Vadodara

આવતીકાલે શનિવાર સાથે જ યોગીની એકાદશીનું વિશેષ મહત્વ

એકાદશી તિથિની શરૂઆત સવારે 07:20 થી થશે જે રવિવારે વહેલી સવારના ક.04:29 કલાક સુધી રહેશે

(પ્રતિનિધિ) વડોદરા તા. 20

કાલે વિક્રમ સવંત 2081 ને તા.21 જૂન,2025 શનિવાર જેઠ વદ એકાદશી એટલે યોગીની એકાદશી છે. આ એકાદશી નું વિશેષ મહત્વ આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે. આ દિવસે ઇષ્ટદેવ અને ઠાકોરજીને સાકર ધરાવવાનું વિશેષ મહત્વ હોય છે સાથે જ આજે પૂજનનું પણ ખાસ મહત્વ છે.

કાલે શનિવાર જેઠ વદ એકાદશી આ દિવસે યોગીની એકાદશી છે. શનિવારે એકાદશી તિથિની શરૂઆત સવારે ક. 07:23 થી થશે જે રવિવારે વહેલી સવારના ક.04:29 સુધી રહેશે. જ્યોતિષાચાર્ય વિજય શાસ્ત્રીજીના જણાવ્યા અનુસાર,એકાદશીઓમા યોગિની એકાદશીનું વ્રત કરવાથી વિષ્ણુપદની પ્રાપ્તિ થાય છે.યોગિની એકાદશી વ્રત કરવાથી ભગવાનનું સામિપ્ય પ્રાપ્ત થાય છે. યોગિની એકાદશી એ શક્ય હોય તો શ્રધ્ધાળુઓએ પ્રવાહી વસ્તુથી અથવાતો ફળાહાર રહીને વ્રત કરવું જોઈએ. શનિવારે સવારે 07:23 થી સાંજના 8:30 સુધી વિષ્ણુ પૂજન કરવું,લક્ષ્મીપૂજન, ભગવાન સત્યનારાયણની કથા,એકાદશીની વ્રત કથા કરવી જોઈએ.ગાયોને ઘાસચારો આપવો,બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા વિષ્ણુસહસ્ત્ર નામાવલીના પાઠ કરવા. યોગિની એકાદશી શનિવારે હોવાથી પીપળાનું પૂજન કરવું જોઈએ પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો,દૂધ અને કાળા તલ ચઢાવવાથી પિતૃદોષમાથી રાહત મળે છે.એકાદશીના આ દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામાવલીના પાઠ કરવાથી વિશેષ ધનયોગની પ્રાપ્તિ થાય છે.જે જાતકોની જન્મકુંડળીમાં કે ગોચરના ગ્રહો પ્રમાણે શનિની પનોતી ચાલતી હોય તેવી વ્યક્તિઓએ એકાદશીનું વ્રત કરી ગાયના દૂધ અને કાળા તલથી વિષ્ણુ પૂજન, અભિષેક કરવું તથા પીપળાના થડ પાસે સરસવના તેલનો દીવો કરી દૂધ અને કાળા તલ ચઢાવવાથી શનિ પિડા અને શનિની પનોતીમા રાહત મળે છે.

જ્યોતિષના નિયમ પ્રમાણે, પંચાંગ પ્રમાણે એકાદશી તિથિ બારસના દિવસે વહેલી સવારે 56 ઘડીથી વધારે હોય તો વૈષ્ણવો એટલે કે જે લોકોના ઘરમાં કૃષ્ણ ભગવાન પુષ્ટાવેલા હોય છે એકાદશી બારસના દિવસે કરવી તેઓ નિયમ છે. બીજા ઘણા એવા સંપ્રદાય છે કે જેમાં પણ એકાદશીનો નિર્ણય બારસના દિવસે ગણવામાં આવે છે.શિવપંથીની યોગીની એકાદશી શનિવારે છે જ્યારે વૈષ્ણવ પંથીની યોગીની એકાદશી રવિવારે છે. જીવનમાં જ્ઞાન,વિદ્યા અને યોગનું મહત્વ સૌથી વધારે અને ખાસ છે. જેનાથી સંયમ રાખી શકાય છે. આ દિવસે ભગવાનને સાકર ધરાવવાનું વિશેષ મહત્વ વધારે છે.

યોગીની અકાદશીનું પૂજન

સવારે વહેલાં ઊઠી સ્નાન ઇત્યાદિ કરી અને પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરવા એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને તેનાં ઉપર ચોખા રાખી ભગવાન વિષ્ણુની છબી પધરાવી બાજુમાં ઘીનો દિવો કરી ત્યારબાદ ભગવાનને ચાંદલો, ચોખા, ફુલ છબી ઉપર પધરાવવુ. અને અબીલ ગુલાલ પધરાવી અને ભગવાનને ઘૂપ બત્તી અર્પણ કરવી. નૈવેદ્યમાં સાકર ખાસ ઘરવી. આરતી કરી અને ભગવાનની ક્ષમાયાચના માંગવી. ત્યારબાદ, યોગીની એકાદશીની કથા વાંચવી અને પછી શિવજીનાં મંદિરે જઈ અને મહાદેવજીને જલાભિષેક કરવો. સાંજે ભગવાનનું કિર્તન કરવું, રાત્રીનાં ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરવું. બપોરે સુવું નહી.

ફળ કથન

યોગીની એકાદશીનું વ્રત કરવાથી કુંડળીમાં જો શની રાહુનો શ્રાપિત દોષ હોય તો તેમાં રાહત થાય છે.ચામડીની બિમારી હોય તો દૂર થાય છે. જીવનનાં બંધનો દૂર થાય છે.

Most Popular

To Top