નસીબની બલિહારી: એકના એક પુત્રને કચડી નાખતા ભત્રીજા વિરુદ્ધ સગા કાકાએ ગુનો નોંધાવ્યો
વડોદરા: મંજુસર જીઆઇડીસીમા વેફરનો સ્ટોક ખાલી કરીને પસાર થતા ટ્રક ચાલક વીજ વાયર લટકતા નિહાળીને ફફડી ઉઠ્યો હતો. વીજ વાયરથી બચવા ટ્રક આગળ લઈ જતા જ સગા કાકાનો પુત્ર ક્લીનર પડી જતા માથું ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોતને ભેટયો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના લાતુર અહમદપુર તાલુકાના કિન ગામમાં ઠાકરે નગરમાં રહેતા ગંગાધર ગોવિંદ બોડકેએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી ડ્રાઇવિંગ કરે છે. તેમની અશોક લેલેન્ડ ટ્રક મોટાભાઇનો પુત્ર ભાગવત લક્ષ્મણ બોડકે ચલાવે છે. ભાગવત અને 23 વર્ષીય કાકાનો પુત્ર સંકેત મહારાષ્ટ્રથી વેફર ભરીને ખાલી કર્યા બાદ જીઆઇડીસી કંપનીમાં આવ્યા હતા. ક્લીનર તરીકે સંકેત બાજુમાં બેઠો હતો. ટ્રક ચલાવતા સમયે ઇલેક્ટ્રિકના થાંભલા પાસેથી પસાર થતા એકાએક કરંટના ઝાટકા લાગ્યા હતા. પાછળના બે ટાયરો વચ્ચે અચાનક આગ લાગતા ચાલક ભાગવતે ટ્રક આગળ લેતો હતો ત્યારે એકાએક ક્લીનર સંકેત નીચે કુદી પડ્યો હતો. જુવાનજોધ યુવાને બેલેન્સ ગુમાવતા ફસડાઈ પડ્યો હતો. હજુ તો કઈ સમજે તે પહેલા કાળ સમાન તોતિંગ ટાયર માથા ઉપર ફરી વળ્યા હતા. અને કમકમાટીભર્યા મોત ને ભેટયો હતો. પિતરાઈ ભાઈ ચાલક તુરંત નીચે ઉતરી ને નજર કરે ત્યાંતો લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતા ભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. કરુણ ઘટનાથી ફફડી ઉઠેલા ભત્રીજાએ તુરંત રડમસ અવાજમાં કાકાને જાણ કરી હતી. મૃતકના પિતા સહિત પરિવાર મહારાષ્ટ્ર થી દોડી આવ્યો હતો. મંજુસર પોલીસને જાણ કરતા લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.
મૃતકના પિતા ની ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક ભત્રીજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ આર ડી ડામોર અને રાઇટર મહેશ દવે એ આગળની તપાસ હાથ ધરી છે.