SURAT

VIDEO: શું આવું હોય સ્માર્ટ સિટી?, બોટ પણ ન મળી, દર્દીને સ્ટ્રેચર પર ઊંચકી પાણીમાંથી કાઢવા પડ્યા

સુરત શહેરને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવાના બણગાં શાસકો ફૂંકી રહ્યાં છે, પરંતુ વરસાદના એક રાઉન્ડે જ શાસકોના દાવાઓને ખોટા સાબિત કરી દીધા છે. આ સ્માર્ટ સિટીનું તંત્ર કેટલું નમાલું છે તે એક જ વરસાદમાં સાબિત થઈ ગયું છે.

સ્થિતિ એટલી ખરાબ છે કે વરસાદ અટક્યાના 24 કલાક બાદ હજુ પાણી ઉતર્યા નથી. શહેરના પર્વટ પાટીયા વિસ્તારની સોસાયટીઓમાં હજુ પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે, ત્યારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા એક દર્દીને આજે ખભે ઊંચકીને પાણીને બહાર કાઢવા પડ્યા હતા.

પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોઈ સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. અહીંની વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઈટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડી પૂરથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

લિંબાયતની મીઠી ખાડીમાં પાણી ભરાયેલા હોવાને લીધે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

દરમિયાન લિંબાયતમાં રહેતા રહેમાન નામના વ્યક્તિને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી. આ આધેડને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જોકે, ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હતી. તેથી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી.

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને લીધે દર્દીને 108 સુધી પહોંચાડવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. સ્થાનિક લોકોએ જીવના જોખમે ખભા પર દર્દીને ઊંચકી લઈ 108 સુધી પહોંચાડ્યો હતો. આ મુશ્કેલીઓના લીધે દર્દીને 108 સુધી પહોંચાડવામાં અંદાજે અડધો કલાક વેડફાઈ ગયો હતો.

નોંધનીય છે કે, બે દિવસ બાદ પણ પર્વત પાટીયા વિસ્તારમાં એકથી દોઢ કિલોમીટરના રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા હોઈ વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓનો પાર નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીના નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.

આશ્ચર્યજનક રીતે ગઈકાલે જ પાલિકા કમિશનરે આ જ વિસ્તારની મુલાકાત લીધી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા તંત્રની નિષ્ફળતા સામે ભારે નારાજગી ઠાલવવામાં આવી રહી છે.

Most Popular

To Top