કહેવાય છે કે સુરતમાં વસવાટ કરનાર વ્યક્તિ ક્યારે ભૂખે નહીં મરે. તાપી કિનારાના આ શહેરમાં અન્ય શહેર કે રાજ્યમાંથી આવીને વસેલા લોકોની પ્રગતિ જ થાય છે. પાછલા ચાર-પાંચ દાયકામાં શહેરનો વિકાસ પણ આંખે ઉડીને વળગે તેવો થયો છે. દેશ વિદેશમાં સુરત શહેરની નોંધ લેવાય છે.
આજે શહેર વિશ્વભરમાં ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી જેવા ઉપનામોથી ઓળખાતું થયું છે. વળી, સુરત રાજ્યનું પણ આર્થિક પાટનગર ગણાય છે. ત્યારે આ ઉદ્યોગ નગરી સુરત શહેરમાં કોઈ પોતે બેરોજગાર હોવાનું સર્ટિફિકેટ લેવા નીકળે તો એ ખરેખર શરમજનક કહેવાય.
હા, સુરત વિશ્વભરમાં જે ડાયમંડ સિટીના નામથી ઓળખાય છે તે જ શહેરના ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં વર્ષો સુધી હીરા સાથે પોતાની જાત ઘસી નાંખનાર રત્નકલાકારો હવે પોતે બેરોજગાર હોવાનું સર્ટીફિકેટ લેવા નીકળ્યા છે. દુઃખની વાત એ છે કે રત્નકલાકારોને આ બેરોજગારીનું સર્ટિફિકેટ પણ મળી રહ્યું નથી. એક કચેરીથી બીજી કચેરીએ ધક્કાં ખાવા પડી રહ્યાં છે. આખરે આજે આ રત્નકલાકારોના ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને આ મામલે રજૂઆત કરવી પડી છે.
યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાએ કહ્યું કે, હીરાઉદ્યોગમાં મંદીના લીધે બેરોજગાર બનેલા અસરગ્રસ્ત રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાનો લાભ લેવા માટે રત્નકલાકારો ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ ફી સહાય યોજનાનો લાભ લેવા રત્નકલાકારોએ બેરોજગારીનું પ્રમાણપત્ર જમા કરાવવાનું રહે છે. આ પ્રમાણપત્ર સુરત ડાયમંડ એસોસિયેશન આપશે એવું જાહેર થયું હતું પરંતુ હાલ એસોસિએશન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યાં નથી. એસોસિએશન આ જવાબદારી ખાનગી સ્કૂલો ઉપર ઢોળી રહ્યું છે.
બીજી તરફ ખાનગી સ્કૂલો પણ આવા પ્રમાણપત્ર અમારે નહીં તમારે લાવવા પડશે એવા ઉડાઉ જવાબો આપી રહી છે, જેના લીધે રત્નકલાકારો હેરાન થઈ રહ્યાં છે. ભારે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે.
જીલરીયાએ કહ્યું કે, આ મામલે આજે અમે કલેક્ટરને રજૂઆત કરી છે. આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અને યોજનાનો લાભ બેરોજગાર રત્નકલાકારોની સાથે જેના પગાર ઘટીને અડધા થઈ ગયા છે એવા રત્નકલાકારોને મળે તેવી માંગણી કરી છે. હાલ યોજનાના અમલમાં આવી રહેલી અડચણ દૂર કરવાની પણ રજૂઆત કરાઈ છે.