હાલોલ:
હાલોલ તાલુકાના રામેશરા ખાતે બપોરના સમયે ૧૨.૩૦ થી ૩.૩૦ દરમિયાન પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા રામેશરા ગામની ચારે બાજુ પાણી-પાણી થઈ જતા રામેશરા ગામને જોડતા તમામ માર્ગો બંધ થઈ ગયા હતા. જોકે ગામમાં પાણી ન ભરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયતનું તંત્ર પણ વધુ વરસાદના પગલે એલર્ટ જોવા મળ્યું હતું.

હાલોલ તાલુકાના રામેશરા ગામમાં વહેલી સવારથી કાળા ડિંબાગ વાદળોની ફોજ જોવા મળતી હતી. ગમે તે ઘડીએ વરસાદ મુશળધાર રીતે ત્રાટકે તેવી સંભાવનાઓ જોવા મળતી હતી. જોકે બપોરે બાદ અચાનક વીજળીના ભારે કડાકાને ભડાકા સાથે તેમજ ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો.
જોત જોતામાં ગામમાં તમામ પ્રવેશવાના માર્ગો પર ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા હતા ગામમાં પ્રવેશવાના માર્ગો પરના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ત્યાં રહીશો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક તબક્કે માર્ગ પર પાણી ભરાઈ જતા રામેશરા ગામનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. લોકો વરસાદ ક્યારે બંધ થશે તેની ચાતક નજરે રાહ જોતા જોવા મળ્યા હતા.