ટેમ્પો લઈ માલ ભરવા માટે ગયા હતા જ્યાં પાછળ વીજ પોલમાં કરંટ લાગતા યુવક પટકાયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
શહેરના હરણી પોલીસ સ્ટેશનની ગલીમાં ટ્રાન્સપોર્ટ ની એજન્સીમા ટેમ્પોમાં માલ ભરવા માટેની કામગીરી દરમિયાન વિજ થાંભલામાં કરંટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે હરણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના હરણી પોલીસ સ્ટેશન જવાની ગલીમાં જય હિન્દ ટ્રાન્સપોર્ટ એજન્સીનુ ગોડાઉન આવેલું છે જ્યાં શનિવારે સવારે સાડ દસ થી અગિયાર વાગ્યા દરમિયાન માલ ભરવા માટે શહેરના આજવારોડ સરદાર એસ્ટેટ જે પી નગરમાં પરિવાર સાથે રહેતા સફીન અહેમદ શેખ નામના આશરે 43 વર્ષીય યુવક પોતાનો અતુલ શક્તિ ટેમ્પો લઈને ગયો હતો જ્યાં ટેમ્પો પાર્ક કરી ટેમ્પોના પાછળના ભાગે માલ ભરવાની કામગીરી દરમિયાન વીજ થાંભલા પરથી ઉતરતો કરંટ લાગતા સફીન ફેંકાઇ નીચે પટકાયો હતો બીજી તરફ વરસાદમાં વીજ કરંટ લાગતા નીચે પટકાયેલા સફીન અહેમદ શેખ ને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર મામલે હરણી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જય હિન્દ ટ્રાન્સપોર્ટ એજન્સીના માલિકના જણાવ્યા અનુસાર, અહીં છેલ્લા કેટલાક સમયથી વીજ થાંભલામાં કરંટ ઉતરતો હોવાની બે થી ચાર વાર વીજ કંપનીને ફરિયાદ કરી હતી ત્યારે વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અહીં મશીન થી ચેક કરી વીજપોલમા વીજ કરંટ આવતો ન હોવાનું જણાવ્યું હતું પરંતુ ચોમાસામાં વરસાદ દરમિયાન આ વીજપોલમા વીજ કરંટ ઉતરતાં ટેમ્પો ચાલકને વીજપોલ પરથી કરંટ ઉતરતાં કરંટ લાગ્યો હતો અને તેઓનું મોત નિપજ્યું હતું.
ચોમાસામાં વરસાદ દરમિયાન શહેરમાં કેટલાક વિસ્તારોમાં વીજ પોલ જોખમી બની રહ્યાં છે. અગાઉ પણ ચોમાસામાં વીજ પોલ અને ટ્રાન્સફોર્મર પાસેના ખુલ્લી જાળીઓ ને કારણે મૂંગા પશુના મોત તેમજ આ વર્ષે કમોસમી વરસાદ વાવાઝોડા દરમ્યાન નિઝામપુરા વિસ્તારમાં જીવંત વીજ વાયરથી એકનું મોત નિપજ્યું હતું. ચોમાસા પૂર્વે વિજ કંપનીઓ દ્વારા શહેરમાં ખુલ્લા અને જોખમી વીજ વાયરો, ટ્રાન્સફોર્મર પાસેની જાળીઓ તથા વીજ કરંટ ઉતરતાં થાંભલા ની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ પરંતુ વીજ કંપનીના ખાનગીકરણ તથા કર્મચારીઓ ની અછતને કારણે પ્રિમોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા ચોમાસામાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર જોખમી બની શકે છે.