અમેરિકાની બોઈંગ કંપની માટે અમદાવાદની વિમાન દુર્ઘટના દુકાળમાં અધિક માસ જેવી આપત્તિ છે. અકસ્માતનો ભોગ બનેલું એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર 12 વર્ષ પહેલાં સેવામાં આવ્યું હતું. બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરનો આ પહેલો અકસ્માત છે. ગયા મહિને જ ૭૮૭ ડ્રીમલાઇનરે ૧૦૦ કરોડથી વધુ મુસાફરોને વહન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ વિમાને અકસ્માત પહેલા ૮,૦૦૦ થી વધુ ટેક-ઓફ અને લેન્ડિંગ કર્યું હતું. અત્યાર સુધી ડ્રીમલાઈનરની સુવિધાઓ બાબતમાં થોકબંધ ફરિયાદો મળી હતી, પણ સલામતી બાબતમાં તેનો રેકોર્ડ અણિશુદ્ધ હતો. હવે પહેલી વખત ડ્રીમલાઈનર ક્રેશ થતાં બોઈંગ કંપની દબાણમાં આવી ગઈ છે.
આ અકસ્માત પછી બજારો બંધ થયા ત્યારે બોઇંગના શેરમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો. અમદાવાદમાં થયેલી આ દુર્ઘટનાથી માત્ર બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનના સલામતી રેકોર્ડને જ કલંકિત થયો નથી, પરંતુ તે બોઇંગ માટે પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે, જે પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે બોઇંગ વિમાન અકસ્માતોને કારણે સમાચારમાં આવ્યું હોય. ૨૦૧૮ અને ૨૦૧૯માં ઇન્ડોનેશિયા અને ઇથોપિયામાં બોઇંગ વિમાનો ક્રેશ થયાં હતાં અને આ અકસ્માતોમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા. તે સમયે બોઇંગ ૭૩૭ મેક્સ અકસ્માતોનો ભોગ બન્યું હતું. તે અકસ્માતો સોફ્ટવેરની ખામીઓને કારણે થયા હતા અને તે મોડેલના વિમાનોને ૧૮ મહિના માટે વિશ્વભરમાં ગ્રાઉન્ડેડ કરવા પડ્યા હતા. ગયા વર્ષે અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ દરમિયાન બોઇંગ વિમાનનો દરવાજો હવામાં જ ઉડી ગયો હતો.
આ અકસ્માતમાં વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર પાછું ફરવામાં સફળ રહ્યું હતું અને કોઈનું મોત થયું ન હતું, પરંતુ કંપનીને ૧૬ કરોડ ડૉલરનું વળતર ચૂકવવાની ફરજ પડી હતી. ૭૩૭ મેક્સ ક્રેશ બાદ ફ્લાઇટો બંધ થવાના પરિણામે થયેલા નાણાંકીય નુકસાનની ભરપાઈ કરવા માટે બોઈંગે સાઉથવેસ્ટ એરલાઇન્સને ૪૨.૮ કરોડ ડૉલર ચૂકવવા પડ્યા હતા. બોઇંગ ઘણાં વર્ષોથી વિવાદો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ગયાં વર્ષે કંપનીને દર મહિને એક અબજ ડૉલરનું નુકસાન થયું હતું. આ અકસ્માતે બોઇંગ માટે મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
બોઇંગ માટે સમસ્યાઓ ફક્ત નાણાંકીય નથી. વિમાનોની સલામતી અંગે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો વધુ ગંભીર છે. ૨૦૧૯માં બોઇંગના કર્મચારી જોન બર્નેટએ જણાવ્યું હતું કે દબાણ હેઠળ કામ કરતા કામદારો ઇરાદાપૂર્વક વિમાનોમાં નોન સ્ટાન્ડર્ડ સ્પેર પાર્ટો સ્થાપિત કરી રહ્યા હતા. બોઇંગના ક્વોલિટી કંટ્રોલ મેનેજર તરીકે ૩૨ વર્ષ સુધી કામ કરનારા જોન બર્નેટ માર્ચ ૨૦૧૭માં સ્વાસ્થ્યના કારણોસર નિવૃત્ત થયા હતા. બોઇંગ સાથે સંકળાયેલા એન્જિનિયર સેમ સાલેહપોરે પણ બોઇંગ સંબંધિત કેટલીક માહિતી જાહેર કરી હતી અને અમેરિકન રાજકારણીઓને કહ્યું હતું કે બોઇંગે તેમને ધમકી આપી હતી અને હેરાન કર્યા હતા.
સેમ સાલેહપુરે બોઇંગ વિમાનની સુરક્ષા સાથે ચેડા કરવાના દાવા પણ કર્યા હતા. આ પછી ઘણા ઇજનેરો અને કર્મચારીઓએ ખુલાસો કર્યો કે કંપની પર ઝડપી ગતિએ ઉત્પાદન કરવાનું દબાણ હતું. સલામતી તપાસને ઘણીવાર અવગણવામાં આવતી હતી. નબળા ભાગો અને પ્રક્રિયાઓ જાણી જોઈને છુપાવવામાં આવી હતી. જોન બાર્નેટ અને જોશુઆ ડીન શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. માર્ચ ૨૦૨૪માં જોન બાર્નેટ એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી, પરંતુ તેમના પરિવાર અને હિમાયતીઓએ પ્રશ્નો ઊભા કર્યા હતા. મે ૨૦૨૫માં જોશુઆ ડીનનું પણ એક રહસ્યમય બીમારીથી મૃત્યુ થયું હતું. તેમની તબિયત અચાનક બગડી ગઈ, જેના કારણે ઘણા લોકોને શંકા ગઈ હતી કે તેમને ઝેર આપવામાં આવ્યું છે.
ઇન્ડોનેશિયા અને ઇથોપિયામાં વિમાન અકસ્માતોને કારણે બોઇંગ કાનૂની વિવાદોમાં પણ ફસાયેલું છે. ગયા મહિને જ બોઇંગે અમેરિકાના ન્યાય વિભાગ સાથે સમાધાન કર્યું અને ફોજદારી કાર્યવાહીથી માંડ માંડ બચી ગયું હતું. આનાથી પીડિતોના પરિવારોને ચોક્કસપણે આઘાત લાગ્યો હતો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે બોઇંગે સ્વીકાર્યું છે કે તેણે અમેરિકાની ફેડરલ એરક્રાફ્ટ ઓથોરિટીની તપાસને પ્રભાવિત કરવાનું કાવતરું ઘડ્યું હતું. હવે બોઇંગ ૧.૧ અબજ ડૉલરનું નુકસાન ચૂકવશે. હવે અમદાવાદની દુર્ઘટના પછી બોઇંગ બીજા મોટા સંકટનો સામનો કરી રહ્યું છે અને કંપની માટે તેમાંથી બહાર નીકળવું સરળ રહેશે નહીં.
અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ કેન્દ્ર સરકાર બોઇંગ ડ્રીમલાઇનર ૭૮૭ વિમાનને ગ્રાઉન્ડેડ કરવાનું વિચારી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારતીય અને અમેરિકન એજન્સીઓ આ અંગે વાતચીત કરી રહી છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ વિમાનની ભયંકર દુર્ઘટનાને પગલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ શુક્રવારે વિમાનના કાફલાની સલામતી તપાસ વધારવાનો આદેશ આપ્યો છે. એર ઇન્ડિયાએ શનિવારે જણાવ્યું હતું કે તેણે ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએના નિર્દેશ મુજબ તેણે નવ બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર્સની એક વખતની સલામતી તપાસ પૂર્ણ કરી છે.
એરલાઇને એમ પણ કહ્યું હતું કે તે બાકીના ૨૪ આવાં વિમાનોની તપાસ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. એર ઇન્ડિયા પાસે ૩૩ બોઇંગ ૭૮૭ વિમાન છે. આ સાથે છેલ્લા ૧૫ દિવસમાં બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં વારંવાર આવતી ટેકનિકલ સમસ્યાઓની સમીક્ષા કરવા અને તેને લગતી તમામ જાળવણી કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ભારતમાં ૨૦૧૩ માં બેટરીની સમસ્યાને કારણે એર ઇન્ડિયાને ડ્રીમલાઇનરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તત્કાલીન સરકારી માલિકીની એર ઇન્ડિયાએ પણ તેના ડ્રીમલાઇનર કાફલાની ફ્લાઇટો થોડા સમય માટે બંધ કરવી પડી હતી.
જાપાનમાં ૭૮૭ ડ્રીમલાઇનરમાં બે વાર ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી. જાપાનમાં પાર્ક કરેલા વિમાનની બેટરીમાં આગ લાગી હતી. બીજી એક ઘટનામાં ડ્રીમલાઇનરની બેટરી સિસ્ટમમાં ખામી સર્જાતા વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. અમેરિકન કંપની યુનાઇટેડ એરલાઇન્સના બોઇંગ-૭૮૭ની મુખ્ય બેટરીમાં ખામી સર્જાઈ હતી. આને ધ્યાનમાં રાખીને જાપાન અને અમેરિકાએ તેમની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂક્યો હતો. બોઇંગે બેટરી સિસ્ટમમાં સુધારા કર્યા પછી ડ્રીમલાઇનરને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.
એક સમય હતો જ્યારે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરને ભવિષ્યનું વિમાન કહેવામાં આવતું હતું. તેના હળવા વજન, લાંબા અંતર અને અદ્યતન ટેકનોલોજીને કારણે તેને ઉડ્ડયનની દુનિયામાં ગેમ ચેન્જર માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં આ વિમાન તકનીકી ખામીઓ, સોફ્ટવેર બગ્સ અને બેટરી નિષ્ફળતા જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બન્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં વિશ્વભરમાં બોઇંગ ૭૮૭ વિમાનમાં ખામી સર્જાયાની ઘણી ઘટનાઓ ધ્યાનમાં આવી છે.
આ વર્ષે જ બોઇંગ ૭૮૭ વિમાનમાં એન્જિન, ગિયર્સ, ફ્લૅપ્સ, કેબિન પ્રેશર અને ઊંચાઈમાં ખામી સર્જાયાની પાંચ ઘટનાઓ નોંધાઈ છે. એર ઇન્ડિયા પોતે એક દાયકાથી વધુ સમયથી આ વિમાનમાં ખામીનો અનુભવ કરી રહી છે, જેમાં સૌથી ગંભીર તાજેતરનો ૧૩ ડિસેમ્બર, ૨૦૨૪નો દિવસ હતો. તે દિવસે નવી દિલ્હીથી બર્મિંગહામ જતી વખતે ફ્લાઇટ AI-૧૧૩ એ બર્મિંગહામના રન-વે ૧૫ ઉપર તેના અંતિમ પ્રયાણ દરમિયાન નોઝ ગિયરમાં હાઇડ્રોલિક લીકની જાણ કરી હતી. તેનાં પરિણામે લેન્ડિંગ સમયે વિમાનને ખેંચીને ૨૮ કલાક માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું.
હવે ફરી એકવાર બોઇંગનું નામ એક દુ:ખદ વિમાન અકસ્માત સાથે જોડાયું છે. બોઇંગના સીઈઓ કેલી ઓટબર્ગે મુસાફરો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું હતું કે બોઇંગ અકસ્માતની તપાસમાં મદદ કરશે. બોઇંગે એમ પણ કહ્યું છે કે તે અકસ્માત વિશે વધુ માહિતી એકત્રિત કરવા માટે એર ઇન્ડિયા સાથે મળીને કામ કરી રહ્યું છે. ભારતનો એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ અકસ્માતની તપાસ કરી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.