Charchapatra

પહેલી જુલાઈ – ડોક્ટર્સ ડે

ડૉ બી. સી. રોય, ડો. બિધાન ચંદ્ર રોય તેઓના માનમાં પહેલી જુલાઈને સમગ્ર ભારત દેશમાં ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેઓનો જન્મ પહેલી જુલાઈ ૧૮૭૨ ના રોજ પટણા ખાતે થયો હતો. તેઓનું મૃત્યુ પણ પહેલી જુલાઈ ૧૯૬૨ ના રોજ કલકત્તા ખાતે દર્દીઓને તપાસ્યા બાદ થયું હતું. ડો.  બી. સી. રોયે આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો.૧૮૮૭માં પટણાથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી ત્યાર બાદ તેઓને મેડિકલ તથા એન્જિનિયરિંગ બંને ક્ષેત્રમાં પ્રવેશ માટે અરજી કરી હતી અને તેઓએ મેડિકલ ક્ષેત્ર પસંદ કર્યું હતું.

તેઓ ઘણા વિદ્વાન અને ખૂબ જ ઉમદા સામાજિક કાર્યકર્તા હતા. ૧૯૪૭માં તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર બન્યા હતા. ૧૯૪૮માં પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. તે છેક ૧૯૬૨ સુધી પોતાના મૃત્યુ સુધી ચીફ મિનિસ્ટર રહ્યા હતા. ૧૯૨૮માં તેઓએ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનની સ્થાપના કરી હતી. સાથે સાથે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પણ સ્થાપના કરી હતી. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં તેમનું યોગદાન અમૂલ્ય હતું . ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કરી હતી. ચેપી રોગ હોસ્પિટલની શરૂઆત કરી હતી. અનુસ્નાતક મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. મેડિકલ ક્ષેત્રે પણ તેઓએ ઘણું કામ કર્યું હતું.

ઘણી બધી સંસ્થાઓ શરૂ કરી હતી જેવીકે ટી.બી. હોસ્પિટલ, ચિત્તરંજન સેવાસદન, કમલા નહેરુ હોસ્પીટલ, વિક્ટોરિયા ઇન્સ્ટિટયૂટ , ચિત્તરંજન કેન્સર હોસ્પિટલ જેવી અનેક સંસ્થાઓની એમને સ્થાપના કરી હતી. કલકત્તામાં એક સમયે જે તોફાનો થયાં હતાં તેઓએ તોફાનોને ખૂબ જ જલ્દી કાબૂમાં લીધાં હતાં.ભારત સરકાર તરફથી ૧૯૬૧માં તેઓને ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના  તેઓ આજ સુધીના  સર્વોત્તમ મુખ્ય પ્રધાન તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યા છે. ૧૯૭૬ થી ભારત સરકારે ડો. બી. સી. રોય નેશનલ એવોર્ડ શરૂ કર્યો છે. જેઓએ મેડીસીન, પોલિટિક્સ, વિજ્ઞાન, ફિલોસોફી કે આર્ટ  ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું હોય તેઓને ડો. બી. સી. રોય નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ૧૯૬૧માં પોતાનું ઘર કલકત્તાનાં લોકોને સમર્પિત કર્યું હતું  તથા પોતાની તમામ સંપત્તિ સામાજિક સેવા માટે પટણાના એક ટ્રસ્ટને સોંપી દીધી હતી.
સુરત     – ડો. ચંદ્રેશ જરદોશ            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top