અમદાવાદમાં 12 જૂને થયેલા વિમાન દુર્ઘટનાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોસ્ટેલની ઇમારતના ત્રીજા અને ચોથા માળેથી કૂદકો મારતા જોવા મળી રહ્યા છે. એર ઇન્ડિયાનું વિમાન મેસની ઇમારતમાં ક્રેશ થયું હતું. તેની અસર મેસની આસપાસની હોસ્ટેલની ઇમારત પર પણ અનુભવાઈ હતી. હોસ્ટેલની ઘણી ઇમારતોમાં આગ લાગી હતી. જેને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ આ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો.
વીડિયોમાં જોવા મળે છે કે જે ઇમારતની બાલ્કનીમાંથી વિદ્યાર્થીઓ નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ઇમારત બંને બાજુ આગમાં સપડાયેલી છે. ચારે બાજુથી ધુમાડો નિકળી રહ્યો છે. બાજુની બિલ્ડિંગમાં આગ ભભૂકી રહી છે. તેવામાં પોતાનો જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ચાદરની મદદથી ત્રીજા માળેથી બીજા માળે અને ત્યારબાદ પહેલા માળે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દુર્ઘટના પછી હોસ્ટેલની ઘણી ઇમારતોમાં આગ લાગી ગઈ. આગ જોઈને વચ્ચેની ઇમારતના વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને બાલ્કનીમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો. જોકે વિદ્યાર્થીઓએ સમયસૂચકતા વાપરીને ત્રીજા માળની બાલ્કનીમાંથી ચાદર બાંધી અને તેની મદદથી નીચે આવવાનું યોગ્ય સમજ્યું હતું.
બીજી તરફ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ રમેશ કુમાર ભાલિયાનો બીજો વીડિયો સામે આવ્યો છે. આમાં રમેશ અકસ્માત સ્થળ પરથી બહાર આવતો દેખાય છે. તેની પાછળ વિમાનની આગ ભભૂકી રહી લાગી છે અને તે ચાલીને બહાર આવતો દેખાય છે.
અકસ્માત સ્થળ પર હાજર લોકો તેને જોયા પછી બૂમો પાડી રહ્યા છે. રમેશ તેનો ફોન હાથમાં પકડીને ચાલતો બીજે મેડિકલ હોસ્ટેલના કેમ્પસમાંથી બહાર આવે છે. અંતે એક વ્યક્તિ તેને પકડીને એમ્બ્યુલન્સ સુધી લઈ જાય છે. અગાઉ અકસ્માતના દિવસે 12 જૂને એક વીડિયો સામે આવ્યો હતો. તેમાં પણ રમેશ પોતે અકસ્માત સ્થળ પરથી બહાર આવતો જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ઘા હતા અને તે લંગડાતો જોવા મળ્યો હતો.
https://twitter.com/kathiyawadiii/status/1934485610896806207
જણાવી દઈએ કે 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787 ડ્રીમલાઇનર પ્લેન) બપોરે 1.40 વાગ્યે ક્રેશ થઈ ગઈ હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. 241 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ફક્ત રમેશ બચી ગયો હતો. આ સિવાય 5 ડોકટરો સહિત 30 વધુ લોકો માર્યા ગયા હતા.