પ્રસિદ્ધિનાં મોહપાશમાં વિંટળાયેલ વ્યકિત સાવ નાનું કામ કરે કે તરત ચારે તરફ વાહવાહી માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ અને ફોટાઓ શેર કરે. કેટલીક વ્યકિતને પોતાનું નામ, ફોટો, હોદ્દો નિયમિત મૂકીને મહિમાગાનની કુ-આદત હોય છે. કોઈ કાર્યક્રમ કે પ્રોજેક્ટમાં આખી ટીમનું યોગદાન મહત્વપૂર્ણ હોવા છતાં તેનો ઉલ્લેખ પણ ન થાય અને ચાલાક વ્યકિત સફળતાનો જશ લઈ સર્વત્ર છવાઈ જાય. તેમ ન થાય તો હવાતિયા મારીને પણ પ્રસિદ્ધ થાય. તેમની ક્ષમતા, આવડત, કૌશલ્ય, અજ્ઞાનતા, કૂટનીતિ અને અહમથી સમાજ પરિચિત હોય છે. કેટલાક નિવૃત્ત અધિકારીઓ તો પોતાનાં વાહન પર Ex, વગેરે વગેરે ચિતરાવી ફરે! પ્રસિદ્ધિનાં હવાતિયા નવી વાત નથી. ત્યારે, મહેરબાની કરી મને પ્રસિદ્ધિ ન આપો. આવું વિધાન કરનાર પ્રોફેસર ડો.જી.માધવી લતાને વંદન કરવા પડે.
આજકાલ જમ્મુ કાશ્મીરનો ‘ચેનાબબ્રીજ’ અદ્ભૂત ડિઝાઈનને કારણે ચર્ચામાં છે. આ બ્રીજ ખુલ્લો મુકાયા બાદ તેની ડિઝાઈન માટે ડો.જી.માધવી લતાજીને સોશિયલ મીડિયામાં ખૂબ જશ અપાયો. ડો.જી. માધવી લતાએ કહ્યું કે બ્રીજ નિર્માણના જશ માટે સાચા હકદાર હજારો નિષ્ણાતો, કામદારોનો શ્રમ, ભારતીય રેલ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની છે. વર્ષોની મહેનત પછી સમાજ તરફથી મળેલ પ્રસિદ્ધિથી ફૂલાય ને ફાળકો થવાને બદલે, બધો જશ કમાઈને વાહવાહી મેળવવાને બદલે પોતાને અપાયેલ જશથી વ્યથિત થયા. બ્રીજનાં નિર્માણમાં ટીમ વર્કને પ્રાધાન્ય આપી વિનમ્રતા, વિવેક, ખેલદિલી દર્શાવી સાચી મહાનતા અને ઉચ્ચ સંસ્કારનાં દર્શન કરાવ્યા જી.માધવી લતાજીએ.
સુરત – અરૂણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.