SURAT

ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ લાવવાની તંત્રની દાનત લાગતી નથી, શરૂ કર્યું નવું ચલકચલાણું…

સુરત : સુરત શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ખાડીપૂરની સમસ્યા ગંભીર બનતી હોય છે. ખાસ કરીને મીઠી ખાડીના પાણીનું સ્તર વધવાથી ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે રહેવાસીઓને મોટી હેરાનગતિનો સામનો કરવો પડે છે.

છેલ્લા ઘણા વરસોથી ખાડીપૂરના કારણે અહીના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કરોડોનું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે આ સમસ્યાને નાથવા માટે દબાણો, ડ્રેજીંગ અને જીંગા તળાવો હટાવવામાં તંત્રવાહકો નિષ્ફળ રહ્યા છે. ત્યારે હવે મીઠી ખાડીને ડાયવર્ટ કરવા માટેની શક્યતા ચકાસવા ચક્રો ગતિમાન થયા છે. ત્યારે તંત્રવાહકો પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે હવે નવા આયોજનો કરી રહ્યા હોવાની પ્રતિતિ થઇ રહી છે.

  • ખાડીપૂરની સમસ્યા નાથવાને બદલે મીઠીખાડીનું ડાયવર્ઝન કરવા વિચારણા
  • ખાડી પૂરના દબાણો, ડ્રેજીંગ અને ઝીંગા તળાવો દૂર કરવા માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ
  • સુરતની બહારથી ખાડીને ડાયવર્ટ કરવામાં વર્ષો નીકળી જશે અને ત્યાં સુધી ખાડીપૂર આવતાં જ રહેશે

આ માટે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ દ્વારા નોંધ મુકવામાં આવી છે. આ રિપોર્ટમાં ખાડીને શહેરની હદમાં અથવા શહેરની બહાર તાપી નદી કે અન્ય જળ સ્ત્રોતમાં ડાયવર્ટ કરવાની શક્યતાઓનો અભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરના પૂર સંરક્ષણ માટે અન્ય ખાડીઓના સર્વેક્ષણ અને ડાયવર્ઝનની શક્યતાઓ પણ તપાસવામાં આવશે.

અત્રે ઉલ્લખનીય છે કે, મીઠીખાડી એ ખૂબ લાંબી છે. સુરત શહેરમાંથી પસાર થતી મીઠીખાડીનું લેવલ વધતા દર વર્ષે ખાડીપૂરની સમસ્યા સર્જાય છે. જેના કારણે મીઠીખાડીને શહેરની હદમાં કે શહેર બહારથી તાપી નદી કે અન્ય જળ સ્ત્રોતમાં ડાયવર્ટ કરવા માટે ડીપીઆર બનાવી આગળની કામગીરી કરવા માટે નોંધ મુકાઈ છે.

નોંધના આધારે સંલગ્ન વિભાગ કામ કરશે. જ્યાંથી ખાડી નીકળે છે ત્યાંથી બહાર આઉટર રીંગરોડ તરફ ડાયવર્ટ કરવા માટેની વિચારણા હાલ કરાઈ છે. આ નિર્ણયના ભાગરૂપે, રાજન પટેલે તાકીદે જરૂરી પગલાં લેવા સૂચન આપ્યું છે. તાજેતરમાં શહેરમાં ખાડીપૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ યોજના લાંબાગાળાના ઉકેલ તરીકે જોવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ મીઠી ખાડીના ડાયવર્ઝનની સાથે અન્ય ખાડીઓની સમસ્યાઓનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ કાર્યવાહીથી ખાડી કિનારે રહેતા લોકોને દર વર્ષે થતી હેરાનગતિ અને સ્થળાંતરની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.

Most Popular

To Top