Vadodara

ગોરવા તથા ગોત્રી વિસ્તારમાં મહિલા-પૂરુષના ગળામાંથી સોનાની ચેન તોડી બાઇક સવાર ગઠિયા ફરાર

વડોદરા શહેરમાં હજુ પણ ચેન સ્નેચરોનો આતંક યથાવત
પાછળથી આવીને ચાલુ બાઇક અને મોપેડ પર ગઠિયાઓએ ચેન આંચકી લીધી

પ્રતિનિધિ વડોદરા તા.29
વડોદરા શહેરમાં ઘણા અછોડા તોડ પકડાતા હોવા છતાં અછોડા તૂટવાના બનાવો ઘટવાનું નામ લેતા નથી. સુભાનપુરા વિસ્તારમાં રહેતા બાઇક ચાલકના ગળામાંથી ગઠિયાએ રૂ.45 હજારની સોનાની ચેન તોડી લીધી હતી. જ્યારે ગોત્રી રોડ પર રહેતી અન્ય મહિલા પેટ્રોલ ભરાવી આવી રહી હતી ત્યારે ગઠિયાઓ ચાલુ એક્ટિવા પર તેમના ગળામાંથી રૂ.45 હજારની સોનાની ચેન આંચકી ફરાર થઇ ગયા હતા. બંને બનાવોમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટ પાછળ મંગલમંદિર સોસાયટીમાં પંકજ શાંતિલાલ પટેલ 28 જૂનના રોજ 10થી 10.30 વાગ્યાના અરસામાં અંકિતપાર્ક સોસાયટી તરફથી આવતા હતા. તે દરમિયાન બે શખ્સો બાઇક પર આવ્યા હતા. જેમાંથી બાઇક પર પાછળ બેઠેલા શખ્સે પંકજ પટેલના ગળામાંથી સોનાની ચેન રૂ.45 હજારની ઝુંટવી લીધી હતા. ત્યારબાદ બંને પૂરઝડપે બાઇક દોડાવીને અભયનગર ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. તેવી જ રીતે ગોત્રી રોડ પર જીઇબી ની સામે સર્વન્ટ ક્વાટર્સ ખાતે રહેતા લક્ષ્મીબેન આકાશભાઇ ચૌહાણ 28 જૂનના રોજ તેના મોપેડમાં રાજેશ ટાવર પાસે આવેલા પેટ્રોલ પર પેટ્રોલ પુરાવવા માટે આવ્યાં હતા. પેટ્રોલ ભરાવીને તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અમીન પાર્ટી પ્લોટ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા ત્યારે બાઇક પર બે ગઠિયા તેમની પાસે આવ્યાં હતા અને મહિલા કાઇ સમજે તે પહેલા તેમના ગળામાં હાથ નાખીને સોનાની 15 ગ્રામની ચેન કિંમત રૂ. 45 હજાર તોડીને બાઇક પૂરઝડપે દોડાવી રફુચક્કર થઇ ગયા હતા. બંને બનાવમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બાઇક સવાર ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top