ગ્રામજનો શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. સાથે સાથે ગ્રામજનો શિક્ષકો નહિ મુકાયા તો પોતાના બાળકોના દાખલા પણ શાળામાંથી કઢાવી અને બીજી શાળામાં અભ્યાસ માટે મૂકવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. છ મહિના પહેલાથી ગ્રામજનોએ સંખેડા અને છોટા ઉદેપુર ખાતે રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ ન આવતા શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
દરરોજ નવા નવા શિક્ષક આવે તો છોકરાને સમજણ પડતી નથી
ગામમાં છે મહિનાથી ઝીરો શિક્ષક છે.અત્યારે શિક્ષક આવે છે તે આજે આ ગામમાંથી આવે કાલે બીજા ગામમાંથી શિક્ષક આવે.તો એમના ભણતર અને ભવિષ્યનું શું ? દરરોજ નવા નવા શિક્ષક આવે તો છોકરાને સમજણ પડતી નથી. ગુંડેર પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષક મૂકવામાં નહીં આવે તો અમે અમારા બાળકોના દાખલા કાઢીને બીજી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકીશું.અમે અગાઉ છ મહિના પહેલા છોટા ઉદેપુર, સંખેડા બધે રજૂઆત કરી છે.પણ આજદિન સુધી કોઈ પગલા લેવાયા નથી કે કોઈ શિક્ષક મૂકવામાં આવેલ નથી.અમને કાયમી શિક્ષક મુકે અને જો નહીં મૂકવામાં આવે તો અમે તાળાબંધી કરીશું.
વિપિનભાઇ બારિયા,સ્થાનિક આગેવાન, ગુંડેર
જો કાયમી શિક્ષક નહીં મૂકવામાં આવે તો બાળકને દાખલા કાઢીને બીજી સ્કૂલમાં મૂકીશું
હું ગામના નાગરિક તરીકે સાહેબને વિનંતી કરું છું કે ગુંડેર પ્રાથમિક શાળામાં 30 થી 35 બાળકો ભણે છે તો આજે છ મહિનાથી શિક્ષક વારંવાર સંખેડા તાલુકા પ્રાથમિક શાળામાંથી નિમણૂક થઈને એક એક દિવસના અંતરે નવા શિક્ષકો મુકાય છે.તો અમારા બાળકોની ભવિષ્ય શું ? એ ભણશે શું ? જો કાયમી શિક્ષક નહીં મૂકવામાં આવે તો બાળકને દાખલા કાઢીને બીજી સ્કૂલમાં મૂકીશું અને ગુંડેર પ્રાથમિક શાળાને તાળા મરાશે.એટલે સાહેબને ગ્રામજનો વતી વિનંતી કરું કે કાયમી શિક્ષકની ભરતી કરે.
રશ્મિકાબેન બારિયા,સ્થાનિક મહિલા, ગુંડેર