Comments

ઇઝરાયલે જગતને ત્રીજા વિશ્વયુદ્ધના બારણે લાવી ઊભું કરી દીધું

જહાઁ બસતી થી ખુશિયાં, આજ હૈ માતમ વહાં
વક્ત લાયા થા બહારે, વક્ત લાયા હૈ ખિજાં
કેટલું કડવું અને કઠોર સત્ય આ પંક્તિઓમાં છુપાયું છે. ફિલિસ્તાનીઓનું વતન, એક સમયે અહીંયા પણ ખુશીઓ આળોટતી હશે. એ વતન જેની દશા ૭ ઑકટોબર, ૨૦૨૩ પછી પલટાઈ ગઈ. હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં ૧૦૦૦ કરતાં વધારે ઇઝરાયલી નાગરિકો માર્યા ગયાં અને ૨૦૦ જેટલાં લોકોને બંધક બનાવી લઈ જવાયાં. આનો બદલો લેવા ઇઝરાયલે વળતા હુમલાઓ શરૂ કર્યા. કીડી ઉપર કટક વહેતું મૂક્યું. ગાઝાપટ્ટીનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. અધિકૃત રીતે ૭૦,૦૦૦ કરતાં વધુ લોકોએ જાન ગુમાવ્યા જેમાં ૭૦ ટકા કરતાં વધુ સ્ત્રીઓ અને બાળકો હતાં, જેમણે કોઈનું કંઈ બગાડ્યું નહોતું. હૉસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ હતાં, જેમનો કોઈ જ વાંક નહોતો. સવા લાખ કરતાં વધુ લોકો ઘાયલ થયાં.

આ બધા જાહેર કરાયેલા આંકડા છે. ખરેખર કેટલા માર્યા ગયા હશે અને કેટલા ઘાયલ થયા હશે એ આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે. આટલું જેમ પૂરતું ન હોય તેમ બચી ગયેલાં લોકોને અનાજ કે દવાઓનો પુરવઠો ન મળે એ માટે ઇઝરાયલે નાકાબંધી કરી. આ લોકો જીવતાં દોઝખમાં સબડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. રહેઠાણો, હૉસ્પિટલ કે સ્કૂલ પર હુમલા એ યુદ્ધ ગુનેગારી છે. ઇઝરાયલ કોઈને ગાંઠતું નથી અને સંયુક્ત રાષ્ટ્રસંઘ એ માત્ર કાગળ પરનો વાઘ બનીને રહી ગયું છે. હિટલરે જેમ યહૂદીઓનો મોટા પાયે નરસંહાર કર્યો હતો અને બીજા વિશ્વયુદ્ધમાં લાખો માણસો માર્યા ગયાં હતાં એવી સ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઈટેડ નેશન્સની રચના કરવામાં આવી હતી. આજે એની પાછળનો જે હેતુ હતો એ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ રહ્યો હોય તેવું લાગે છે.

બીજી બાજુ ઇરાન ઉપર પણ ઇઝરાયલે ભયંકર હુમલાઓ કર્યા. ઇઝરાયલ પાસે અણુશસ્ત્રો નથી એવું દુનિયામાં કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી પણ ઇરાન અણુબૉમ્બ બનાવે તે અમારા માટે જોખમી છે, એ બહાના હેઠળ ઇઝરાયલે ઇરાન ઉપર આકાશમાંથી મોત વરસાવ્યું. એની અણુઊર્જા સંશોધન તેમજ યુરેનિયમ એનરીચમેન્ટ ફેસિલિટીને નેસ્તનાબૂદ કરવાના મિશન સાથે હુમલા કર્યા. અમેરિકાએ પણ ઇઝરાયલની તરફેણમાં ખાંડા ખખડાવી ઇરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવા આખરી ચેતવણી આપી. જી-૭ની મિટિંગ અધવચ્ચેથી છોડી ટ્રમ્પ નીકળી ગયા. અમેરિકા પણ ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં જોડાયું અને પછી સિઝફાયર પણ થયું. પણ જ્યાં સુધી ખોમૈની ઇરાનનું નેતૃત્વ કરે છે ત્યાં સુધી શાંતિ સ્થપાશે નહીં એમ કહી ઇરાનમાં સત્તાપલટો કરાવવા અને ખોમૈનીને હત્યા કરવા માટે પણ ઇઝરાયલ તૈયાર થઈ રહ્યું છે.

અત્યારે યુદ્ધવિરામ થયો છે પણ સો વાતની એક વાત – બ્રિટન અને અમેરિકાની રાજનીતિના ભાગરૂપે જેનું એક સર્જન થયું એવો એક દેશ, યહૂદી પ્રજા જેણે હિટલરનો ત્રાસ વેઠયો એણે તો જગતમાં કોઈ પણ જગ્યાએ આવો ત્રાસ થતો હોય તો એની સાથે ઊભા રહેવું જોઈએ. એના બદલે દુનિયામાં કોઈનું નહીં સાંભળવાની અને આખી દુનિયાને બાનમાં લેવાની ઇઝરાયલની આ દાદાગીરી જગતને ત્રીજા વિશ્વયુદ્ધને બારણે લાવી ઊભું રાખી દે અને આખી દુનિયા મૂંગીમંતર બની એ જોયા કરે એ ચાલી શકે ખરું?

અત્યારે દુનિયામાં શસ્ત્રોનો જે ખડકલો, ખાસ કરીને અણુશસ્ત્રોનો, ભેગો થયો છે અને આ પ્રકારનાં યુદ્ધોને કારણે આખી દુનિયાને વિનાશ તરફ દોરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઇઝરાયલને એ માટે માફ કરી શકાય ખરું? અમેરિકા એક એવી મહાસત્તા છે, જે ઇઝરાયલને રોકી શકે એને બદલે એ ઇઝરાયલને ટેકો આપીને ઉશ્કેરવાનું કામ કરે છે. અમેરિકામાં ગમે તેટલા સોનાના ભંડોળ ભર્યા હોય પણ માનવતાહીન લોકોના હાથમાં રમી રહ્યું છે એ વાત પણ ભૂલી શકાય ખરી? જવાબ તમારા પર છોડું છું.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top