Gujarat

ગોપાલ ઈટાલિયાની જીત બાદ AAPમાં ડખો, ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે વિવાદ

વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ખુશીના બદલે ડખા શરૂ થયા છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

વર્ષ 2022માં બોટાદ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડીને ઉમેશ મકવાણા જીત્યા હતા. મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.

દરમિયાન બે દિવસ પહેલાં વિસાવદરની બેઠક પરથી ગોપાલ ઈટાલિયા જીત્યા ત્યાર બાદ આજે આમ આદમી પાર્ટીના રાજકારણમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. ઉમેશ મકવાણાએ દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું હતું. જ્યારે ધારાસભ્ય પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ન હતું.

ઉમેશ મકવાણાએ શું આક્ષેપ કર્યો?
મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપતા કહ્યું કે, પછાત લોકોના મુદ્દા ઉઠાવવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પક્ષમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધી રહ્યાં છે. દંડક અને આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું છે. આપના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. મકવાણાએ સીધો આક્ષેપ કર્યો કે, ગોપાલ ઈટાલિયા માટે આખો પક્ષ મેદાનમાં ઉતર્યો અને કડીના ઉમેદવારને એકલો મુકી દીધો હતો. કારણ કે તેઓ દલિત સમાજના હતા.

મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા
દંડક અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદ પરથી ઉમેશ મકવાણાએ રાજીનામું આપતા આપમાં હલચલ મચી ગઈ હતી. તાત્કાલિક અસરથી મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી.

Most Popular

To Top