વડોદરા તા.14
અમદાવાદ હેડ ક્વાર્ટર ખાતે ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને સોનાના દાગીના તથા લગડી આપવાનું કહીને ડુપ્લીકેટ વસ્તુઓ પધરાવી તેમની પાસેથી રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા. દીકરીના લગ્ન માટે રૂપિયાની જરૂર છે,તેમ કહીને દાગીના પધરાવી છેતરપિંડી આચરતા ટિકિટ ઇન્સ્પેક્ટરે વડોદરા રેલવે પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના નારણપુરા સોલાર રોડ ઉપર આવેલા પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશકુમાર બજરંગ લાલ ખીંચી અમદાવાદ હેડ કવાટર ખાતે ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગત 30 મે ના રોજ તેઓની નોકરી અમદાવાદથી સુર્યનગરી ટ્રેનમાં બાન્દ્રા સુધીની અને બાન્દ્રાથી સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ સુધીની હતી. તે મુજબ તેઓ દોઢ વાગે બાન્દ્રા રેલ્વે સ્ટેશનથી સુર્યનગરી માં કોચના મુસાફરની ટીકીટ ચેક કરતો અમદાવાદ જતા હતા
તે દરમ્યાન વિશ્વામિત્રી અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે એક શખ્સ જેણે પોતાનું નામ રાજુભાઈ જણાવી તેમને કહ્યું હતું કે તેઓ કડીયા કામ કરે છે. તેમની છોકરીના લગ્ન માટે પૈસાની જરૂર છે અને કડીયા કામ કરતી વખતે સોના-ચાંદીની જુની વસ્તુઓ મળી છે તમે કોઇની પાસે વેચાણ કરીને મદદ કરો તેમ કહી તેમને એક પીળી ધાતુની લગડી આપી હતી. જેથી તેઓએ શખ્સનો મોબાઈલ નંબર લીધો હતો અને તેમનો મોબાઈલ નંબર તેને આપ્યો હતો. આ ઈસમે આપેલી એક લગડી સોનીને બતાવતા સોનાની હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ 2 જૂનના રોજ સવારના આશરે આઠેક વાગ્યાની આસપાસ મોબાઈલ પર આ શખ્સે ફોન કરી જણાવ્યું હતું તેમની દિકરીના લગ્ન તાત્કાલિક લેવાના હોય રૂ.10 લાખની જરૂર છે. સોનાની તમામ વસ્તુઓ તમને આપી દઈશ તમે 10 લાખ આપો. જેથી ટિકિટ ઇન્સ્પેક્ટરે તમને આ વસ્તુના બદલામાં રૂ.7 લાખ આપી શકીશ. જેથી તેઓ સહમત થયા હતા અને આણંદ ખાતે હોસ્પીટલમાં સબંધી દાખલ હોય પૈસાની સગવડ થયેથી અમુલ ડેરી પાસે પૈસા લઈ આવવા જણાવ્યુ હતું. જેથી બેંકમાં રૂ.8.07ની લોન કરાવી પૈસા લીધા હતા અને 4 જૂનના રોજ આ શખ્સને ફોન કરી રૂપીયાની સગવડ થઈ ગઇ હોય આણંદ ખાતે પૈસા લઈ આવે છે. જેથી ઠગ પણ ત્યાં આવી ગયો હતો અને બે થેલી તેણે આપતા તેઓએ ખોલીને જોતાં લગડી અને બીજીમાં પીળી ધાતુના હાર જેવી વસ્તુ હતી.ત્યારબાદ રૂ.7 લાખ તે શખ્સને આપતા તે ત્યાંથી જતા રહયો હતો. તેઓએ ઘરે જઈ ફોન કરતા મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હોય શંકા જતા દાગીના સોનીને બતાવતા તમામ લગડી અને હાર સોનાના નહી હોવાનું જણાવ્યુ હતું. જેથી ટિકિટ ઇન્સ્પેક્ટરને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.