Dakshin Gujarat

ઉકાઈ ડેમની સપાટી વધી, દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી

સુરત : શહેર અને જિલ્લામાં આજે વરસાદી વિરામ વચ્ચે આગામી બે દિવસ ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દિવસભર વાદળછાયું વાતાવરણ અને છુટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા.

  • રાજસ્‍થાન પરનું ડિપ્રેશન ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્‍યું
  • આગામી 21, 22 જૂને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
  • શહેરમાં આજે છુટાછવાયા વરસાદી ઝાપટા વચ્ચે વરસાદનો વિરામ થતા તાપમાનમાં વધારો

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, રાજસ્‍થાન પર સર્જાયેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કરતા તંત્રને સાબદા રહેવાની સૂચના આપી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ 21 જૂને સામાન્ય અને 22 જૂનથી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

દરિયાકિનારાના વિસ્‍તારોમાં રહેતા માછીમારોને આગામી દિવસોમાં દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે આજરોજ જિલ્લામાં સર્વત્ર વરસાદે વિરામ લીધો હતો. ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં વરસાદ નોંધાયો નથી. પરંતુ છુટાછવાયા ઝાપટા વરસ્યા છે.

વરસાદના વિરામ સાથે જ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો
જિલ્લામાં ચારેક દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાનમાં છ થી સાત ડિગ્રીનો ઘટાડો થયો હતો. આજે વરસાદના વિરામ સાથે જ તાપમાન 3 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં પણ 2.7 ડિગ્રીનો વધારો થયો હતો. અને તે 28.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 77 ટકા ભેજની સાથે 12 કિમીની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાયો હતો.

ઉકાઈ ડેમની સપાટી ચોવીસ કલાકમાં અડધો ફૂટ વધી
ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ચારેક દિવસથી ભારે વરસાદ નોંધાયો હતો. જેને કારણે ગઈકાલે ઉકાઈ ડેમમાં પાણીના નવા નીર આવ્યા હતા. 11 હજાર ક્યુસેક પાણી આજે બપોરે 12 વાગ્યા સુધી આવ્યું હતું. બાદમાં ક્રમશ: ઘટાડો થયો હતો. પરંતુ ચોવીસ કલાક ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી અડધો ફૂટ જેટલી વધી છે. ગઈકાલે પાણીની આવક શરૂ થઈ તે પહેલા સપાટી 314.62 ફૂટ હતી. આજે ડેમની સપાટી 315 ફૂટ નોંધાઈ છે. અને ડેમમાં પાણીની આવક અને જાવક 800 ક્યુસેક છે.

Most Popular

To Top