SURAT

સરથાણાની સ્કૂલમાં પાણી ભરાતા 87 સ્ટુડન્ટ ફસાયા, બોટમાં રેસ્ક્યુ કરાયા

સુરતઃ સુરતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, ત્યારે આજે મંગળવારે શહેરના સુરતના પુણા વિસ્તારના સરથાણા જકાતનાકા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા(હોસ્ટેલ સાથેની સ્કુલ)માં વહેલી સવારે પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે દોડધામ મચી ગઈ હતી.બાળકો અને સ્કૂલના સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. જાણકારી મળતા જ સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરની ટીમે બોટની મદદથી 87 વિદ્યાર્થીઓ અને 15 કર્મચારી મળીને કુલ 102 અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્કયુ કર્યા હતા. તેઓને સરથાણા ગામની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

બપોર બાદ વરસાદનું જોર ઘટ્યું
રવિવારે રાતથી શરૂ થયેલો વરસાદ આજે મંગળવારે સવારે પણ ચાલુ રહ્યો હતો. સોમવારે એક દિવસમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના લીધે શહેર આખું નદીમાં રૂપાંતરિત થઈ ગયું હતું. ત્યાર બાદ મંગળવારે મળસ્કે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી બે કલાકમાં 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબકતા ફરી શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. જોકે, બપોરે 12 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું હતું, તેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સવારે 10 વાગ્યા બાદથી સાંજે 4 વાગ્યા સુધીના 6 કલાકમાં માત્ર 10 મીમી જ વરસાદ વરસ્યો છે.

Most Popular

To Top