Comments

એક સ્ત્રી ગુનેગાર અને સાક્ષાત્ થતી સામાજિક માનસિકતા

સોનમ રઘુવંશીનું નામ ઘરે ઘરે રમતું થઇ ગયું છે. હનીમુન પર મેઘાલય લઇ જઈને આયોજનપૂર્વક પોતાના પતિની જઘન્ય હત્યા કરાવી હોવાનો એના પર આરોપ છે. આ સનસનીખેજ ઘટનાની ચર્ચા ચાના ગલ્લેથી લઈને સોશ્યલ મિડિયાની કૂથલી સુધી છવાયેલી છે. વિશ્વાસઘાતની આ ઘટનામાં રોમાન્સ પણ છે અને સાથે વ્યક્તિની આકાંક્ષાની સામે પડકાર બનીને ઊભેલો જાતિ – જ્ઞાતિમાં અટવાતો રૂઢિવાદી વિચાર પણ છે જેણે હનીમુનને એક પ્રેમકથાને બદલે દુ:ખદ હત્યાકાંડમાં ફેરવી નાખ્યો.

જેટલી આ ઘટના કંપાવનારી છે એટલી જ એની સામે ઊભી થયેલી પ્રતિક્રિયા અકળાવનારી છે. સમાજમાં ઊંડે સુધી ખૂંપેલાં સ્ત્રીવિરોધી વલણ ફરી ઉભરાઈને બહાર આવ્યાં છે, જાણે આવી જ કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યા હોય! પુરુષ પોતાની પત્ની સાથે ઘાતકી વર્તન કરે તો એક વ્યક્તિની  હિંસક મનોવૃત્તિની વાત થાય પણ જ્યારે સ્ત્રીમાં હિંસક વલણ દેખાય તો “સ્ત્રીઓને આજકાલ થઇ શું ગયું છે” કહી સમગ્ર સ્ત્રી જાતિ સામે આંગળી ચિંધાય! આંકડા કહે છે કે લગભગ ૩૨ ટકા પરિણીત મહિલા ઘરેલું હિંસાનો શિકાર બને છે તેમ છતાં લગ્ન તો કરવા એ સ્ત્રીઓની જિંદગીનું પ્રાથમિક ધ્યેય ગણાતી માન્યતામાં તો કોઈ ફરક નથી પડ્યો!  જ્યારે એક સોનમ ઘાતકી બની તો સોશ્યલ મિડિયા પર મીમ્સ બનવા લાગ્યાં કે જાણે હવે પુરુષો લગ્ન કરતાં ગભરાય છે! 

આ ચર્ચામાં સૌથી પહેલું નિશાન સધાય છે સ્ત્રીના અધિકારની તરફેણ કરતા વિચાર – ફેમીનીઝમની સામે. “ ફેમીનીઝમે સ્ત્રીઓના મગજ બગાડી નાખ્યા છે. એને કારણે જ આવા કિસ્સા બને છે. પત્ની પતિને મારતાં ખંચકાતી નથી.” જેવા ઉદ્દગારોએ ચર્ચાનો સૂર પકડ્યો છે. સ્ત્રીઓને ‘છૂટ’ મળવી જ ના જોઈએ એવા સરળ ઉપાયોની હિમાયત કરવામાં આવી રહી છે. સોશ્યલ મિડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં એક ડોકટર ભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે છોકરીઓના અઢારથી વીસ વર્ષની વયે લગ્ન કરાવી લેવાથી મોટા ભાગના સામાજિક પ્રશ્નો હાલ થઇ જશે. નાની ઉંમરની છોકરી નવા કુટુંબના માહોલમાં સરળતાથી ગોઠવાઈ જાય તો પ્રશ્ન હલ થઇ જાય! આ જે ઉપાયો સૂચવવામાં આવે છે એ સ્પષ્ટ રીતે સ્ત્રીઓની પારંપરિક ભૂમિકામાં બંધ બેસે એવા છે. જેમાં સ્ત્રીઓનાં મન, શરીર, કારકિર્દી કે આકાંક્ષાઓ પર સામાજિક નિયંત્રણની વાત છે, જેનાં મૂળિયાં પુરુષપ્રધાન વ્યવસ્થામાં છે.  

બીજું નિશાન સધાય છે સ્ત્રીઓને અધિકાર અને રક્ષણ આપતા કાયદાઓ સામે. આ કાયદાઓ પુરુષપ્રધાન વ્યવસ્થા સામે સ્ત્રીને રક્ષણ આપે છે પણ તે પુરુષ વિરોધી નથી. સોનમ કે એના જેવા છૂટાછવાયા કિસ્સાને કારણે અનેક સંઘર્ષ પછી સ્ત્રીઓને મળેલા થોડા ઘણા અધિકારોની સામે મોરચો ગોઠવાઈ જાય છે.  સ્ત્રીઓ કાયદાનો દુરુપયોગ કરી રહી છે અને હવે જાણે પુરુષો માટે જીવવું અઘરું બની ગયું હોય એવી દલીલ જોર પકડવા લાગે છે. તેમનો વાંધો સોનમ જેવી કથિત ગુનેગાર કરતાં પણ  સ્ત્રીઓના અધિકારો માટે ઊભી થયેલી સામાજિક ચળવળ સામે વધારે હોય એવું દેખાય છે.

કોઈ પણ હત્યાનો કોઈ પણ સંજોગોમાં બચાવ ના જ હોય એમ સોનમે કરેલી એના પતિની હત્યાનો પણ નથી. જો સોનમે એના પતિની હત્યા કરાવી હોય તો દેશના કાયદા પ્રમાણે એને સજા થવી જોઈએ. પણ, સોનમે આવું આત્યંતિક કૃત્ય કેમ કર્યું એ જાણવું જરૂરી છે. એના બચાવમાં એની સજા ઘટાડવા માટે નહિ પણ કારણ જાણવાથી સમાજ એવી વ્યવસ્થા ગોઠવી શકે જેનાથી ભવિષ્યમાં આવા ગુનાની શક્યતા ઘટાડી શકાય.  એનો જવાબ શોધવામાં મિડિયા/ સોશ્યલ મિડિયા ફેમીનીસમની નકારાત્મક આડ અસર ગણે છે.

પણ, આ સાથે આ કેસની જે વિગતો બહાર આવી છે એ પ્રમાણે કુટુંબ અને સમાજ સામે સોનમે કરેલા વિદ્રોહ પ્રદર્શનનું પણ એક પાસું છે. પોતાના પ્રેમી સાથે પોતાની મરજી મુજબ લગ્ન ન કરવા દઈ એની ઈચ્છા વિરુદ્ધ એનાં લગ્ન રાજા સાથે ગોઠવાયાં. એનો પ્રેમી એમની ફેકટરીમાં કામ કરતો હતો અને બીજી  જ્ઞાતિનો હોવાને કારણે કુટુંબે સોનમને એ લગ્નની મંજૂરી ના આપી. જો આ વાત સાચી હોય તો હનીમુન પર થયેલી હત્યા એ જ્ઞાતિપ્રથા અને પુરુષપ્રધાન વ્યવસ્થામાંથી  ઊભી થયેલી પરિસ્થિતિની પરાકાષ્ઠા જેવી જણાય છે. વર્ગ અને જ્ઞાતિના વાડા આપણા સમાજને હજુ કેટલા ઊંડે સુધી અસર કરે છે.

મરજી વિરુદ્ધનાં લગ્ન જીવન બરબાદ કરે છે. સોનમ વિદ્રોહી મિજાજની હતી એટલે એણે ઘાતકી રસ્તો અપનાવ્યો. એની જગ્યાએ જેમ મોટા ભાગની સ્ત્રી કરે છે એમ  નસીબ સાથે સમાધાન કરનાર સ્ત્રી હોત તો જિંદગીભર ચુમાઈને વિતાવી હોત. કુટુંબની ‘આબરૂ’ સાચવવા સ્ત્રીની પસંદગી અને ઈચ્છાનો બલિ ચડયો હોત, જે આપણા સમાજમાં એટલું તો વ્યાપક છે કે આપણે એને જ યોગ્ય પણ માનીએ છીએ. આજે, એક્વીસમી સદીમાં સ્ત્રીઓને ગૂંગળાવી નાખે એટલા પ્રતિબંધો સામે, લગ્ન જેવા મહત્ત્વના નિર્ણયમાં જબરદસ્તીની હદ સુધી ઊભા થતા સામાજિક દબાણ સામે, તેમજ માણસની ઉચ્ચ-નીચ નક્કી કરતી જ્ઞાતિ પ્રથા સામે ચર્ચા થવી વધારે જરૂરી છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top