સુરત: અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નં.AI-171 ૧૨મી જૂને ટેકઓફની માત્ર બે મીનિટમાં દુર્ઘટનાગ્રસ્ત બની, જેમાં ૨૭૫થી વધુ લોકોનું દુઃખદ નિધન થયું હતું. આ ગમખ્વાર દુર્ઘટનામાં વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ-મેસ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ઘટનાએ સુરત એરપોર્ટ ખાતે વિમાનોના લેન્ડિંગ દરમિયાન નડતરરૂપ ગણાતી વેસુની બિલ્ડિંગોના કથિત ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. છેલ્લા આઠ વર્ષથી આ મુદ્દો એરપોર્ટ સુરક્ષા માટે ચિંતાનું કારણ બની રહ્યો છે.
- રપોર્ટ ઓથોરિટીના 2022ના પત્ર અંગે સુરત મનપાની સ્પષ્ટતા, મનપાએ મેનપાવર અને મશીનરી આપવા કોર્ટમાં એફીડેવીટ કરી છે
- એરપોર્ટને નડતરરૂપ વેસુની 6 ઈમારતના ડિમોલીશનની જવાબદારી કલેક્ટરને સોંપાઈ છે: મનપાની ચોખવટ
- કલેક્ટર તંત્ર દ્વારા દોઢ માસ પહેલા પત્ર લખાયો હોવાનો દાવો મનપાના તંત્રએ ખારીજ કર્યો
ત્યારે એરપોર્ટને નડતરરૂપ વેસુની 21 ઇમારતનો કેસ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે, પરંતુ છ ઇમારત માટે કલેકટરાયલ દ્વારા મનપાને દોઢ માસ પહેલા પત્ર લખાયો હોવાના દાવાને મનપાના તંત્ર દ્વારા ખારીજ કરાયો છે. તેમજ આ ઇમારતોમાં જરૂરી ડિમોલિશનની જવાબદારી કલેકટરાયલની હોવાથી મનપા દ્વારા હાઇકોર્ટમાં એવી એૅફીડેવીટ કરાઇ ચૂકી છે, કે કલેકટર જ્યારે ડિમોલીશનના આદેશ આપે ત્યારે મનપા મેન પાવર અને મશીનરી પુરી પાડવા તૈયાર છે. આ પત્રવ્યવહાર 2022માં થયો હતો, ત્યારબાદ કોઇ પત્ર કલેકટરાલય તરફથી નહીં આવ્યો હોવાનું મનપાનું તંત્ર જણાવી રહ્યું છે.
મનપાને 2022માં એરપોર્ટ ઓથોરીટીએ કલેકટરને લખેલા પત્રની નકલ મોકલી હતી, જેની જાણ 25 જુલાઇ સપ્ટેમ્બર 2022ના રોજ કલેકટરને કરાઇ હતી
સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જણાવાયું છે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (DCR)ના નિયમોના આધારે વેસુ વિસ્તારમાં બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગોમાં બાંધકામ પૂર્ણ થયા બાદ વસવાટ પણ શરૂ થઈ ગયો છે.
જો કે, એરપોર્ટ ઓથોરિટીના સરવે મુજબ, વેસુમાં વિમાનના લેન્ડિંગમાં નડતરરૂપ ગણાતા કુલ ૨૭ પ્રોજેક્ટમાંથી ૨૧ પ્રોજેક્ટના ડેવલપરો અને સ્થાનિક એસોસિએશનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. બાકીના ૬ પ્રોજેક્ટના નડતરરૂપ બાંધકામો દૂર કરવા માટે AAIએ ૨૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો, જેની નકલ મનપા કમિશનરને પણ મોકલવામાં આવી હતી. મનપા કમિશનરે સપ્ટેમ્બર ૨૦૨૨માં જિલ્લા કલેક્ટરને આ પત્ર અંગે જાણ કરી હતી, પરંતુ જિલ્લા કલેક્ટર તરફથી મનપાને આ અંગે કોઈ સત્તાવાર પત્ર કે સૂચના મળી નથી.
AAIએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના આદેશ મુજબ નડતરરૂપ બાંધકામો દૂર કરવાની જવાબદારી જિલ્લા કલેક્ટરને સોંપી હતી. મનપાએ હાઈકોર્ટમાં એફિડેવિટ દ્વારા જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરની સૂચના મળે તો તે મેનપાવર અને મશીનરી દ્વારા નડતરરૂપ બાંધકામો દૂર કરવામાં મદદ કરશે. જો કે, ૬ પ્રોજેક્ટના બાંધકામો દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરે મનપાને કોઈ પત્ર મોકલ્યો નથી, જેના કારણે આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવાયા નથી તેવુ મનપાનું તંત્ર જણાવી રહ્યું છે.
તકેદારી આયોગમાં લખેલા રીમાઇન્ડરનો પત્ર કલેકટરે ફેબ્રુઆરીમાં મોકલ્યો છે, જેમાં ડિમોલીશનનો આદેશ નથી
મનપાના તંત્ર દ્વારા એવી પણ ચોખવટ કરાઇ છે કે, એરપોર્ટને નડતરરૂપ ઇમારતો બાબતે ફરિયાદ કરનારા આરટીઆઇ એક્ટિવીસ્ટ વિશ્વાસ ભાંભુરકર દ્વારા 2025ની શરૂઆતમાં આ મુદ્દે કોઇ કાર્યવાહી નહીં થઇ હોવાનો રીમાઇન્ડર તકેદારી આયોગમાં લખાયો હતો, તેથી તકેદારી આયોગે આ રીમાઇન્ડરનો જવાબ માંગતો પત્ર કલેકટરને લખ્યો હતો અને એ મુદ્દે કલેકટરે ફેબ્રુઆરી માસમાં મનપાને પત્ર લખ્યો હતો. જો કે ડિમોલીશનની જવાબદારી કલેકટરની છે અને ફેબ્રુઆરીના પત્રમાં ડિમોલીશન માટે મનપાને મેનપાવર કે મશીનરી માટે કોઇ આદેશ કરાયો નથી.