સુરત શહેર બાદ ગઈકાલે રાતથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, તેના પગલે અનેક નદી નાળા છલકાયા છે. ચેકડેમો ઓવરફ્લો થયા છે. ઝાડ પડ્યા છે, તેના પગલે જિલ્લાના 81 રસ્તા પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ તોફાની ઇનિંગ્સ શરૂ કરતાં ધરતી પર પાણીનો પૂર વરસી ગયો છે. ખાસ કરીને ઉંમરપાડા તાલુકામાં, જેને સુરતનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
અત્યંત ભારે વરસાદના કારણે ચિત્તલદા ગામ પાસે વહેતી વિરા નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની સપાટીમાં ગજબનો વધારો થતા આસપાસના વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.વિશાળ માત્રામાં વરસેલા વરસાદના કારણે નદી-નાળા ઉપરાંત ગામના ચેકડેમ પણ ઓવરફ્લો થવા લાગ્યા છે. પાણીની ઝડપ અને માત્રા એટલી વધી ગઈ છે કે ચેકડેમમાંથી પાણી ઉત્સાહભેર બહાર વહેવા લાગી રહ્યું છે, જે ખેડૂતો માટે એકદમ ચિંતાજનક સ્થિતિ ઉભી કરી શકે છે.
એસડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય, એક ટીમ નવસારી મોકલાઈ
સુરતમાં સતત વરસતા વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે SDRF (State Disaster Response Force) દ્વારા તાત્કાલિક પગલા લેતા બચાવ અને રાહત કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. SRP વાવ કેમ્પ ખાતે SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે એક ટીમને પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં રવાના કરવામાં આવી છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ-નાળાઓ ઓવરફ્લો થવાના સમાચાર છે.
કુલ મળીને 50 અધિકારી અને કર્મચારીઓની બે ટીમો હાલ રાહત અને બચાવના કાર્યમાં લાગેલી છે. આ ટીમો પાસે બોટ, રબરબોટ, જીપીએસ, જીવ બચાવના સાધનો અને ફસ્ટએડ કિટ જેવી જરૂરી તાકાતભરી સામગ્રી પણ ઉપલબ્ધ છે. SDRF ટીમો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોની સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરીમાં રોકાઈ છે. સતત બે દિવસથી અહીં રાઉન્ડ ધ ક્લોક રેસ્ક્યુ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટ તંત્ર સાથે સંકલન કરીને SDRF ટીમો લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે અને જળમગ્ન વિસ્તારોમાંથી રાહત પહોંચાડી રહી છે.
જિલ્લામાં 81 રસ્તા બંધ કરાયા
સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઈ છે. ચેકડેમો ઓવર ફ્લો થયા છે, જેના પગલે આજે સવારથી જિલ્લામાં 81 રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. અને અન્ય માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. અનેક ઠેકાણે ઝાડ પડવાના લીધે પણ રસ્તા બંધ કરવા પડ્યા છે. પાણી ઉતર્યા બાદ રસ્તા પર વાહનવ્યવહાર શરૂ થશે.