Charchapatra

પ્રેમાનંદનો ગુજરાતી પ્રેમ

ધર્મસંસ્કારનું સિંચન કરતું ગુજરાતી સાહિત્ય આખ્યાન કાવ્યોના સ્વરૂપે ભક્ત કવિ, ગાયકો દ્વારા ગુજરાતી પ્રજામાં ગૂંજતું હતું ત્યારે દેશની ભાષાઓ સંદર્ભમાં ગુજરાતી ભાષાની સ્થિતિ દયનીય હતી અને ‘‘શું -શા-પૈસા ચાર’’ જેવું અપમાનજનક મૂલ્યાંકન થતું હતું. તેવા સમયે પ્રેમાનંદ જેવા ગુર્જરસપૂત લોકગાયક અને કવિને ગુજરાતી ભાષા પ્રત્યે અધિક પ્રેમ હતો તે કારણે જ્યાં સુધી ગુજરાતી ભાષાને સન્માનનીય સ્થાન નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા તેણે લીધી હતી. જીવનપર્યંત પ્રેમાનંદે વિપુલ પ્રમાણમાં આખ્યાન સાહિત્યસર્જન કરી ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા કરી હતી. સોળમી સદીમાં ત્યારે રસિકજનો આખ્યાનોના સંગીતમય ધર્મસંસ્કાર કાર્યક્રમમાં એકત્રિત થતાં હતાં.

કથાવસ્તુનો રામાયણ, મહાભારત, ભાગવત મોટે ભાગે તેમાં સંદર્ભ રહેતો. આખ્યાન ગાનાર કવિ હાથની આંગળીઓમાં વીંટી જેવી વેઢ પહેરી, નાના મોઢાવાળી તાંબાની મોટી માટલા આકારની ગોળી પર તાલબદ્ધ વાદન સાથે પોતાની રચના પ્રસ્તુત કરતા હતા. સંગીતમય ગાયનથી લોકો મગ્ન થઈ જતા. આવી રજૂઆત કરનાર ‘‘માણભટ્ટ’ કહેવાતા. આજે ધાર્મિકલાલ પંડયા ગુજરાતનું ગૌરવ બન્યા છે. આજે તો આવા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે દૂરદર્શન જેવાં માધ્યમો હાજર છે. અસલ આખ્યાનવાદનને થોડો મોર્ડન રંગ પણ લગાડાયો છે.  સોળમી સદીમાં પ્રેમાનંદે ગુજરાતી ભાષા માટે જે ચિંતા સેવી પરિશ્રમ કરી સાહિત્ય સર્જન કર્યું, તે પ્રેમાદર સાથે અંજલિ આપવા માટે સૌ ગુજરાતી રસિકજનો માટેની પવિત્ર ફરજ જ ગણાય.
ઝાંપાબજાર, સુરત         – યુસુફ એમ.ગુજરાતી

કામિની કૌશલ પાછળ દિલીપકુમાર પાગલ હતા
‘શો-ટાઈમ’ પૂર્તિમાં વિખ્યાત અભિનેત્રી કામિની કૌશલ વિશે જાણવા જેવી વાતો જાણી. કામિની કૌશલ હાલ 98 વર્ષનાં છે અને મુંબઈમાં જ રહે છે. એ અમારા જેવા જૂની ફિલ્મોનાં શોખીનો માટે આનંદના સમાચાર છે. દિલીપકુમાર સાથે કામિની કૌશલના પ્રેમસંબંધો, તે સમયે ઘણા ગાઢ હતા. કામિની કૌશલનાં બહેન અવસાન પામેલાં. એ બહેનને બે સંતાનો હતાં. એમના ઉછેર પાછળ એમણે દિલ્હીમાં એમના બનેવી સાથે રહેવાનું રાખેલું. દિલીપકુમાર સાથે એમણે ચારેક ફિલ્મોમાં અભિનય આપેલો. શહીદ ફિલ્મમાં શહીદ (દિલીપકુમાર)ની અંતિમ યાત્રા નીકળે છે.

તે વખતે શહીદની પ્રેમિકા (કામિની કૌશલ) મકાન ઉપરથી ભૂસ્કો લગાવે છે. દિલીપ-કામિની કૌશલની ફિલ્મો ભલે ઓછી હતી પણ એમની વચ્ચેની મહોબ્બત ગાઢ હતી. તે સમયે દિલ્હીમાં રહેતાં કામિની કૌશલને મળવા માટે દિલીપકુમાર પ્લેન દ્વારા મુંબઈથી દિલ્હી જતા રહેતા હતા. તે વખતે કામિની કૌશલ પાછળ હજારો રૂપિયા દિલીપકુમાર ખર્ચતા હતા. છેવટે દિલીપકુમારને લાગ્યું કે, તેઓ કામિનીને નહિ મેળવી શકે, એટલે ઘનિષ્ઠ સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. ત્યાર બાદ કામિનીએ તો માના રોલમાં ઘણી ફિલ્મો કરી હતી. કામિનીની છૂટા પડ્યા પછી દિલીપકુમાર મધુબાલા સાથે પ્રેમમાં પડ્યા. તે વાત પણ બની નહિ અને 1966માં એમનાથી 22 વર્ષ નાની સાયરાબાનુ સાથે દિલીપકુમાર પરણ્યા અને સુખી થઈ ગયા.
સુરત     – બાબુભાઈ નાઈ

Most Popular

To Top