Dakshin Gujarat

VIDEO: પ્લેન ક્રેશ પહેલાં ભરૂચની ભૂમિ ચૌહાણ સાથે શું થયું હતું, કહ્યું- ભગવાનની કૃપાથી બચી ગઈ..

ભરૂચઃ અમદાવાદ પ્લેન દુર્ઘટના નિર્દોષ પેસેન્જરોના મોત થતા તેના પરિજનો પણ આઘાતમાં સરી ગયા છે. પ્લેન ક્રેશની ઘટના બન્યા બાદ આખું ગુજરાત જાણે માતમમાં આવી ગયું ત્યારે “જેને રામ રાખે એને કોણ ચાખે” એવા બચી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

  • 10 મિનીટ મોડી પડતા ભૂમી ચૌહાણ પ્લેન ચુકી જતા જીવ બચી ગયો
  • ભૂમી ચૌહાણ કહે છે કે આજ ભગવાનની અસીમ કૃપા..!!
  • બે વર્ષથી લંડનમાં સ્થાયી થયેલી ભૂમિ ચૌહાણ એક મહિનાથી ભરૂચ આવી હતી.
  • લંડન જતી વખતે 10 મિનીટ મોડા પડતા અને ભારે રીક્વેસ્ટ છતાં પણ એન્ટ્રી ના મળી

ફ્લાઈટ દુર્ઘટના વખતે ભરૂચની દીકરી ભૂમિ ચૌહાણ નસીબ લઈને આવી છે. બે વર્ષથી લંડનમાં સ્થાયી થયેલી અને એક મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનીટ મોડી પડતા ફ્લાઈટ ચુકી જતા જ તેણીનો જીવ બચી ગયો. સમગ્ર ઘટના અંગે ભૂમિ ચૌહાણે રાહતના શ્વાસે કહ્યું કે આ તો ભગવાનની અસીમ કૃપા છે. અનેક રીક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ન મળી અને આખરે હું બચી ગઈ.

ભરૂચ આવેલા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે, અમે બે વર્ષ પહેલાં જ લંડન સ્થાયી થઇ ગયા. હું ત્યાં ભણવાના બેઝ પર ગઇ હતી. મારા પતિ ત્યાં જ છે. હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યાં જવા નીકળી હતી. ગુરુવારે અમે 1:10 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી હતી. અમે વહેલા નીકળી ગયા હતા પણ પહોંચતાં જ 12:20 વાગી ગયા હતા. ત્યાંના સ્ટાફે 12:10એ ચેકિંગ બંધ કરી દીધુ હતું.

માત્ર એક વિન્ડો ખુલ્લી હતી. ત્યાં સ્ટાફને રીક્વેસ્ટ કરી કે માત્ર 10 મિનીટ જ મોડી પડી છું. તો મને નીકળી જવા દો. પણ સ્ટાફે મને ન જવા દીધી. એ મને જવા ન દેતા અમે એરપોર્ટથી નીકળ્યા હતા. અમને ન્યુઝ્થી ખબર પડી અને સગાવ્હાલાનાં ફોન આવતા કહ્યું કે હાશ, તું જે ફ્લાઈટમાં જવાની હતી એ જ પ્લેન ક્રેશ થયું. તું બચી ગઈ.

‘ફ્લાઈટમાં ન જવા દીધી ત્યારે ભારે ગુસ્સો આવ્યો હતો : ભૂમિ ચૌહાણ
ભૂમી ચૌહાણે એરપોર્ટની ઘટના જણાવ્યું હતું કે, પ્લેનમાં લેટ થતા શરૂઆતમાં તો મને બહુ ગુસ્સો આવ્યો કે માત્ર 10 મિનિટ મોડી પડીને ફ્લાઇટ ચૂકી ગઇ પણ પછી આ બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઈ. સારૂ થયું હું 10 મિનિટ લેટ પડી. જે દુર્ઘટના ઘટી એ ખુબ જ ખરાબ છે. હું કંઇ કહી જ નથી શકતી, જે લોકો જોડે થયું છે. એ વિચારીને જ ધ્રુજી જવાય છે. એરલાઈન્સને રીક્વેસ્ટ છે કે સેફ્ટીના રૂલ્સ અને પ્રોટોકોલ કરવામાં આવે તો દુર્ઘટના આવી ન બને અને લોકોના જીવ પણ બચી જાય.

Most Popular

To Top