Gujarat

મકાન ટ્રાન્સફરની ડ્યુટીમાં મોટો ઘટાડો, મકાન માલિકોને રાહત

મકાન માલિકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને હોમ ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી ટ્રાન્સફર માટે ભરવા પાત્ર 100 ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી માફ કરાઈ છે. હવે માત્ર 20 ટકા ડ્યૂટી જ વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) હેઠળ છૂટછાટ અપાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે જે મકાન માલિકો પાસે દસ્તાવેજ નથી. માત્ર શેર સર્ટિફિકેટ છે તેવા મકાન માલિકોને મોટી રાહત થશે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની સ્ટેમ્પ અધિનિયમ હેઠળની જોગવાઈઓના લીધે નામ ટ્રાન્સફરના કિસ્સામાં મકાન માલિક પર નાણાકીય બોજ આવતો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે કરેલા નિર્ણયને પગલે હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. જેના લીધે તબદિલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો વધારાનો બોજ પડશે નહીં. આ નિર્ણયના અનુસંધાને ઈશ્યુ કરાયેલા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલા ટ્રાન્સફર માટે જ લાગુ પડશે.

નોંધનીય છે કે, 1960 પછી ગુજરાતમાં બનતી હાઉસિંગ સોસાયટીમાં મકાન ખરીદનારને એલોટમેન્ટ એ દસ્તાવેજના આધારે નહીં પરંતુ શેર સર્ટિફિકેટને આધારે થતું હતું. આ કામ ગુજરાત કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટી એક્ટ 1961ના આધારે થતું હતું. એ સમયે શેર સર્ટિફિકેટને જ દસ્તાવેજની જેમ માનવામાં આવતું હતું.

Most Popular

To Top