SURAT

સરથાણા હિટ એન્ડ રનના CCTV આવ્યા સામેઃ કાર ચાલકે રત્નકલાકારને અડફેટે લઈ 20 ફૂટ ઢસડ્યો

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. રોડની સાઈડ પર બાઈક લઈ ઉભેલા રત્નકલાકારને અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈ 20 ફૂટ સુધી ઢસડી તેના માથે કાર ચઢાવી દીધી હતી. આ ભયંકર અકસ્માતમાં નિર્દોષ રત્નકલાકારનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સરથાણા જકાતનાકા પાસે આવેલી અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક લઈ ઉભેલા રત્નકલાકારને કાર ચાલકે ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બનતા ચકાર મચી ગઈ છે. અકસ્માતનો ભોગ બનેલો મૂળ અમરેલીના સાવરકુંડલાનો વતની રત્નકલાકાર રાજેશ બાવચંદભાઈ ઉકાણી (ઉં.વ. 39) લાંબા સમયથી સુરતના યોગીચોક ખાતે આવેલી યોગીધારા સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. રત્નકલાકાર તરીકે હીરાના કારખાનામાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો.
સોમવારે તા. 16 જૂનની સાંજે રાજેશ પોતાની બાઈક પર સરથાણા વિસ્તારમાં આવેલા નિર્મળ નગરના મંડળમાં પૈસા ભરવા જતો હતો, ત્યારે અતિથિ રેસ્ટોરન્ટ સામે તે અકસ્માતનો ભોગ બન્યો હતો.

તે બાઈક લઈ ઉભો હતો ત્યારે પાછળથી ફૂલસ્પીડમાં દોડતી કારના ચાલકે ટક્કર મારી તેની ઉપરથી કાર ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં બાઈક સાથે રાજેશભાઈ ફંગોળાયા હતા અને કાર નીચે ફસાઈ જતા 20 ફૂટ ઢસડાયા હતા. કાર તેમના શરીર પરથી પસાર થઈ ગઈ હતી.

અકસ્માતને પગલે આસપાસમાં લોકો ભેગા થઈ ગયા હતા. કાર ચાલક ભાગી ગયો હતો. લોકોએ સારવાર માટે ઈજાગ્રસ્ત રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ મેળવી કાર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top