ઈન્દિરા નગર,કૃષ્ણ નગર સહિતની વસાહતોના લોકો મુશ્કેલીમાં મૂકાયા
40 વર્ષ ઉપરાંતથી રહેતા લોકો માટે આજદિન સુધી કાયમી રસ્તો જ નથી

( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા શહેર નજીક આવેલ ઘાઘરેટીયા વિસ્તારમાં 10 નંબરનો રેલવે અંડર બ્રિજ છેલ્લા પાંચ દિવસથી બંધ કરી દેવાતા મુશ્કેલીમાં મુકાઈ ગયેલા સ્થાનિક રહીશોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. દર વર્ષે વરસાદી પાણી ભરાતા રેલવે દ્વારા ગરનાળુ બંધ કરી દેવાતા વિસ્તારના લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.

વડોદરા શહેર નજીક આવેલ ઘાઘરેટીયા નો 10 નંબરનો રેલવે અન્ડર બ્રીજ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે શનિવારે નિર્ણયના વિરોધમાં નાગરિકો એકત્ર થયા હતા અને નારાજગી દર્શાવી હતી. આ મુખ્ય માર્ગ બંધ થતા વિદ્યાર્થી અને સ્થાનિકોને ઘણી તકલીફો પડી રહી છે. ત્યારે, વહેલી તકે રસ્તો શરૂ કરવા સ્થાનિકોએ માગણી કરી હતી. ઘાઘરેટીયા રેલવે ગરનાળા માંથી પસાર થતી વરસાદી કાંસ રહીશો અને વિદ્યાર્થીઓ માટે જોખમી બની છે. ત્યારે વર્ષોથી ઘાઘરેટીયા વિસ્તારમાં રહેતા રહીશોની હાલત કફોડી બની છે. સામાન્ય વરસાદમાં પણ રૂપારેલ કાંસના પાણી નાળામાં ફરી વળતા રહીશો માટે આ રસ્તો બંધ રહે છે. સ્થાનિકોએ બંને પક્ષના કાઉન્સિલર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વર્ષો જૂની આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માંગણી કરી છે. કોર્પોરેશન કરોડો રૂપિયાનું બજેટ વિકાસમાં વાપરે છે. પરંતુ અહીં વિકાસ ના નામે મીંડુ જેવો ઘાટ જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ માત્ર કાગળ પર જ કામગીરી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. માત્ર ચૂંટણીમાં મત લેવા આવતા હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ પણ કર્યા હતા.
