Dabhoi

ડભોઇમાં વરસાદે વિરામ લેતા છત્રી, પ્લાસ્ટિકની ખરીદી કરવા લોકોનો ધસારો

વરસાદી સાધન સામગ્રી વેચનારા વેપારીઓમાં ખુશી


ડભોઇ : ડભોઇ નગર તેમજ તાલુકામાં ચાલુ વર્ષે વરસાદનું આગમન સમયસર થયું છે.ચોમાસાનો વિધિવત પ્રારંભ છેલ્લા ચાર પાંચ દિવસથી થયો છે. સમયાંતરે વરસાદ દરરોજ પડે છે. ડભોઇ નગરમાં શુક્રવારે વરસાદે બપોર પછી વિરામ લેતા વરસાદી સાધન સામગ્રીની ધરાકી નીકળી હતી. જેના કારણે વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી.તાલુકા અને નગરના લોકો વરસાદ સામે રક્ષણ મેળવવા માટે છત્રી,રેનકોટ અને પ્લાસ્ટિકની ખરીદી કરવા નીકળી પડતા નગરની દુકાનોમાં સારી ઘરાકી જણાઈ આવી હતી. લોખંડના પતરા અને પ્લાસ્ટિકના પતરા વેચતા વેપારીને ત્યાં પણ ખરીદી કરવા અર્થે ગ્રાહકો ઉમટી પડ્યા હતા.
ડભોઇમાં વરસાદી સાધન સામગ્રી વેચનારા વેપારીઓમાં ઉત્સાહ જણાઈ આવતો હતો. વેપારીઓના મુખ પરથી ચિંતા ના વાદળો વિખરાઈ ગયેલા જોઈ શકાતા હતા. આજે ડભોઇ નગરમાં બપોર પછી વરસાદે વિરામ લેતા રેઇનકોટ અને છત્રી વેચનારા વેપારીઓની દુકાનો પર ગ્રાહકો ખરીદી માટે આવતા વેપારીઓની ઘરાકી નીકળતા તેઓના મુખ પર આનંદ છવાયેલો નજરે પડતો હતો. વરસાદને લઈ ડભોઇ નગરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જ્યારે સવાર અને રાત્રે ફરવા નીકળનારા નગરજનોની સંખ્યામાં એકદમ ઘટાડો જોવા મળ્યો હતો. ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હોવાથી લોકોએ ઘરમાં મુકેલી છત્રીઓ રીપેરીંગ કરાવવા માટે અધીરા થઈ પડ્યા હતા. છત્રી રીપેરીંગવાળાને ત્યાં લોકો ઉમટી પડ્યા હતા. તો વળી કેટલાકે નવી છત્રીઓ પણ ખરીદવાની શુભ શરૂઆત કરી હતી. પ્લાસ્ટિક વેચનાર વેપારીઓ ને ત્યાં પણ ઘરાકી જોવા મળી હતી. ડભોઇ નગર અને તાલુકામાં સમયસર ચોમાસાએ જમાવટ કરી હતી.



(

Most Popular

To Top