ઉત્તર કોરિયાએ ગુરુવારે એક નિવેદન બહાર પાડીને ઇરાનને ટેકો આપ્યો હતો અને ઇઝરાયલ પર મિડલ ઈસ્ટમાં સંપૂર્ણ યુદ્ધનું જોખમ વધારવાનો આરોપ લગાવ્યો હતો. સ્ટેટ મીડિયા KCNA એ ઇઝરાયલને ‘કેન્સર જેવું તત્વ’ ગણાવ્યું હતું જે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે જોખમી છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ઝાયોનિસ્ટ દળો અને તેમને ટેકો આપતી પશ્ચિમી શક્તિઓ ખાસ કરીને યુએસ આ યુદ્ધ માટે સંપૂર્ણપણે જવાબદાર છે. આ નિવેદન ઇરાન અને ઉત્તર કોરિયા વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોને પ્રતિબિંબિત કરે છે, જે યુએસ અને પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે લશ્કરી અને પરમાણુ કાર્યક્રમોમાં સહયોગ કરી રહ્યા છે.
ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કરીશુંઃ નેતન્યાહૂ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે નવા અને ખતરનાક વળાંક લીધા છે. ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ખૂબ જ કડક નિવેદન આપતા કહ્યું છે કે તેમના દેશ પાસે ઈરાનના તમામ પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવાની શક્તિ છે અને તે કરશે. જોકે, તેમણે આ સંભવિત કાર્યવાહીની કોઈ સમયરેખા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
ઈઝરાયલનો દાવો છે કે તેણે ‘ઈરાની ધરી’ તોડી નાખી છે. તે લેબનોનમાં હિઝબુલ્લાહ અને સીરિયામાં અસદ સરકારને પાછળ ધકેલવાની વાત કરે છે. તે જ સમયે નેતન્યાહૂએ એ પણ સ્પષ્ટતા કરી કે અમેરિકા તરફથી ‘ગ્રીન સિગ્નલ’ની કોઈ જરૂર નથી પરંતુ તેમને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી સંરક્ષણ સમર્થન મળી રહ્યું છે.
બે અઠવાડિયામાં યુદ્ધમાં જોડાવા અંગે અમેરિકા નિર્ણય લેશે
બીજી તરફ અમેરિકામાં પરિસ્થિતિ અલગ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં નિર્ણય લેશે કે અમેરિકા આ સંઘર્ષમાં સીધું જોડાશે કે નહીં. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે સતત મુલાકાત કરી રહ્યા છે અને કહ્યું છે કે તેઓ રાજદ્વારી માર્ગનો વિકલ્પ ખુલ્લો રાખવા માંગે છે.
આ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ સ્પષ્ટપણે કહ્યું ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો રાખવા દેવામાં આવશે નહીં. ઈરાને પણ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગયા અઠવાડિયે ઇઝરાયલી હવાઈ હુમલામાં તેના ટોચના ગુપ્તચર અધિકારીઓ ગુમાવ્યા બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે નવા ગુપ્તચર વડાની નિમણૂક કરી છે. હવે બ્રિગેડિયર જનરલ માજિદ ખાદમીને આ જવાબદારી સોંપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાએ તેહરાનમાં પોતાનું દૂતાવાસ બંધ કર્યું
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ઈરાનમાં સુરક્ષાની સ્થિતિ એટલી બગડી ગઈ છે કે ઓસ્ટ્રેલિયાએ હવે તેહરાનમાં પોતાનું દૂતાવાસ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગે એડિલેડમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, આ નિર્ણય હળવાશથી લેવામાં આવ્યો નથી, પરંતુ ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
સરકારે ઓસ્ટ્રેલિયન અધિકારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ આપ્યો છે. વોંગના જણાવ્યા અનુસાર, ઈરાનમાં લગભગ 2,000 ઓસ્ટ્રેલિયન નાગરિકો અને તેમના પરિવારો છે જે દેશ છોડવા માંગે છે, જ્યારે 1,200 અન્ય લોકો ઈઝરાયલમાં છે. ઓસ્ટ્રેલિયા પહેલા, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટ્ઝર્લેન્ડે પણ તેહરાનમાં પોતાના દૂતાવાસો અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે.