Columns

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કૂદી પડવા અમેરિકા તૈયાર છે

અમેરિકા તેના બી-૫૨ બોમ્બરોના કાફલા સાથે તહેરાન પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ ચેતવણી આપી હતી કે ઈઝરાયેલના હુમલાઓમાં અમેરિકા કોઈ પણ હસ્તક્ષેપ કરશે તો ઈરાન અને અમેરિકા વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફાટી નીકળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે જી-૭ની મીટિંગ અધવચ્ચેથી છોડીને વોશિંગ્ટન પાછા ફર્યા તે પછી અટકળો વહેતી થઈ ગઈ છે કે અમેરિકા કંઈક મોટું પરાક્રમ કરવા જઈ રહ્યું છે. ઈઝરાયેલ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યું હતું, પણ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને રોક્યા હોવાનું કહેવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાન ખાલી કરવાની નોટિસ આપી હોવાથી તહેરાનનાં હજારો નાગરિકો શહેર છોડીને જવા તૈયાર થઈ રહ્યાં છે. ભારત સરકારે પણ ભારતનાં નાગરિકોને બચાવવાની તૈયારી રાખવી પડશે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત સાતમા દિવસે યુદ્ધ ચાલુ છે. બુધવારે ઇરાને હાઇપર સોનિક મિસાઇલથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલની અભેદ્ય મનાતી આયર્ન ડોમ સિસ્ટમના ઈરાને ભુક્કા બોલાવી દીધા છે. ઈઝરાયેલના પાટનગર તેલ અવીવમાં આખી રાત આકાશમાંથી મિસાઇલો પડતી રહી હતી. તેલ અવીવના કેટલાક વિસ્તારો ગાઝા પટ્ટી જેવા દેખાઈ રહ્યા છે. ઈઝરાયેલના અધિકારીઓએ લોકોને બંકરોની નજીક રહેવા કહ્યું છે. ઇઝરાયલે ઈરાનના મિસાઇલ લોન્ચર્સને નિશાન બનાવ્યાં છે.

આ ઉપરાંત ઇઝરાયલે તેહરાનમાં ભારે બોમ્બમારો કર્યો છે, જેમાં ૫૮૫ લોકો માર્યા ગયાં છે. ઇઝરાયલે કહ્યું છે કે તેહરાનના હવાઈ ક્ષેત્ર પર તેનું નિયંત્રણ છે અને તે સતત ઈરાનની રાજધાની તહેરાન પર હુમલો કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું છે. અલી ખામેની હત્યાના ડરથી બંકરમાં ચાલ્યા ગયા છે. ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુ પણ સલામત સ્થળે છૂપાઈ ગયા હોવાનું કહેવાય છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવાની ચેતવણી આપતા ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે તેહરાનનાં લોકોએ તાત્કાલિક શહેર ખાલી કરવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી ઈરાનના તેમજ વૈશ્વિક નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.

મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનું દૃશ્ય વધુ ભયાનક બન્યું છે. ઈરાને પણ મૃત્યુની પરવા કર્યા વિના સતત ઈઝરાયેલ પર હુમલાઓ કર્યા છે. દુનિયાએ નેતન્યાહૂના શહેર તેલ અવીવમાં ગાઝાની જેમ ખંડેર ઇમારતોનાં ચિત્રો જોયાં છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની સતત અલ્લાહની દયા પર આધાર રાખીને દુશ્મન દેશ પર વિજય મેળવવા માટે હાકલ કરી રહ્યા છે. જવાબમાં ઈઝરાયેલ ઈરાનનો નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યું છે. તેહરાનથી પશ્ચિમ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

ઘણાં લોકો કેસ્પિયન સમુદ્ર પ્રદેશ તરફ જતાં જોવા મળ્યાં હતાં. તેહરાનમાં પેટ્રોલ પંપ અને ગેસ પર કતારો જોવા મળી હતી. ખાદ્ય પદાર્થોની અછત છે. ડોકટરો અને નર્સોની રજાઓ રદ કરવામાં આવી છે. ઇઝરાયલી હુમલાઓના ભય વચ્ચે હજારો લોકો ઈરાનની રાજધાની છોડીને સુરક્ષિત વિસ્તારોમાં ચાલ્યા ગયા હોવાના અહેવાલો છતાં તેહરાનના કેટલાક ભાગોમાં કેટલાક પ્રકારના વ્યાપાર ચાલુ છે. અંગ્રેજી ભાષાના સમાચાર પ્રકાશન દ્વારા X પર પોસ્ટ કરાયેલા ફોટોમાં લોકો બ્રેડ માટે લાઇનમાં ઊભા રહેતા, કરિયાણું ખરીદતા અને તેહરાનમાં તેમની દૈનિક પ્રવૃત્તિઓ કરતાં જોવા મળે છે.

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ મંગળવારે મોડી રાત્રે ઈઝરાયલ સામે યુદ્ધની ઘોષણા કરી હતી. તેમણે X પર લખ્યું કે યુદ્ધ શરૂ થાય છે. અમે આતંકવાદી ઈઝરાયલને કડક જવાબ આપીશું. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ જાહેરાત પછી ઈરાને ઈઝરાયલ પર ૨૫ મિસાઈલ છોડી હતી. ઈરાની મિડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર ઈરાનની લશ્કરી શાખા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ જણાવ્યું હતું કે બુધવારે સવારે ઈઝરાયેલ પર ફતાહ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ યુદ્ધમાં પહેલી વાર ફતાહ-૧નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફતાહ મિસાઇલ હાયપર સોનિક છે, એટલે કે તે અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપથી ઊડે છે. ઈરાનની ફતાહ મિસાઇલો ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસી ગઈ હતી અને વારંવાર તેમનાં સલામત સ્થળોને નિશાન બનાવ્યાં હતાં.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ ક્ષેત્રમાં અમેરિકન દળોને મજબૂત બનાવવા માટે અમેરિકન સૈન્ય મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ અને અન્ય યુદ્ધ વિમાનો તૈનાત કરી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે તૈનાતીમાં F-16, F-22 અને F-35 ફાઇટર જેટનો સમાવેશ થાય છે. ફાઇટર જેટનો ઉપયોગ ડ્રોન અને પ્રોજેક્ટાઇલ્સને તોડી પાડવા માટે કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જેમાંથી સૌથી વધુ સંભવિત વિકલ્પ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધા સામે અમેરિકાના બંકર-બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો છે, જ્યાં ઈઝરાયેલના પરંપરાગત બોમ્બ પહોંચી શકતા નથી. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને તોડી પાડવો એ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રાથમિકતા છે.

જો કે, આ પહેલી વાર નથી જ્યારે અમેરિકા બે દેશો વચ્ચેના યુદ્ધમાં કૂદી પડ્યું હોય. ૨૫ જૂન ૧૯૫૦ના રોજ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો હતો. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ દક્ષિણ કોરિયાને મદદ કરવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. આ યુદ્ધ ત્રણ વર્ષ સુધી ચાલ્યું, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થયું હતું. ૧૯૫૩માં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા હતા, પરંતુ તે સમયે કોઈ શાંતિ સંધિ થઈ ન હતી. બંને કોરિયા આજે પણ તકનીકી રીતે યુદ્ધમાં છે. ચીન અને અમેરિકા વચ્ચે ક્યારેય સીધું યુદ્ધ થયું નથી, પરંતુ જ્યારે કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કોરિયા બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. અમેરિકાએ કોરિયન યુદ્ધમાં ચીન સામે પણ લડાઈ લડી હતી.

પરંતુ તે ચીન અને અમેરિકા વચ્ચે સીધું યુદ્ધ નહોતું. ૧૯૭૧માં, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમેરિકાએ પોતાનો નૌકાદળનો કાફલો એન્ટરપ્રાઇઝ ભારત વિરુદ્ધ બંગાળની ખાડીમાં મોકલ્યો હતો, પરંતુ અમેરિકાએ જમીન પર સૈન્ય ઊતાર્યું નહીં. ભારત પૂર્વ પાકિસ્તાનને ટેકો આપવા માટે મદદ કરી રહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને તેમના વિદેશ પ્રધાન હેનરી કિસિંજર પાકિસ્તાનની સાથે અને ભારતની વિરુદ્ધ હતા. એટલા માટે અમેરિકાએ પૂર્વ પાકિસ્તાનમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવાના બહાને બંગાળની ખાડીમાં અમેરિકન સૈન્ય મોકલ્યું હતું. આ પગલું ભારતને ડરાવવા માટે હતું. ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ અમેરિકાની પરવા કર્યા વગર પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું.

વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ ઈઝરાયેલ પાસે હવે એરો ઇન્ટરસેપ્ટર મિસાઇલોની અછત છે. આ ઇન્ટરસેપ્ટર્સને ઈરાન જેવાં સ્થળોએથી આવતી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અહેવાલમાં એક અમેરિકન અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અમેરિકા ઘણા મહિનાઓથી આ સમસ્યાથી વાકેફ છે. હવે તે ઈઝરાયેલને સુરક્ષિત રાખવા માટે જમીન, સમુદ્ર અને હવામાં પોતાની લશ્કરી હાજરી વધારી રહ્યું છે. ઇઝરાયલે ઈરાન કરતાં ઈરાન પર પાંચ ગણા વધુ હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન થિંક ટેન્ક અનુસાર ૧૩ જૂને ઇઝરાયલે ઈરાન પર હુમલો શરૂ કર્યો ત્યારથી ઇઝરાયલી સેનાએ ઈરાન પર ૧૯૭ હવાઈ હુમલાઓ નોંધાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ઇરાને ઈઝરાયેલ પર ૩૯ બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓ અથવા અવરોધોની પુષ્ટિ કરી છે.

ગયા અઠવાડિયે જ્યારે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો ત્યારે રશિયાએ તેની ટીકા કરી હતી અને તેને ખતરનાક ગણાવ્યું હતું. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષથી રશિયાને ફાયદો થઈ શકે છે. જો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બનશે તો તેલના ભાવ વધશે, જેનાથી રશિયાને વધુ આવક થશે. આ ઉપરાંત વિશ્વનું ધ્યાન યુક્રેન યુદ્ધ પરથી હટશે, જે રશિયા માટે ફાયદાકારક છે. જો કે રશિયા યુદ્ધ પર તીક્ષ્ણ નજર રાખીને જોઈ રહ્યું છે.   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top