SURAT

સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો મામલે મોટો ખુલાસો, ક્રેડાઈએ કર્યો આ દાવો

સુરત: સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના મુદ્દે મોટો ખુલાસો થયો છે. ક્રેડાઈ સુરત દ્વારા આ મામલે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે, જેમાં એવો દાવો કરાયો છે કે તમામ સંબંધિત સરકારી એજન્સીઓની મંજૂરી બાદ બિલ્ડિંગોનું નિર્માણ થયું છે.

  • કલેકટરને ક્રેડાઈ સુરતની રજૂઆત, જો એનઓસીથી માંડીને બીયુસી લઈને બિલ્ડિંગો બનાવવામાં આવી હોય તો વાંક ઓથોરિટીનો છે
  • જો ટેકનિકલ મુદ્દાઓને ધ્યાને લઈને તેને દૂર કરી દેવામાં આવે તો અડચણરૂપ બિલ્ડિંગો તોડવી પડે તેમ નથી

ગુરુવારે તા. 19 જૂનના રોજ સુરત ક્રેડાઈ દ્વારા પણ કલેકટરને રજૂઆતો કરવામાં આવી હતી. ક્રેડાઈ સુરતે કહ્યું હતું કે, સુરત એરપોર્ટ નજીક આવેલી 28 પ્રોજેક્ટમાં 110 બિલ્ડિંગ્સ અને 1440 ફ્લેટ છે, જ્યાં લગભગ 12,000થી વધુ લોકો 10 વર્ષથી વધુ સમયથી રહે છે.

આ રહીશો તમામ મંજૂરીઓ લઈને કાયદેસર રીતે બિલ્ડિંગમાં રહે છે. તેમણે AAI પાસેથી એરપોર્ટ NOC, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી BUC અને કલેક્ટર પાસેથી મંજૂરીઓ પણ લીધી છે ત્યારે બિલ્ડરો દ્વારા કોઈ જ ભૂલ કરવામાં આવી નથી. જેથી જો કેટલાક ટેકનિકલ મુદ્દાઓને દૂર કરી દેવામાં આવે તો આ નડતરરૂપ બિલ્ડિંગનો પ્રશ્ન દૂર થઈ જાય તેમ છે તેમ સુરતના ક્રેડાઈના શિવલાલ પોંકિયા સહિતના આગેવાનોએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું.

ક્રેડાઈ સુરતે શું શું રજૂઆતો કરી

  • આ કથિત અડચણરૂપ બિલ્ડિંગોને 2007થી 2014 વચ્ચે મળેલા NOC જૂના નિયમો મુજબ હતા, જેમાં GPS/WGS-84 co-ordinates ફરજિયાત ન હતા. 2016માં થયેલા સર્વે પહેલાં બિલ્ડિંગોનો બાંધકામ પૂર્ણ થઈ
    ચૂક્યો હતો અને એ માટેના બધા કાગળો ધોરણ મુજબ છે. 2018થી 615 મીટરનું થ્રેશોલ્ડ ખસેડી દેવાયા પછી પણ વિમાન વ્યવહાર સામાન્ય રહ્યો છે, એટલે સુરક્ષા મુદ્દો વિવાદાસ્પદ નથી.
  • ડીજીસીએ દ્વારા હિયરિંગ કરવામાં આવ્યું ત્યારે પણ તે વાત બહાર આવી હતી કે, તમામ પ્રોજેક્ટોએ AAI અને SMC પાસેથી માન્ય NOC લીધા હતા. DGCAએ સ્પષ્ટ કર્યું કે બિલ્ડિંગ્સના માલિકો સામે કોઈ ઉલ્લંઘન થતું નથી. ખોટા ડેટા કે co-ordinatesના મુદ્દા સરકારની જૂની નીતિ અથવા NOC ઇશ્યુ પ્રક્રિયામાં ખામીઓના પરિણામરૂપ હતા. હકીકતમાં ખોટું NOC અરજી ફોર્મ હતું કે જેમાં RL/AMSL માપવા માટે કોઈ સ્પષ્ટ માપદંડ ન આપ્યો હતો. AAIએ એરપોર્ટ બહારનો કોઈ રિફરન્સ લેવલ નક્કી કર્યો ન હતો. co-ordinates ‘પસંદગી અનુસાર’ હતા, ફરજિયાત ન હતા. તે સમયે NOCનો નકશો ખોટો હતો. રનવે 133 મીટર નજીક લાવવાથી 2.66 મીટરનો અવરોધ સર્જાયો છે.
  • મે 2015 સુધી WGS-84 co-ordinate zoning મેપ પણ નહોતો. નકશામાં ભૂગોળીય જોડાણ ન હતું. જે ભૂલ થઈ છે તેમાં સુરત અને મુંબઈ RHQ ખાતે RL co-ordinates ફરજિયાત ન હતા. નિયમ મુજબ જમીન નંબર અને સ્થળ ચકાસવા દરમિયાન ચૂક. તમામ માહિતી એસટીએમસી નિયમો પ્રમાણે સરખાઈને મંજૂર થયેલી હતી. RL પ્રમાણપત્રમાં co-ordinates અલગ હોવા છતાં કાયદેસર છે.
  • આ સરવે 9 વર્ષ પછી કરાયો છે, પરંતુ નિયમ પ્રમાણે દર 2 વર્ષે સરવે થવો જોઈએ. જે તે સમયે RL માટે જુદા જુદા બેન્ચમાર્ક લેવામાં આવ્યા, પરિણામે 1.68 મીટરનું તફાવત આવ્યો હતો. જગ્યા અને જમીન નંબર ક્રોસ ચેક કરવામાં આવ્યા ન હતા. RL સર્ટિફિકેટ પણ જુદા જુદા સિસ્ટમથી આપેલા હોવાથી વિવાદ થયો.
  • જો હાલના થ્રેશોલ્ડને દિલ્હી એરપોર્ટની જેમ સુરતમાં પણ કાયમી કરવામાં આવે તો સમસ્યા દૂર થઈ શકે તેમ છે. ઉપરાંત ONGC પાઈપલાઇન પર કલ્વર્ટ બનાવી રન-વેને લંબાવી શકાય છે. પશ્ચિમ તરફ R 04 પર નવો રન-વે બનાવી શકાય છે. જો 615 મીટર રન વે બાદ કરવામાં આવે તો કુલ 3810 મીટરના રનવેમાંથી 2195 મીટર રહે છે, જે મુંબઈ કે દિલ્હી જેટલો પૂરતો છે.

એરપોર્ટ ઓથોરિટીની સૂચના મુજબ અમે કામ કરીશુંઃ કલેક્ટર
જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે, અત્યારે જે નડતરરૂપ બિલ્ડિંગો છે તે પૈકીની મોટાભાગની બિલ્ડિંગોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી તે અંગે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. અન્ય જે બિલ્ડિંગો છે તે અંગે પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને સૂચના આપવામાં આવશે તે મુજબ અમે કામ કરીશું. એરપોર્ટ ઓથોરિટી નિયમ મુજબ જે બિલ્ડિંગ નડતરરૂપ હશે તે બિલ્ડીંગ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જે ઝીંગા તળાવો ગેરકાયદેસર છે, ત્યાં પણ અમે ખૂબ મોટા પ્રમાણમાં તેને તોડી પાડીને જમીન ખુલી કરાવી દીધી છે.

રન વેના થ્રેશોલ્ડને કાયમી ધોરણે ઘટાડવામાં આવે તો ક્યારેય મોટા વિમાનો ઉતરી શકશે નહીં
ક્રેડાઈ સુરતે કલેકટરને કરેલી રજૂઆતમાં એ મુદ્દો સાચો છે કે બિલ્ડરોએ એરપોર્ટ ઓથોરિટીની NOCથી માંડીને મનપા સુધી તમામની મંજૂરીઓ લઈને જ બિલ્ડિંગો બાંધી છે. જેથી આ માટે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ જ જવાબદાર છે, જો ભવિષ્યમાં આ બિલ્ડિંગોમાં પણ ડિમોલિશન કરવાનું હોય તો તે માટે જે તે બિલ્ડર કે ફ્લેટધારકોને સરકારે વળતર ચૂકવવું જોઈએ.

જોકે ક્રેડાઈ સુરત દ્વારા રન વેનો થ્રેશોલ્ડ ઘટાડવાનો જે મુદ્દો રજૂ કરાયો છે તે ખોટો છે. કારણ કે થ્રેશોલ્ડ ઘટાડવામાં આવે તો મોટા વિમાનો સુરતમાં ઉતરી શકે તેમ નથી. સુરતમાં દિલ્હીની જેમ બે રન વે નથી. ઉપરાંત 60 મીટરના રન વે પણ નથી. થ્રેશોલ્ડ ઘટાડવાથી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને ખરેખર ઈન્ટરનેશનલ બનાવવામાં મુશ્કેલીઓ પડે તેમ છે.

Most Popular

To Top