Comments

ટ્રમ્પનું જી-૭ શિખર વાર્તા છોડી કેનેડાથી વહેલા વિદાય થઈ જવું અનેક અમંગળ શંકા-આશંકાઓ ઊભી કરે છે

કેનેડામાં મળેલ જી-૭ શિખર પરિષદમાંથી ટ્રમ્પ સમય કરતાં વહેલાં નીકળીને વૉશિંગ્ટન રવાના થઈ ગયા. જતાં જતાં એમણે એવું ભવિષ્યકથન કર્યું કે, ઇરાન ઉપર ઇઝરાયલના હુમલાઓની સંખ્યા વધશે. તેમણે તહેરાનનાં નિવાસીઓને તાત્કાલિક પોતાનાં ઘર ખાલી કરવાની સલાહ આપતાં જણાવ્યું હતું કે, પોતે ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરીને યુદ્ધવિરામ કરવા પ્રયત્નશીલ છે તે વાતમાં કોઈ તથ્ય નથી. ટ્રમ્પે પોતે કોઈ યુદ્ધવિરામ કરવા તૈયાર નથી એમ જણાવી ઉમેર્યું હતું કે, એને આ યુદ્ધનો સાચેસાચ અંત આવે એમાં રસ છે અને એ માટે ઇરાને પોતાની ન્યૂક્લિયર મહત્ત્વાકાંક્ષાઓને સંપૂર્ણપણે દફનાવી દેવી જોઈએ.

અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાએ પોતે અત્યાર સુધી ‘ડિફેન્સિવ પોસ્ચર’એટલે કે સંરક્ષણાત્મક વલણ અપનાવ્યું છે પણ સાથોસાથ ઇઝરાયલ ઉપર ફેંકાઈ રહેલા ઇરાનિયન મિસાઇલ્સ અને ડ્રોન્સને તોડી પાડવા માટે ભૂમધ્ય સમુદ્રમાં કાર્યરત તેના નૌકા કાફલાને આ કામગીરી ક૨વા કહ્યું પણ છે. જો અમેરિકાએ સીધા આ યુદ્ધમાં સંડોવાવાનું થાય તો એ ડિયાગો ગાસિયા, જે હિંદ મહાસાગરમાં આવેલો અમેરિકન બેઝ છે, ત્યાંથી બી-સ્ટીલ્થ બૉમ્બર્સને ઇરાનના અણુ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર હુમલા કરવા માટે વાપરી શકે છે. ઇરાનની યુરેનિયમ એનરીચમેન્ટ સવલતો પર્વતીય પ્રદેશમાં સેંકડો મીટર જાડા રેનફોર્સ કોંક્રિટ થકી સુરક્ષિત છે. ઇઝરાયલ પાસે બંકર તોડી નાખે તેવા ભારે બૉમ્બ ઉપલબ્ધ છે, તે સામે પણ આ સવલત સુરક્ષિત છે. આમ છતાંય અમેરિકન એરફોર્સના બી-૨ અથવા બી-૫૨ અમેરિકન બૉમ્બર્સ દ્વારા ફેંકી શકાય તેવા અમેરિકન એરફોર્સના ૩૦,૦૦૦ પાઉન્ડના ઓર્ડનન્સ પેનીટ્રેટર સામે આ પ્રકારની અભેદ્ય સુરક્ષિત દીવાલ પણ સલામત નથી.

ઇરાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે મંત્રણાના ટેબલ ઉપર ત્યારે જ આવશે, જ્યારે ઇઝરાયલી સૈન્યો દ્વારા ઇરાન પર સતત કરવામાં આવતા હુમલાઓ અટકાવવામાં આવશે. આવું થાય તો ઈરાન પોતાના અણુ કાર્યક્રમ અંગેની ચર્ચાઓ શરૂ કરવા પણ તૈયાર છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું, ઇઝરાયલ દ્વારા ઇરાનમાં ઘૂસી જઈને વણથંભ્યો મિસાઇલ અને ડ્રોનનો મારો કરવામાં આવ્યો છે. આ સામે ઇરાને પણ ઇઝરાયલ ઉપર મિસાઇલ હુમલા ચાલુ રાખ્યા છે. બંને પક્ષે નુકસાન પણ થયું છે અને જાનમાલની ખુવારી પણ થઈ છે. આમ છતાંય અત્યારે તો યુદ્ધ હળવું પડે અથવા યુદ્ધવિરામ થાય અને મંત્રણાઓ શરૂ થાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી.

આમ જોઈએ તો અત્યાર સુધીમાં આ યુદ્ધ નુકસાનીની દૃષ્ટિએ ઇરાન માટે વધુ ઘાતક નીવડ્યું છે. ઇરાન ઉપર ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓ વધુ ચડિયાતી પુરવાર થઈ છે. આ ગુપ્તચર કામગીરીને કારણે પહેલા જ દિવસે ઇરાનના લશ્કર તેમજ રોયલ ગાર્ડસના સર્વોચ્ચ અધિકારીઓ અને ટોચના ત્રણ અણુઊર્જા નિષ્ણાતોને મોતને ઘાટ ઉતારી દેવાયા અને ઇરાનના આકાશમાં ઇઝરાયલી એરફોર્સ મન ફાવે તેમ ઉડાન ભરી શકે તેમજ હવાઈ હુમલાઓ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઇઝરાયલના પક્ષે પ્રમાણમાં ઓછી જાનહાનિ થઈ છે. અમેરિકા સીધી રીતે આ યુદ્ધમાં સંડોવાયું નથી પણ શસ્ત્રોથી માંડી નાણાંકીય સહાય બધું જ ઇઝરાયલને પૂરું પાડે છે. ભૂમધ્ય સમુદ્રમાં તેમજ અન્યત્ર એનો નૌકા કાફલો ઇરાન દ્વારા છોડાયેલ ઇઝરાયલ તરફ જતાં મિસાઇલ્સ અને ડ્રોન્સ તોડી પાડવાનું કામ કરે છે.

અમેરિકાનું પીઠબળ છે એટલે ઇઝરાયલ કોઈ પણ પરિસ્થિતિમાં નમતું નહીં જોખે. આ સંદર્ભમાં જી-૭ શિખર વાર્તામાંથી વહેલાં નીકળી અમેરિકા જવા રવાના થયેલ ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉચ્ચારણો નિરાશાજનક છે. ઇઝરાયલ જો એના લશ્કરી હુમલા બંધ કરે તો ઈરાન અમેરિકા સાથે મંત્રણામાં બેસવા તૈયાર છે. જો આવું થાય તો જ વિશ્વને કાંઈક હાશકારાનો અનુભવ થાય. મધ્યપૂર્વમાં જો આ યુદ્ધ વિસ્તરે તો એનાં પરિણામો સમગ્ર વિશ્વ માટે જોખમી અને ભયાનક હોઈ શકે. આવા સંજોગોમાં જેને લકવો મારી ગયો છે એવું યુનાઇટેડ નેશન્સ આશાનો કાંઈક સંચાર કરી શકે એની અપેક્ષા રાખવી મૂર્ખતા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top