ભારતની થઈ રહેલી દુર્દશા પાછળ એક મોટું કારણ જે લોકો સેવાનાં નામ પર નામ, ગરિમા, હોદ્દા તથા અન્ય લોકો પર પ્રભુત્વ મેળવી સત્તા સંપત્તિ અને સર્વસ્વ પ્રાપ્ત કરવું છે. તે બધા કોઈપણ રાજકીય પક્ષની છાયાં હેઠળ પોતાની મનોકામનાં પ્રાપ્ત કરવા દોડે છે. તેમાં તેઓનું કોઈ પણ વિચારધારા સાથે કે પાછલા ઇતિહાસ અથવા આદર્શો વિશે કોઈ ગણકાર રહેતા નથી. બસ આવા લોકો જ દેશનું દેવાળું કાઢી રહ્યા છે. પક્ષપલટા, સત્તા ખેરવી નાંખવી, જાળવી રાખવી કે યેનકેન પ્રકારેણ તેની પાછળ દોડ મૂકવી એ જ આજનાં રાજકારણીઓ કરી રહ્યાં છે.
સ્વાર્થ અને મહત્વાકાંક્ષા પાછળ દેશ કે સમાજ અથવા નાગરિકોનાં હિતોનું સતત બલિદાન આપી રહ્યા છે. ગુજરાતનું રાજકારણ તો એક નર્કાગાર બની ચૂક્યું છે. ગુજરાતની ગરિમા કે જે કેટલાય મહાનુભાવો એ બનાવી હતી તેવા હવે કેમ કોઈ દેખાતા નથી? ગુજરાતની પ્રજા પણ નમાલી બની ચૂકી છે. સંપતિ અને ઐયાશી સિવાય તેઓને બીજું કંઈ દેખાતું નથી. મંદિરો, ભવ્ય ઈમારતો, ઉત્સવો-ઉજવણીઓ દ્વારા લોકોને સાચી રાહ પર લાવી શકાયા નથી. સમાચાર પત્રો, લેખો, મુલ્યાંકનો, વિવરણો, અહેવાલો કે ચર્ચાઓમાં દંભ, ઢોંગ અને ધતિંગ સિવાય તમને બીજું કંઈ દેખાય છે ખરું? સવાલ માત્ર આદિવાસીઓ, દલિત કે લઘુમતીઓનો રહ્યો નથી આખી માનવ જાતનો છે. આ બધાની સામે કમર કસવા માટે તો પ્રત્યેક વ્યક્તિઓએ આપમેળે વિચાર કરી યોગ્ય રાહ અપનાવે તે જ રહેશે.
મુંબઈ – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લોકલ, ગ્લોબલ અને કોસ્મિક: ઝુરાપે ઝૂલો
વિજ્ઞાનની આંગળી પકડીને વિશ્વ એક ગામડું ભલે બની ગયું હોય પણ મારા પાંચ દાયકાના વનભ્રમણમાં માત્ર આર્થિક રીતે વિશ્વગુરુ બની જવામાં મૂળ ધરતી માતા, નદી માતા, ગાય માતા- ડુંગર દેવ, વડદેવ, પીપળાદેવની દશા તો દુર્દશામાં ફેરવાતી જોઈ સાંભળી શકાય છે. એના મૂળમાં મર્યાદા પુરુષોત્તમની વિવેકબુદ્ધિના બદલે વિજ્ઞાનની લાડકી બની ગયેલી કૃત્રિમ બુધ્ધિમત્તા જ છે. એમાં કુદરતી શ્વાસ નહીં કૃત્રિમ શ્વાસ વિશ્વાસી આનંદના બદલે આભાસી આનંદ 2047માં શું કરશે એની તો ગુગલને પણ ક્યાં ખબર છે?
ધરમપુર – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.