ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વધુ એક મોટો વિસ્ફોટ થયો છે. આઈડીએફ (ઈઝરાયલી આર્મી) એ પુષ્ટિ આપી છે કે ઈરાને ફરીથી નવી બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. આ પછી, ઈઝરાયલના દક્ષિણ ભાગમાં, ખાસ કરીને બીરશેબા શહેરમાં સતત સાયરન વાગવા લાગ્યા.
તાજેતરના હુમલામાં, ગાવ-યામ નેગેવ એડવાન્સ્ડ ટેક્નોલોજી પાર્ક નજીક એક ઈમારતમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ઘણા વાહનોમાં આગ લાગી હોવાની પુષ્ટિ થઈ છે અને ઈમારતને સ્થળ પરથી ભારે નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિનાશ ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલના સીધા પડવાથી થયો હતો, જેને અટકાવી શકાઈ ન હતી.
અહેવાલો અનુસાર, મિસાઈલ માઈક્રોસોફ્ટની એક ઈમારત પાસે પડી હતી. વિસ્તારમાં ભારે ધુમાડો અને આગના ગોટેગોટા જોવા મળ્યા છે, જ્યારે રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધી, જાનમાલના નુકસાનની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આજે શુક્રવારે સવારે ઈરાને ઇઝરાયલના શહેર બીર્શેબા પર બેલિસ્ટિક મિસાઈલથી એટેક કર્યો હતો. અહેવાલ મુજબ આ મિસાઈલ રહેણાંક વિસ્તારો તથા માઈક્રોસોફ્ટ ઓફિસ પાસે પડી હતી. મિસાઈલ એટેકના લીધે અહીં પાર્ક અનેક કારમાં આગ લાગી હતી. નજીકના ઘરોને પણ નુકસાન થયું હતું. આમાં 5 લોકો ઘાયલ થયા છે.
અહેવાલો અનુસાર, બીરશેબામાં ઈરાની મિસાઈલ પડતા પાંચ લોકો ઘાયલ થયા છે. મિસાઈલ માઈક્રોસોફટની ઓફિસ સહિત ઘણા એપાર્ટમેન્ટ બ્લોક્સ નજીક પડી જેના કારણે નજીકના ઘરોને ભારે નુકસાન થયું. ઘાયલોને શોક વેવ્સ, ધુમાડાથી ગૂંગળામણ, માથામાં ઈજા અને ગંભીર માનસિક તણાવ માટે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ હુમલો ઈઝરાયલના દક્ષિણ વિસ્તારો પર ઈરાની મિસાઈલોના વધતા હુમલાનું નવું ઉદાહરણ છે, જે હવે સામાન્ય રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયું છે.
આ સતત બીજો દિવસ છે જ્યારે બીર્શેબા શહેર પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે પણ ઈરાને બીર્શેબાની એક હોસ્પિટલ પર મિસાઈલ છોડી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઈઝરાયલે ઈરાન પર 120 બોમ્બ ફેંક્યા
ગુરુવારે રાત્રે તેહરાનમાં ઈઝરાયલી સેના (IDF) એ બીજો મોટો હવાઈ હુમલો કર્યો. 60 થી વધુ ફાઇટર જેટ્સે ઈરાનના લશ્કરી સુવિધાઓ, મિસાઈલ ઉત્પાદન એકમો અને પરમાણુ સંશોધન સ્થળોને નિશાન બનાવીને 120 બોમ્બ ફેંક્યા. IDF એ જણાવ્યું હતું કે આ હુમલો ઈરાનના સંરક્ષણ મંત્રાલયના ઔદ્યોગિક કરોડરજ્જુ ગણાતા થાણાઓ પર કેન્દ્રિત હતો. આ સ્થળોએ મિસાઈલ એન્જિન માટે કાચા માલ અને મહત્વપૂર્ણ ભાગોનું ઉત્પાદન કરતા હતા. ઈઝરાયલી સેનાએ પણ પુષ્ટિ આપી હતી કે તેણે ફરીથી SPND પરમાણુ પ્રોજેક્ટના મુખ્ય મથકને નિશાન બનાવ્યું છે – આ તે જ પ્રોજેક્ટ છે જે ઈરાનના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમના પિતા મોહસેન ફખરીઝાદેહે 2011 માં સ્થાપિત કર્યો હતો.