વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારોમાં સતત પાણી વિતરણ સુનિશ્ચિત કરવા માટે જુદી જુદી ટાંકી, બૂસ્ટિંગ સ્ટેશન અને ઓનલાઇન પંપિંગ માધ્યમો દ્વારા પંપિંગ મશીનરી ઓપરેટ કરવામાં આવે છે. આ કામગીરી માટે ઓપરેટરો અને મજૂરોની જરૂરિયાત નિત્યની કામગીરી માટે જરૂરી છે. વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં કાયમી સ્ટાફ ઉપલબ્ધ નથી તેમજ આગામી સમયમાં અમુક કર્મચારીઓની નિવૃત્તિના કારણે ખામી ઊભી થઈ શકે છે. તેથી હાલમાં માનવદિન આધારિત ઓપરેટર અને મજૂરો વડે કામગીરી કરાવવામાં આવી રહી છે. હાલ Vital Facilities Pvt. Ltd. સાથે એ માટેનો ઈજારો છે, જેને અગાઉ રૂ.140 લાખથી વધારી રૂ.160 લાખ સુધીની મર્યાદા સાથે મંજૂરી આપવામાં આવી હતી. નવા ઈજારાના ટેન્ડરો માટે વિવિધ પ્રયત્નો કરવા છતાં સિંગલ ટેન્ડર જેવી સ્થિતિ સર્જાતા હજુ પણ ટેન્ડર પ્રક્રિયા અધૂરી છે. ત્યારે હાલની નાણાકીય મર્યાદા અંદાજે 30 જૂન 2025 સુધી પૂરતી રહે એવી શક્યતા છે. તેથી આગામી મહિના માટે પણ કાર્ય અવિરત ચાલતું રહે એ હેતુસર હવે વધુ રૂ.20 લાખ વધારવાની દરખાસ્ત સાથે કુલ નાણાકીય મર્યાદા રૂ.180 લાખ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરખાસ્તને અમલમાં લેવા માટે પાલિકા દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજુઆત કરવામાં આવી છે.