અમેરિકા દાયકાઓથી દુનિયાનું જમાદાર થઈને ફરે છે. દુનિયામાં કોઈ પણ બે પડોશી દેશો વચ્ચે જરા જેટલી પણ તિરાડ પડે કે અમેરિકા ત્યાં જઈ પહોંચે છે અને બેમાંથી એક દેશનો પક્ષ લઈને તે તિરાડને દુશ્મનાવટમાં બદલવાનું કામ કરે છે. અમેરિકા બે દેશો વચ્ચે ઝઘડો કરાવે છે, તેમાંથી એક દેશને મદદ કરવાનું વચન આપે છે અને મદદ કરવાને બહાને તે દેશમાં પોતાનાં કાયમી લશ્કરી થાણાં ઊભાં કરી દે છે.
આ દેશ પછી અમેરિકાનો ગુલામ બની જાય છે અને તે પ્રદેશમાં અમેરિકાની લશ્કરી તાકાત વધી જાય છે. અમેરિકાએ દુનિયાભરનાં મુખ્ય મુખ્ય ક્ષેત્રોમાં પોતાના લશ્કરી અડ્ડાઓ ઊભા કર્યા છે અને તે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ૧૯૭૦ના દાયકામાં ઈઝરાયેલ અને ઈજિપ્ત વચ્ચેના સંઘર્ષનો લાભ લઈને અમેરિકાએ ઘણા મુસ્લિમ દેશોને તેમની રક્ષા કરવાનું વચન આપીને તે દેશમાં પોતાના લશ્કરી અડ્ડાઓ ઊભા કરી દીધા છે. આ દેશો પોતાનું ખનિજ તેલ પણ ડોલરમાં વેચીને અમેરિકાની આર્થિક તાકાત વધારવામાં મદદ કરે છે.
આ દેશોને એવો વિશ્વાસ હતો કે કોઈ પણ દેશના આક્રમણ સામે અમેરિકા તેમનું રક્ષણ કરશે પણ કતારમાં અમેરિકી લશ્કરી થાણાં પરના ઈરાનના હુમલા સાથે આ વિશ્વાસ ડગમગી ગયો છે. હકીકતમાં ઈરાનને કતાર સાથે કોઈ દુશ્મનાવટ નથી પણ કતારમાં અમેરિકી થાણાં હોવાને કારણે જ ઈરાનનાં મિસાઈલો કતાર પર ત્રાટક્યાં હતાં, જેને અમેરિકા રોકી શક્યું નહોતું. આ હુમલાને કારણે કતાર જ નહીં પણ બીજા મુસ્લિમ દેશોને પણ ખ્યાલ આવ્યો હતો કે તેમના દેશમાં અમેરિકાનું જે સૈન્ય છે, એ તેમનું રક્ષણ તો નથી કરી શકતું, પણ તે સૈન્યને કારણે તેમનો દેશ ઉપાધિમાં મુકાઈ જઈ શકે છે.
તાજેતરમાં ઈરાનનાં મિસાઈલો ઈઝરાયેલના આયર્ન ડોમ સિસ્ટમનો પણ નાશ કરી શક્યાં તેને કારણે પણ અમેરિકાને લશ્કરી થાણાં બાંધવાની છૂટ આપનારા મુસ્લિમ દેશો ચિંતામાં પડી ગયા છે કે જો અમેરિકા ઈરાનના હુમલા સામે ઈઝરાયેલનું રક્ષણ ન કરી શક્યું તો આપણું રક્ષણ કેવી રીતે કરશે? ઈઝરાયેલ તો અમેરિકાનું સાથીદાર હોવાથી તે અમેરિકાનાં લશ્કરી થાણાં પર હુમલો કરવાનું નથી પણ ઈરાન માટે તેવું કહી શકાય તેમ નથી. ઈરાનના આક્રમણને કારણે તમામ મુસ્લિમ દેશોને ઈરાનની તાકાતનો અંદાજ આવી ગયો છે.
તાજેતરમાં ઈરાને જ્યારે કતારનાં અમેરિકી લશ્કરી થાણાં પર હુમલો કર્યો ત્યારે કતારના શેખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશો મોકલ્યો હતો કે તમે ઈરાનનો સંપર્ક કરો અને તાત્કાલિક અમારી ઉપરનો હુમલો અટકાવો. જો ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલો અટકાવવામાં સફળ ન થાય તો કતારની તૈયારી હતી કે તેમના દેશનાં તમામ અમેરિકી થાણાંઓ બંધ કરી દેવામાં આવે. અમેરિકાને ખ્યાલ આવી ગયો હતો કે જો ઈરાન કતારની જેમ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઈરાક જેવા દેશોમાં આવેલાં અમેરિકી લશ્કરી થાણાંઓ ઉપર હુમલો કરશે તો અમેરિકા તેમનું રક્ષણ નહીં કરી શકે અને તે દેશો પણ અમેરિકાથી વિરુદ્ધ થઈ જશે. જો આમ થાય તો મધ્ય પૂર્વમાંથી અમેરિકાનો એકડો જ નીકળી જાય તેમ હતું. આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ સક્રિય થયા હતા અને તેમણે ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુ પર દબાણ કરીને તેમને યુદ્ધવિરામ કરવા મજબૂર કરી દીધા હતા.
બીજી બાજુ અમેરિકાએ કતાર મારફતે ઈરાનનો સંપર્ક સાધીને તેને એવી બાંયધરી આપી હતી કે ઈઝરાયેલ યુદ્ધવિરામ કરવા તૈયાર છે, માટે તમે પણ યુદ્ધવિરામ કરો. ઈરાને ઈઝરાયેલ પર આખરી જોરદાર હુમલો કર્યા પછી યુદ્ધવિરામ માટે સંમતિ આપી હતી. ઈઝરાયેલે આ હુમલાનો જવાબ આપવા માટે પોતાનાં ફાઇટર જેટ વિમાનો મોકલ્યાં હતાં, પણ ડોનાલ્ડ ટ્રમ્પનો નેતન્યાહુ પર આદેશ આવતાં તે ફાઇટર જેટ પાછાં બોલાવવાની ઈઝરાયેલને ફરજ પડી હતી. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આબરૂ બચાવવા યુદ્ધવિરામ કરાવ્યો હતો.
ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ઈઝરાયેલની પોકળતા ખૂલી ગઈ છે. મુસ્લિમ દેશો પણ આજ દિન સુધી એવું માનતા હતા કે ઈઝરાયેલની સંરક્ષણ પ્રણાલીને કોઈ ભેદી શકે નહીં. આ પોલ ઈરાને ખોલી કાઢી છે. મુસ્લિમ દેશોને ખ્યાલ આવ્યો છે કે ઈઝરાયેલની સંરક્ષણ પ્રણાલી કરતાં પણ ઈરાનની આક્રમણ પ્રણાલી વધુ શક્તિશાળી છે. તેને કારણે તેઓ ઈરાન સામે માનની નજરે જોવા લાગ્યા છે. બીજી બાજુ મુસ્લિમ દેશોને એ પણ ખ્યાલ આવ્યો છે કે જે અમેરિકા ઈઝરાયેલની રક્ષા નથી કરી શક્યું તે મુસ્લિમ દેશોની રક્ષા કરવાનું નથી.
ઉલટાનું મુસ્લિમ દેશોમાં અમેરિકાના જે લશ્કરી અડ્ડાઓ છે એ તેમના માટે આફતનાં પડીકાં બની ગયાં છે. આ કારણે તેઓ અમેરિકાના લશ્કરી અડ્ડાઓ બંધ કરવાના વિચાર કરવા લાગ્યા છે. અમેરિકન સૈનિકોની હાજરી ફક્ત કતારમાં જ નહીં પરંતુ મધ્ય પૂર્વના ઘણા દેશોમાં છે. અમેરિકાના કતાર, બહેરીન, કુવૈત, યુએઈ, ઓમાન અને સાઉદી અરેબિયામાં લશ્કરી થાણાં છે. સાઉદી અરેબિયાએ કતારમાં અમેરિકી એરબેઝ પર ઈરાની હુમલાની કડક ટીકા કરી છે, કારણ કે તેને એ પણ ડર છે કે ઈરાન ત્યાંના અમેરિકન લશ્કરી થાણાંને નિશાન બનાવી શકે છે. અમેરિકાની વિશ્વસનીયતા પહેલાંથી જ ઓછી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના વલણથી અમેરિકાની વિશ્વસનીયતા વધુ ઓછી થઈ ગઈ છે અને તેની અસર મધ્ય પૂર્વના દેશોમાં પણ સ્પષ્ટપણે દેખાશે. અખાતના દેશોમાં લગભગ ૭૦ હજાર અમેરિકન સૈનિકો છે. તેમની પાસે વધારાના પ્રાદેશિક અધિકારો છે. તેનો અર્થ એ કે તે દેશના નિયમો અને કાયદાઓ તેમને લાગુ પડતા નથી.
અમેરિકાનાં આ દેશોમાં લશ્કરી થાણાં છે અને તેમને તેને સંભાળવાનો સંપૂર્ણ અધિકાર છે. કોઈ પણ આરબ દેશ અમેરિકાને આમાં રોકી શકતો નથી. અમેરિકાની વિશ્વસનીયતા ક્યારેય આ હદે ઘટી નથી. આ પ્રદેશ હવે અમેરિકાની ગુલામીની માનસિકતામાંથી બહાર આવવાની તૈયારી કરી રહ્યો છે, જેની તૈયારીઓ ત્યાં લાંબા સમયથી ચાલી રહી છે. ઈરાને એક બાજુ ઈઝરાયેલ અને બીજી બાજુ અમેરિકાનો જોરદાર મુકાબલો કરીને પુરવાર કર્યું છે કે મુસ્લિમ દેશોને અમેરિકા કરતાં પણ વધુ સારી રીતે રક્ષણ તે આપી શકે તેમ છે. ઈરાને ચીન અને રશિયા સાથે જે ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા છે તેને કારણે પણ અખાતના દેશોનું નેતૃત્વ લેવાની ક્ષમતા તેણે મેળવી છે.
અમેરિકાએ ઈરાનનાં પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યો ત્યારે ઈરાનના સંરક્ષણ પ્રધાન તાત્કાલિક મોસ્કો પહોંચી ગયા હતા અને તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. પુતિને તેમને અમેરિકાના આક્રમણ સામે તમામ સહાય કરવાની ખાતરી આપી હતી. બીજી બાજુ ચીને તો શસ્ત્રોથી ભરેલું માલવાહક હવાઈ જહાજ મોકલી આપ્યું હતું. ઈઝરાયેલ અને અમેરિકાની ધરી સામે ઈરાન, રશિયા અને ચીનની મજબૂત ધરી રચાઈ ગયેલી જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા.
તેમને અગાઉ ઈરાનની તાકાતનો અંદાજ નહોતો તેવું તેમણે જાહેરમાં કબૂલ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પને ખ્યાલ આવ્યો હતો કે જો હવે યુદ્ધવિરામ નહીં કરાવવામાં આવે તો ઈરાન કતાર પછી સાઉદી અરેબિયા, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીનમાં આવેલાં અમેરિકન લશ્કરી થાણાંઓ ઉપર પણ હુમલો કરી શકે છે. આ તમામ મુસ્લિમ દેશો છે અને તેમની ઈરાન સાથે કોઈ દુશ્મનાવટ નથી. જો મુસ્લિમ દેશોને લાગશે કે અમેરિકા હવે તેમની રક્ષા કરી શકે તેમ નથી તો તેઓ અમેરિકાના પાશમાંથી મુક્ત થઈ શકે તેમ છે.
ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની ફળશ્રુતિ એ કે ઈઝરાયેલની અને સરવાળે અમેરિકાની બાંધી મુઠ્ઠી ખૂલી ગઈ છે. અમેરિકા ઈઝરાયેલનું અને બીજા મુસ્લિમ દેશોનું રક્ષણ કરી શકે છે, તેવો ભ્રમ ભાંગી ગયો છે. જે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઘરઆંગણે ચાલી રહેલા દેખાવોને પણ શાંત નથી કરી શકતા તેઓ દુનિયાના દેશોની સમસ્યા કેવી રીતે દૂર કરવાના? અમેરિકાનો ઇરાદો ઈરાનને હરાવીને ત્યાં સરકાર બદલવાનો હતો. તેને બદલે ઈરાને ઈઝરાયેલનું અને અમેરિકાનું નાક કાપ્યું છે. ઈરાનમાં અલી ખામેનીની સરકાર વધુ મજબૂત બનીને બહાર આવી છે. માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં અમેરિકાની તાકાતની પોલ ખૂલી ગઈ છે. ઈઝરાયેલના આ ધબડકા પછી ઈરાનમાં નહીં પણ ઈઝરાયેલમાં સરકાર બદલવાની વાત ચાલી રહી છે. આ યુદ્ધમાં ભૂંડી હારનો સામનો કરનારા નેતન્યાહુને રાજીનામું આપવાની ફરજ પડે તો નવાઈ નહીં લાગે.