Trending

ઈરાન પર હુમલાને લઈ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિએ ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું- ‘તમને આ રીતે નોબેલ નહીં મળે’

ઈરાન પર અમેરિકાના હુમલા પર પૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે. રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું, ‘શાંતિ સ્થાપનારા રાષ્ટ્રપતિ તરીકે આવેલા ટ્રમ્પે અમેરિકા માટે એક નવું યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પને આ રીતની સફળતા સાથે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.’

ટ્રમ્પે એક નવું યુદ્ધ શરૂ કર્યું – દિમિત્રી મેદવેદેવ
દિમિત્રી મેદવેદેવે રવિવારે 22 જૂન, 2025 કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરીને એક નવું યુદ્ધ શરૂ કર્યું છે જે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીની આસપાસના સમાજને એક કરીને તેહરાનના નેતાઓને વધુ મજબૂત બનાવશે.

ઈરાન પર અમેરિકાના હુમલા પહેલા ક્રેમલિને વારંવાર વોશિંગ્ટનને ચેતવણી આપી હતી કે ઈરાન પર અમેરિકાના હુમલાઓ મધ્ય પૂર્વના સમગ્ર ક્ષેત્રને ખાડામાં ધકેલી દેશે. નોંધનીય છે કે રશિયાની ઈરાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી છે અને ઇઝરાયલ સાથે પણ ગાઢ સંબંધો છે.

રશિયાએ અમેરિકાના હુમલાની નિંદા કરી
ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનને નિશાન બનાવવા બદલ રશિયાએ અમેરિકાની નિંદા કરી છે. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે તે ચિંતાજનક છે કે આવો હુમલો એક એવા દેશ દ્વારા કરવામાં આવ્યો છે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય છે. રશિયાએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનું જોખમ વધુ વધી ગયું છે જે પહેલાથી જ કટોકટીનો સામનો કરી રહ્યું છે.

રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું, ‘મિસાઇલ અને બોમ્બથી સાર્વભૌમ દેશ પર હુમલો કરવાનો નિર્ણય બેજવાબદાર છે, ભલે દલીલ ગમે તે હોય. આ આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ઘોષણાપત્ર અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું ઘોર ઉલ્લંઘન છે જેમાં પહેલાથી જ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે.’

Most Popular

To Top