Gujarat

અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલાશે, જાણો તેની પાછળનું કારણ..

અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ગઈ તા. 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 270 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માત કેમ થયો, ટેકઓફ પછી તરત જ પ્લેન કેમ તૂટી પડ્યું તેનું કારણ જાણવા તપાસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે, ત્યારે મોટું અપડેટ સામે આવ્યું છે. આ તપાસનો જેની પર મદાર છે તે બ્લેક બોક્સને પ્લેન ક્રેશમાં બહારથી ભારે નુકસાન થયું છે, જેના લીધે તેની અંદર રેકોર્ડ થયેલો ડેટા મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. આથી આ બ્લેક બોક્સને અમેરિકા મોકલવાનું નક્કી કરાયું છે.

પ્લેનનું બ્લેક બોક્સ હવે તપાસ માટે યુએસ મોકલવામાં આવશે. કારણ કે બ્લેક બોક્સ બહારથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે, તેથી ભારતમાં તેનો ડેટા કાઢવો મુશ્કેલ છે. યુએસ લેબોરેટરીમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR) માંથી ડેટા કાઢવામાં આવશે અને તેને ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) સાથે શેર કરવામાં આવશે. અકસ્માત કેવી રીતે થયો અને તેનું કારણ શું હતું તેની તપાસ કરવામાં આવશે.

બ્લેક બોક્સ તપાસ માટે અમેરિકા લઈ જવામાં આવશે
ભારતમાં તપાસ એજન્સીઓ AI-171 વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવામાં નિષ્ફળ રહી છે, કારણ કે બ્લેક બોક્સ બહારથી ખરાબ રીતે બળી ગયું છે. હવે તેનો ડેટા યુએસ નેશનલ સેફ્ટી ટ્રાન્સપોર્ટ બોર્ડ (NTSB) ની વોશિંગ્ટન લેબોરેટરીમાં કાઢવામાં આવશે. ડેટા કાઢ્યા પછી તે AAIB ને આપવામાં આવશે, જે DGCA થી સ્વતંત્ર નાગરિક ઉડ્ડયન મંત્રાલયની તપાસ એજન્સી છે.

આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર જે દેશમાં અકસ્માત થાય છે, તે દેશ તેની તપાસ કરે છે. જો કે, એક અધિકારીએ જણાવ્યું હતું કે AAIB એ દિલ્હીમાં એક લેબ બનાવી છે, પરંતુ તે હજુ સુધી એટલી આધુનિક નથી કે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત બ્લેક બોક્સના રેકોર્ડરમાંથી ડેટા કાઢી શકે. NTSB ટીમ ભારતીય અધિકારીઓની દેખરેખ હેઠળ બ્લેક બોક્સને તેની લેબમાં લઈ જશે. જે ખાતરી કરશે કે બધા નિયમોનું પાલન થઈ રહ્યું છે. બ્રિટનની હવાઈ અકસ્માત તપાસ શાખા પણ આ તપાસમાં સામેલ થશે, કારણ કે, માર્યા ગયેલાઓમાં 53 બ્રિટિશ નાગરિકો પણ હતા.

વિમાન દુર્ઘટનાની તપાસમાં વિદેશી એજન્સીઓ શા માટે સામેલ થઈ?
ક્રેશ થયેલા વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવામાં મુશ્કેલી પડી રહી હોવાથી, તેને તપાસ માટે અમેરિકા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ આ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે કેટલીક અમેરિકન અને બ્રિટિશ એજન્સીઓ 15 જૂને એટલે કે અકસ્માતના ત્રણ દિવસ પછી અમદાવાદ પહોંચી ગઈ હતી. જેમાં અમેરિકાના નેશનલ સેફ્ટી ટ્રાન્સપોર્ટ બોર્ડ (NTSB) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તેમજ યુનાઇટેડ કિંગડમની સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) ના અધિકારીઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે કે જો અકસ્માત ભારતમાં થયો હતો તો પછી આ વિદેશી તપાસ એજન્સીઓને ભારત આવીને તપાસમાં જોડાવાની જરૂર કેમ પડી?

ખરેખર, આનો જવાબ 78 વર્ષ જૂના કરારમાં છુપાયેલો છે. આ કરારનું નામ શિકાગો કન્વેન્શન છે. તે 1944 માં બનાવવામાં આવ્યું હતું, જ્યારે બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થવાનું હતું. હવે આ કન્વેન્શનના નિયમો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) દ્વારા જોવામાં આવે છે. તે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની એક એજન્સી છે, જેનું કાર્યાલય મોન્ટ્રીયલમાં છે.

ભારત, અમેરિકા અને યુકે સહિત 193 દેશો તેના નિયમોનું પાલન કરવા સંમત થયા છે. તેના મહત્વપૂર્ણ નિયમોમાંનો એક – પરિશિષ્ટ 13 માં વિમાન અકસ્માતોની તપાસ કેવી રીતે કરવામાં આવશે તેની જોગવાઈ છે? પરિશિષ્ટ 13 ના પ્રકરણ 5 માં તપાસની પદ્ધતિ જણાવવામાં આવી છે. હેતુ એક છે, હવાઈ સલામતીમાં સુધારો કરવો અને ભવિષ્યમાં અકસ્માતો અટકાવવાનો.

વિમાન દુર્ઘટનાની તપાસમાં કોણ ભાગ લઈ શકે છે?
નિયમ મુજબ વિમાન દુર્ઘટનાની તપાસ કરવાની જવાબદારી તે દેશની છે જ્યાં તે બને છે. આ ઉપરાંત જે દેશોનો વિમાન સાથે સંબંધ છે તેઓ પણ તપાસમાં સામેલ થઈ શકે છે. આમાં તે દેશનો સમાવેશ થાય છે જ્યાં વિમાન નોંધાયેલું છે, તે દેશ જે ક્રેશ થયેલું વિમાન ઉડાડી રહ્યો હતો, તે દેશ જ્યાં વિમાન ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને તે દેશ જ્યાં વિમાનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટના ભારતમાં થઈ હતી, તેથી તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. વિમાન ભારતીય એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાનું હતું, તેથી ભારત પણ તપાસ માટે જવાબદાર છે. તેનું રજિસ્ટ્રેશન પણ ભારતનું છે. તેના વિમાનો પર VT લખેલું છે, જે ભારતનો નોંધણી નંબર છે. પરંતુ તેની ડિઝાઇન અમેરિકાની છે અને બોઇંગ કંપની પણ અમેરિકન છે.

આ ઉપરાંત AI-171 માં જે એન્જિન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું તે પણ જનરલ ઇલેક્ટ્રિક (GE) દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ પણ એક અમેરિકન કંપની છે. તેથી અમેરિકન તપાસ એજન્સીઓ પણ આ અકસ્માતની તપાસમાં સામેલ છે. વળી, આ અકસ્માતમાં 53 બ્રિટિશ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, તેથી યુકે એજન્સી પણ તેની તપાસમાં સહકાર આપી રહી છે.

વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સની તપાસ શા માટે મહત્વપૂર્ણ છે?
બ્લેક બોક્સમાં બે વસ્તુઓ હોય છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR). FDR પ્લેનની ઊંચાઈ, ગતિ અને સમય જેવી માહિતી રેકોર્ડ કરે છે. CVR કોકપીટમાં થતી વાતચીત અને અવાજો રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સ નારંગી રંગનું હોય છે. તે અકસ્માત દરમિયાન પણ સુરક્ષિત રહે તેવું બનાવાયું છે. તે પ્લેનના પાછળના ભાગમાં ફીટ કરવામાં આવે છે જેથી તેને ઓછામાં ઓછું નુકસાન થાય. સામાન્ય રીતે જ્યારે પ્લેનમાં આગ લાગે છે, ત્યારે બ્લેક બોક્સને વધુ નુકસાન થતું નથી.

AI-171 ના બ્લેક બોક્સમાંથી ડેટા ક્યારે મેળવવામાં આવશે?
એક અધિકારીએ જણાવ્યું હતું કે બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવામાં બે દિવસથી લઈ મહિનાઓ સુધીનો સમય લાગી શકે છે. તે બ્લેક બોક્સને કેટલું નુકસાન થયું છે તેના પર આધાર રાખે છે. તેમણે કહ્યું, રેકોર્ડરને નુકસાન થયું હોવાથી ડેટા સુરક્ષિત રાખવા માટે મેમરી બોર્ડમાંથી ચિપ દૂર કરવી પડશે. ઇલેક્ટ્રોનિક સર્કિટની પણ તપાસ કરવી પડશે.

Most Popular

To Top