World

ફૂકેટથી 156 પેસેન્જરને લઈ નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આજે શુક્રવારે થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-379 ને બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના પછી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફુકેટ એરપોર્ટના અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કટોકટીની કાર્યવાહી બાદ તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાના વિમાનમાં 156 મુસાફરો સવાર હતા.

ફ્લાઇટ ટ્રેકર Flightradar24 મુજબ વિમાન શુક્રવારે સવારે 9:30 વાગ્યે (0230) ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી પરંતુ 20 મિનિટની ઉડાન પછી તે આંદામાન સમુદ્રની આસપાસ ફર્યું અને સ્થાનિક સમય મુજબ સવારે 11:38 વાગ્યે ફુકેટ એરપોર્ટ પર પાછું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. બાદમાં એવું જાણવા મળ્યું કે પ્રારંભિક શોધખોળ બાદ, અધિકારીઓને સંબંધિત એર ઇન્ડિયા વિમાનમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો.

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. એક મુસાફર બચી ગયો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 એ ગુરુવારે બપોરે લગભગ 1:38 વાગ્યે અમદાવાદથી લંડન માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને બપોરે 1:40 વાગ્યે એરપોર્ટથી થોડા કિલોમીટર દૂર ક્રેશ થઈ ગઈ હતી. ફ્લાઈટનો પાછળનો ભાગ બીજે મેડિકલ કોલેજના મેસ પર પડ્યો હતો, જેના કારણે ઈમારતને ભારે નુકસાન થયું હતું. મેસમાં મોટી સંખ્યામાં મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ હાજર હતા.

આ અકસ્માતમાં 24 મેડિકલ અને નર્સિંગ વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા અને કેટલાક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ, આ વિમાન દુર્ઘટનામાં કુલ 265 લોકોના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં સવાર હતા, જેઓ તેમની પુત્રી અને પત્નીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનું પણ આ દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

Most Popular

To Top