એક દિવસ ગુરુજી પોતાના આશ્રમની નજીક આવેલા એક તીર્થસ્થળે પોતાના બધા જ શિષ્યોને લઈને ગયા. તીર્થસ્થળ પર સુંદર મંદિર હતું અને દેવસ્થાનની સાથે સાથે ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય પણ બહુ જ સુંદર હતું એટલે બધા જ શિષ્યો ત્યાં જવા માટે ઉત્સાહી હતા. ગુરુજીએ પોતાના બધા શિષ્યો સાથે મંદિરમાં દર્શન કર્યાં, દેવસ્થાનને જોયું, આજુબાજુનું પ્રાકૃતિક સૌંદર્ય માણ્યું અને બપોરે એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ગુરુજીએ આરામ કરતાં કરતાં કહ્યું કે, ‘મારા એક પ્રશ્નનો જવાબ આપો. તમે બધાએ ભગવાનનો આદર કર્યો કે અનાદર કર્યો?’આવો પ્રશ્ન સાંભળીને બધા જ શિષ્યો ચોંકી ઊઠ્યા.
એક શિષ્યે ડરતાં ડરતાં પૂછ્યું, ‘ગુરુજી, દેવસ્થાનમાં દર્શન કરવા આવવું એ ભગવાનનો આદર જ કહેવાય ને… તમે કેમ આવો સવાલ પૂછો છો?’ ગુરુજી બોલ્યા, ‘મારો પ્રશ્ન એ નથી કે તમે ભગવાનનાં દર્શન કર્યાં કે નહીં? મારો પ્રશ્ન છે તમે ભગવાનનો આદર કર્યો કે અનાદર?’ બધા શિષ્યો થોડી વાર સુધી કંઈ ન બોલ્યા. ગુરુજીએ કહ્યું, ‘હવે મને કહો, તમે ભગવાનને પ્રાર્થના શું કરી.’બધા શિષ્યો એક પછી એક બોલવા લાગ્યા, ‘ગુરુજી, મેં કહ્યું કે આપને લાંબી ઉંમર મળે… ગુરુજી મેં માંગ્યું કે મારું જ્ઞાન સંપૂર્ણપણે સમાજના કામમાં આવે… ગુરુજી, મેં માંગ્યું કે મને બધું જ યાદ રહી જાય… ગુરુજી, મેં માંગ્યું કે મારા જ્ઞાનથી મને માન સન્માન મળે…’કોઈક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, મેં માંગ્યું કે હે ઈશ્વર, તમે મને બહુ બધા પૈસા આપજો… બહુ સારા મિત્રો આપજો… મારા પરિવારમાં પ્રેમ આપજો…’આવું શિષ્યોએ અનેક અનેક વસ્તુઓ ગણાવી કે જે તેમણે ભગવાનનાં દર્શન કરતાં માંગી હતી.
ગુરુજી બોલ્યા, ‘તમે બધાએ જ મારા મત પ્રમાણે ભગવાનનો અનાદર કર્યો છે તે મને સમજાઈ ગયું છે.’આ સાંભળી બધા શિષ્યો ડરીને ચૂપ થઈ ગયા. ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, તમે બધા જ ભગવાન પાસે ગયા, ભગવાનનાં દર્શન કર્યાં, હાથ જોડીને પ્રાર્થના કરી, માથું નમાવીને નમન કર્યું અને માંગ્યું તમને જે જોઈતું હતું તે… અને અહીં તમે ભૂલ કરી. તમે ભગવાનનો અનાદર કર્યો…જે ભગવાન આ સૃષ્ટિનો રચયિતા અને પાલનકર્તા છે તેની પાસે જઈને તમે દુનિયાની જુદી જુદી વસ્તુઓ માંગી પણ તમે ભગવાન પાસે જઈને ભગવાનને ન માંગ્યા! યાદ રાખજો, જો ભગવાન મળી જાય તો પછી કંઈ માંગવાની જરૂર જ નથી રહેતી અને વણમાંગ્યે બધું જ મળી જાય છે. શિષ્યો આ ખાસ સમજ આપવા જ હું તમને આજે અહીં લઈને આવ્યો હતો. જ્યારે પણ ઈશ્વરની સમીપ જાવ, ઈશ્વરનાં દર્શન કરો ત્યારે ઈશ્વરને માંગો. દુન્યવી વસ્તુઓનો નહીં. ઈશ્વરનો આદર કરો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.