વિરાટ અને રોહિતની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિથી ક્રિકેટજગતમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. અચાનક અન્ય ક્ષેત્રોનાં પ્રતિભાશાળી લોકો પણ ક્ષેત્ર સન્યાસ લે ત્યારે આ જ પ્રકારનું આશ્ચર્ય થાય છે. ધ્યેયપ્રાપ્તિ માટે દિવસ-રાત જોયા વિના વર્ષો સુધી કઠોર પરિશ્રમ કરતાં લોકો પોતાને કે પરિવારજનોને પૂરતો સમય આપી શકતાં નથી. અમેરિકાના મહાન તરવૈયા માઈકલ ફેલ્મ્સે ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વિમિંગની સ્પર્ધામાં અઠ્ઠાવીસ સુવર્ણ ચંદ્રકો સહિત સૌથી વધારે ચંદ્રકો જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ સિદ્ધિ વર્ષોની કઠોર સાધનાનું પરિણામ છે.
એ સિદ્ધિ વર્ષોની કઠોર સાધનાનું પરિણામ છે. એ વર્ષોમાં એ પોતાના શરીર અને મન, પરિવાર કે અન્ય કોઈ બાબત પર ધ્યાન આપી શક્યા નહોતા. માણસ માત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા જ જન્મતો નથી. ક્યારેક સફળતાનો આનંદ પણ કોરવા લાગે છે. એના કામમાં એકનિષ્ઠ માઈકલે એક દિવસ પોતાનું મન ખોલ્યું. મારી સમગ્ર કારકિર્દીમાં મારા શરીરની સંભાળ લેનાર ઘણા લોકોની ટીકા હતી. પરંતુ મારા મનની સંભાળ લેનાર કોઈ ન હતું. ધ્યેયસિદ્ધિ ઘણું માગી લે છે. મોટા ભાગનાં લોકો ચોક્કસ હેતુ વિના ફક્ત આર્થિક ઉપાર્જન માટે કામ કરતાં હોય છે.
બધાં લોકોમાં એવી નિષ્ઠા કે સંજોગો હોતા નથી. દરેક લોકોના જીવનમાં ઉચ્ચ સફળતા મેળવવાના યોગ હોતા નથી. છતાં તેઓ આનંદથી જીવે છે. જીવનમાં આનંદ માણવાનો અધિકાર કેવળ સફળતાના કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓને જ નથી. એના પરિવારને પણ છે. સફળતાની પણ એક સીમા હોય છે. એની સામે પાર ઘર આવેલું હોય છે. જ્યાં એક દીવો ટમટમતો હોય છે, એનું અજવાળું આંખો આંજી નાખતાં પ્રસિદ્ધિના પ્રકાશથી વધારે શાતા આપે છે. ઘરનો રસ્તો ભૂલી જાય તે પહેલાં પાછાં ફરવું એ નિવૃત્તિ નથી. ઉચ્ચતમ આનંદ, હૂંફ અને સંતોષનો આરંભ છે.
ગંગાધરા – જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.