અનરાધાર પડી રહેલા વરસાદે ફરી એકવાર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ તો ખોલી જ નાખી છે. સાથે જ ખાડીઓના ડ્રેજીંગને લઈને કરવામાં આવતાં દાવાઓને પણ પોકળ સાબિત કરી દીધા છે. સુરત મહાનગરપાલિકાની નબળી અને બેદરકારીયુકત પ્રિ-મોન્સુન કામગીરી તેમજ ખાડી ડ્રેજીંગનાં કામમાં માત્ર વેઠ ઉતારવાના કારણે ગરીબ શ્રમિક પરિવારો સહિત શહેરનાં સામાન્ય પ્રજાજનો થયા ત્રાહિમામ થયા છે. જવાહર નગર, ઉમરવાડાના નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. જેથી વૃધ્ધો અને બાળકોના રેસ્ક્યું કરવામાં આવ્યાં હતાં.

કંટ્રોલરૂમ શરૂ
વહેલી સવારથી સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના લીધે પાણી ભરાયા છે. માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. કટોકટી ની પરિસ્થિતિ સર્જાઇ છે, તેને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ભારે વરસાદના પગલે ઉપસ્થિત પરિસ્થિતિને પગલે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પરિસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે તથા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે.