ભારતના શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન માટે કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી ચૂક્યા છે. તેમણે અવકાશમાં પહોંચતાની સાથે જ દેશ માટે સંદેશ મોકલ્યો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભાંશુ માટે ખાસ સંદેશ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તમામ અવકાશયાત્રીઓને અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન પીએમએ શુભાંશુનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ભારત, હંગેરી, પોલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સના અવકાશયાત્રીઓને લઈને અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું અમે સ્વાગત કરીએ છીએ. ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યા છે. તેઓ 1.4 અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ પોતાની સાથે લઈ ગયા છે. તેમની સાથે બધા અવકાશયાત્રીઓને સફળતા માટે શુભકામનાઓ.
જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા છે. એક્સિઓમ-4 મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે કોમ્પ્લેક્સ 39એથી લોન્ચ કરવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓ એક્સિઓમ સ્પેસના મિશનના ભાગ રૂપે સ્પેસ સ્ટેશનની યાત્રા પર નીકળ્યા છે.
નાસાએ મિશન વિશે માહિતી શેર કરી
સફળ પ્રક્ષેપણ પછી યુએસ અવકાશ એજન્સી નાસાએ સોશિયલ મીડિયા દ્વારા અપડેટ આપ્યું. નાસાએ ‘X’ પર લખ્યું, “અમે… એક્સિઓમ મિશન 4. X-4 મિશન 25 જૂનના રોજ સવારે 2:31 વાગ્યે (ભારતીય સમય, બપોરે 12:01 વાગ્યે) લોન્ચ કોમ્પ્લેક્સ 39A થી ઉડાન ભરી, જેમાં ચાર ખાનગી અવકાશયાત્રીઓ 14 દિવસ સુધીના મિશન માટે અવકાશ મથક ગયા છે.”