World

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે વાત કરી, તાત્કાલિક તણાવ ઘટાડવાની અપીલ કરી

રવિવારે સવારે અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે વાત કરી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી. પીએમ મોદીએ X પર લખ્યું, “અમે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી. તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તાત્કાલિક તણાવ ઓછો કરવા વાતચીત અને રાજદ્વારી કાર્યવાહીને આગળ વધારવા માટે અમારા આહ્વાનને પુનરાવર્તિત કર્યું અને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના વિશે વાત કરી.”

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ મસૂદ પેઝેશ્કિયાન સાથે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી અને ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને ઇઝરાયલ અને ઈરાનને તણાવ ઘટાડવા અને પરસ્પર વાટાઘાટો કરવા અપીલ કરી છે.

પીએમ મોદીએ તણાવ ઘટાડવા અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી દ્વારા તમામ બાબતોનો ઉકેલ લાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા એવું માનતું આવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી એ કોઈપણ કટોકટીનો ઉકેલ છે. પીએમ મોદીની મસૂદ પેઝેશ્કિયન સાથેની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યા પછી સમગ્ર વિશ્વ મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ વધવાથી ઈરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમન સહિત પશ્ચિમ એશિયાઈ દેશો સાથે ભારતના વેપાર પર મોટી અસર પડે તેવી શક્યતા છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાના ઉદ્દેશ્યથી અમેરિકાએ રવિવાર 22 જૂન 2025ની વહેલી સવારે ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કર્યો.

પેઝેશ્કિઆને પીએમ મોદીને ફોન કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાના પગલે આ ફોન કર્યો હતો. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને પ્રધાનમંત્રી મોદીને વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ફોન કોલ 45 મિનિટ સુધી ચાલ્યો હતો. રાષ્ટ્રપતિએ ભારતને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપતો મિત્ર અને ભાગીદાર ગણાવ્યો હતો અને ભારતના વલણ અને તણાવ ઓછો કરવા, સંવાદ અને રાજદ્વારી હાકલ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપનામાં ભારતનો અવાજ અને ભૂમિકા મહત્વપૂર્ણ હતી.

અમેરિકા ઈઝરાયલ સાથે ઉતર્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. બંને તરફથી સતત મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકા પણ તેમાં જોડાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે અગાઉ કહ્યું હતું કે તેઓ બે અઠવાડિયામાં નિર્ણય લેશે કે ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયલને ટેકો આપવો કે નહીં. જોકે તેમણે માત્ર બે દિવસમાં જ આ નિર્ણય લઈ લીધો અને અમેરિકા ઇઝરાયલના અભિયાનમાં જોડાયો અને રવિવારે વહેલી સવારે ઈરાન પર હુમલો કર્યો.

Most Popular

To Top