Comments

ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો જ છે પણ કેમ?

24 જુલાઇ 1991ના દિવસે વડા પ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારમાં નાણાંમંત્રીશ્રી ડો. મનમોહનસિંહ દ્વારા ભારતમાં ઉદાર આર્થિક નીતિની જાહેરાત થઇ. ઉદારીકરણની આ નીતિના બે ભાગ હતા. ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ભારતના રાજકીય ઇતિહાસમાં ઓગસ્ટ મહિનાને ક્રાંતિનો મહિનો ગણવામાં આવે છે. એવી જ રીતે આર્થિક ઇતિહાસ લખાય ત્યારે જુલાઇના ક્રાંતિનો મહિનો ગણાશે. આઝાદી પછી ભારતે મિર અર્થતંત્ર સ્વીકાર્યું પણ તે સમાજવાદ તરફ ઝૂકેલું હતું. 1991થી સરકાર આર્થિક નીતિઓમાં ઉદાર થઇ અને અર્થકારણમાં દેશનાં સાહસિકો અને વિદેશી મૂડી બંનેને આવકારવાનું શરૂ કર્યું.

આ વાત આજે એટલા માટે યાદ આવી કે યુધ્ધ અને વિમાન દુર્ઘટનાના સમાચાર પહેલાં ભારતના સમાચાર માધ્યમમાં ભારતની રાષ્ટ્રીય આવકના સમાચાર ચર્ચામાં હતા. છેલ્લાં થોડાં વર્ષોમાં જ ભારત વિશ્વની મોટી છ અર્થવ્યવસ્થામાં એક છે તે વાત ચર્ચામાં લાગી છે. દુનિયામાં અમેરિકા, ચીન, જર્મની જેવી વિકસિત અર્થવ્યવસ્થા સાથે હવે ભારત પણ છે. તેની રાષ્ટ્રીય આવક ત્રણ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઇ છે અને હવે તે ફાઇવ ટ્રિલિયન ડોલરમાં પહોંચે તેવી સૌને આશા છે.

ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે કે ત્રીજા ક્રમે કે છઠ્ઠા ક્રમે તે વાત બાજુ પર મૂકો તો એટલું ચોક્કસ છે કે ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારત માત્ર વિસ્તાર અને વસ્તીની સંખ્યાના કારણે જ નહીં આર્થિક પ્રવૃત્તિઓના ઉત્પાદન મૂલ્યની રીતે પણ દુનિયાની આગલી હરોળમાં આવી ગયા છે. એટલે ભારતના વાર્ષિક રાષ્ટ્રીય ઉત્પાદનમૂલ્યમાં વધારો થયો છે તેમાં કોઇને શંકા નથી. 1990માં 320 બિલિયન ડોલરની જી.ડી.પી. 350 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઇ છે તે વાત સૌએ સ્વીકારવી જ પડશે. એટલે 1991માં ભારતીય અર્થતંત્રનું જે મૂલ્ય હતું તે સો ગણું વધારે થયું છે. વાતને સમજતાં પહેલાં એ યાદ રાખીએ કે મિલિયન એટલે 10 લાખ બિલિયન એટલે સો કરોડ અને ટ્રિલિયન એટલે કરોડ. ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશનું મૂલ્ય સાડા ત્રણ લાખ કરોડથી વધારે થવા જાય છે. 2007માં તે એક લાખ કરોડને પાર થયું હતું. 2014માં બે લાખ કરોડને પાર થયું હતું અને 21માં ત્રણ લાખ કરોડ પાર કરી ગયું હતું. વાર્ષિક 6.8% થી 7.5%ના દરે ભારતની રાષ્ટ્રીય પેદાશમાં વધારો થાય છે.

ત્રણ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી ધરાવતાં દુનિયાનાં અન્ય વિકસિત રાષ્ટ્રો અમેરિકા, ચીન, જર્મની, ફ્રાન્સ, યુ.કે. સાથે ભારતની તુલના કરવા જઇએ તો ઘણાં પરિબળોમાં ભારત બહુ પાછળ પડે! પણ સૌ પ્રથમ ભારતની ભારત સાથે તુલના કરવી જોઇએ. આપણે પ્રથમ તો એ સમજવું જોઇએ કે ભારતની રાજકીય આવક વધી કેવી રીતે? કોઇ પણ દેશની રાજકીય આવક એટલે વર્ષ દરમ્યાન ઉત્પન્ન થયેલી, વસ્તુઓ અને સેવાઓનું આર્થિક મૂલ્ય. દેશના અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર એમ ત્રણ ભાગમાં વર્ષ દરમ્યાન જે આર્થિક મૂલ્યનું સર્જન થયું તે આપણી રાષ્ટ્રિય આવક છે. વળી રાષ્ટ્રિય આવક વાસ્તવિક આવકની રીતે ગણાય છે, માત્ર નાણાંકીય આવકની રીતે ગણાતી નથી! મતલબ કે આવક દસ હજારથી વધીને વીસ હજાર થાય એટલે તે વધી છે તેમ ન કહી શકાય!

વાસ્તવિક ઉત્પાદન વધવું જરૂરી છે. જો દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થાય, વીજળીનો ઉત્પાદન વધારો થાય, બાંધકામ ક્ષેત્રે વધારો થાય, પરિવહન અને સંદેશા વ્યવહારમાં વધારો થાય અને તે જ વાસ્તવિક ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને ગણીએ તે વધેલું આવે માટે રાષ્ટ્રીય આવક વધી ગણાય અને હા, વાસ્તવિક આવક ગણવા માટે ફુગાવો બાદ કરવામાં આવે છે! તો હવે સમજો કે 1991માં માત્ર 32000 બિલીયન (ત્રણ હજાર કરોડથી વધારે) ડોલરની રાજકીય આવક હતી તે 2007માં એક લાખ કરોડના આંકડાને પાર કેવી રીતે કરી ગઇ! કારણ હતું ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિ. અત્યંત અગત્યના કહી શકાય તેવા શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર જેવાં અનેક ક્ષેત્રો જ્યાં આર્થિક પ્રવૃત્તિ કરવાનો માત્ર સરકારનો ઇજારો હતો ત્યાં સરકારે ખાનગી રોકાણ માટે મંજૂરી આપી. દેશમાં વિદેશી મૂડી માત્ર સરકાર જ ‘વિદેશી દેવા’ મારફતે મેળવતી તેના બદલે વિદેશી રોકાણકારોને સીધું જ ભારતમાં રોકાણ કરવાની છૂટ મળી! પરિણામ શું આવ્યું?

પરિણામ એ આવ્યું કે એક માત્ર દૂરદર્શનની ટી.વી. ચેનલની સાથે આજે 100 થી વધારે ચેનલો કામ કરે છે. એક માત્ર આકાશવાણી રેડિયોને બદલે 350 થી વધારે પ્રાઈવેટ રેડિયો, અને ચેનલો કામ કરે છે. દેશમાં અનેક રાજ્યોમાં ખાનગી ટોલટેકસવાળા, એકસપ્રેસ હાઈ વે છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટની 56 યુનિવર્સિટી સહિત 217 કુલ યુનિવર્સિટી હતી તે હવે 1168 ખાનગી યુનિવર્સિટી સહિત છે. ટૂંકમાં ખાલી પડેલું આખું ખાનગી ક્ષેત્ર ધમધમી ઊઠયું. ખાનગી રોકાણો થયાં.ખાનગી હોસ્પિટલ, ખાનગી શાળાઓ અને પ્રતિબંધ હતો તે તમામ ઉદ્યોગો ઉત્પાદન કરતાં થયાં. પાણીની બોટલથી માંડીને ખાવાનાં પડીકાં અગાઉ તો હતાં જ નહીં ને! જરા વિચારો, 1991 પહેલાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું 600 કરોડનું મૂલ્ય હોય ત્યાં માત્ર આઈ.પી.એલ.ના પ્રસારણ હકો છ હજાર કરોડના થતા હોય તો દેશની રાષ્ટ્રિય આવક લાખ કરોડની થાય જ એ સ્વાભાવિક છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top